Breaking News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના પ્રવાસની શરૂઆત પોતાની માતા હીરાબાને મળીને કરી હતી. તેમણે માતાને ફૂલનો હાર પહેરાવી, શાલ ઓઢાળી અને તેમના પગ ધોઈને તે પાણી પોતાના માથે ચઢાવીને આશીર્વાદ લીધા હતા. હીરાબાનો આજે 100મો જન્મદિવસ હતો. મોદીએ પહેલીવાર તેમના માતા અને તેમની વચ્ચેના સબંધોની યાદગીરી એક બ્લોગમાં વર્ણવી છે.

નરેન્દ્ર મોદી અને તેમની માતા વચ્ચેનો પ્રેમ અમૂલ્ય છે. તેઓ જ્યારે પણ કોઇ સારૂં કામ કરે છે ત્યારે અથવા તો મોટી સફળતા મળે છે ત્યારે તેઓ માતાના આશીર્વાદ લેતા હોય છે. આ વખતે ગુજરાતના પ્રવાસ દરમ્યાન તેમના માતા શતાયુ વર્ષમાં પ્રવેશ કરી રહ્યાં હોવાથી તેઓ તેમને મળવા માટે નિવાસસ્થાન ગયા હતા અને તેમની સાથે ચર્ચાઓ કરી હતી.

માતાને મળવા ગયેલા વડાપ્રધાનને જોવા માટે માર્ગ પર હજારો લોકોની ભીડ ઉમટી પડી હતી જેનું તેમણે અભિવાદન કર્યું હતું. તેમણે માતાના આરોગ્યની પૃછા કરી હતી. તેઓ તેમની સાથે હાથમાં એક બેગ લઇને ગયા હતા જેમાં માતા માટે શાલ હતી. તેઓ જ્યારે હીરાબાને મળ્યા ત્યારે માતાને ખુરશીમાં બેસાડીને તેઓ જમીન પર બેસી ગયા હતા. ઘરના મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. માતાની લાંબી ઉંમરની કામના કર્યા પછી તેમનું મોંઢું પણ મીઠું કરાવ્યું હતું. હીરાબાએ પણ દિકરાને આશીર્વાદ આપ્યા હતા.

વડાપ્રધાન મોદીના માતા ગાંધીનગરના રાયસણ વિસ્તારમાં તેમના નાના દિકરા પંકજ મોદી સાથે રહે છે. રાજભવનમાં રાત્રી રોકાણ બાદ આજે સવારે 6.30 કલાકે માતાને મળવા ગયેલા મોદીએ માતા સાથે અડધો કલાક વિતાવ્યો હતો. મોદીની આ મુલાકાત સમયે રાયસણ વિસ્તાર અને માર્ગના રૂટમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: