Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી

– હિમાંશુ ઉપાધ્યાય

કોઠાસૂઝ અને અડગ નિશ્વય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પડી શકે તેની પ્રતીતિ બનાસકાંઠા જિલ્લાની ૪.૫ લાખ દૂધ ઉત્પાદકોએ કરાવી છે. આ દૂધ ઉત્પાદક પરિવારોમાં મહિલોનું યોગદાન અમૂલ્ય હોય છે. ઠંડી, ગરમી અને વર્ષા એમ ત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતો બનાસકાંઠા જિલ્લો આજે દૂધ ઉત્પાદન થકી ‘શ્વેત વિકાસ’ની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે. સમગ્ર દેશમાં બનાસકાંઠા એકમાત્ર એવો જિલ્લો છે કે, જ્યાં એક જિલ્લામાં બે મોટી ડેરી છે. એટલુ જ નહીં, પરંતુ છેલ્લા સાત વર્ષમાં બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરીને નવા આયામો સર કર્યા છે. ‘સ્વ’ના બદલે બીજાના હિતનો વિચાર કરીને પૂજ્ય ગલબાભાઇ પટેલે બનાસ ડેરીની સ્થાપના કરી હતી જે આજે વટવૃક્ષ બની છે.  બનાસકાંઠા જિલ્લાના દિયોદર નજીક સણાદર ખાતે ૧૫૧ વીઘામાં નિર્માણ પામેલ બનાસ ડેરી સંકુલ, પોટેટો પ્રોસેસિંગ અને પ્રોડક્ટ યુનિટ તથા દૂધવાણી કોમ્યુનીટી રેડીયો સ્ટેશન (FM 90.4)નું આવતી કાલે તારીખ ૧૯ એપ્રિલ-૨૦૨૨, મંગળવારના રોજ દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાનાર છે.



વિશ્વના જુદા જુદા ૭ દેશોની મશીનરી આ પ્લાન્ટમાં લગાવાઇ 

કાર્યક્રમના સ્થળેથી વડાપ્રધાનશ્રીના હસ્તે બનાસ ડેરીના વિવિધ પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમૂર્હત કરવામાં આવશે. ઇ-લોકાર્પણમાં બનાસ ડેરીના ચીઝ અને વ્હે પાવડર પ્લાન્ટ વિસ્તૃતીકરણ, પાલનપુર, બનાસ ગોબર ગેસ પ્લાન્ટ અને બાયો સી.એન.જી. સ્ટેશન, દામા (ડીસા) અને ઇ- ખાતમુહૂર્તમાં નવીન ચાર ગોબરગેસ પ્લાન્ટ- ખીમાણા, રતનપુરા (ભીલડી), રાધનપુર અને થાવર (ધાનેરા)નો સમાવેશ થાય છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારવા બનાસવાસીઓમાં અનેરો આનંદ અને ઉત્સાહ છે. આ કાર્યક્રમમાં સહભાગી થવા સભાસદ મહિલાઓ ગામે ગામ ફરીને આમંત્રણ આપ્યું હોય તે પણ કદાચ સૌ પ્રથમ ઘટના છે.  હાલના સમયમાં બનાસ ડેરી વિશ્વને સફળ ગાથા સુણાવી રહી છે. સાચુ પુછો તો, બનાસ ડેરી બનાસકાંઠાના ખેડૂતોની જીવાદોરી છે. આજે બનાસ ડેરી આખા દેશમાં જાણીતું નામ બની ગયું છે. આ ડેરીએ છેલ્લાં સાત – આઠ વર્ષમાં ઉડીને આંખે વળગે એવી અદભુત કામગીરી કરી છે, જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે. બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી કહે છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીનો બનાસ ડેરી સાથે જૂનો નાતો છે. વર્ષ 2002માં જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ બનાસકાંઠા અને બનાસ ડેરીને તેમનુ દીર્ઘદ્રષ્ટીપૂર્ણ માર્ગદર્શન સમયાંતરે મળતું રહ્યું છે. તેમણે આપેલા વિચારબીજ ક્રમશ: વટવૃક્ષ બનતા જાય છે. તેના ફળ આજે બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાત અને આસપાસના લોકો મેળવી રહ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.   અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં આવું પહેલી વાર બન્યું હશે કે “એક જ જિલ્લામાં બીજો મોટો અત્યાધુનિક ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો હોય,  જૂન-૨૦૨૦માં ડેરીનું નિર્માણ કાર્ય શરૂ થયું અને માત્ર ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં અને કોવિડ-૧૯ની વૈશ્વિક મહામારીની વિપરીત પરિસ્થિતિ વચ્ચે સ્ટેટ ઓફ ધી આર્ટ ડેરી પ્લાન્ટ નિર્માણ પામ્યો છે. જેમાં વિશ્વના જુદા જુદા સાત દેશોની મશીનરી લગાવાઇ છે.
સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન હાલના સમયમાં ‘બનાસ ડેરી’ વિશ્વ માટે સફળગાથાનો અનુકરણીય પથ



આ પ્લાન્ટમાં ૩૦ લાખ લીટર પ્રતિદિનની દૂધની પ્રક્રિયા કરવાની ક્ષમતા છે. જે વધારીને ૫૦ લાખ લીટર પ્રતિદિન થઇ શકશે. પ્લાન્ટમાં ૧૦૦ ટન પ્રતિદિન બટર ઉત્પાદન ક્ષમતા, ૧ લાખ લીટર પ્રતિદિન આઈસ્ક્રીમ પ્લાન્ટ, ૨૦ ટન પ્રતિદિન ખોવા તેમજ ૬ ટન પ્રતિદિન ચોકલેટ એન્રોબીંગ પ્લાન્ટની વ્યવસ્થા છે. ડેરી પ્લાન્ટની બાજુમાં આ સંકુલમાં જ ૪૮ ટન પ્રતિદિનની બટાકા પ્રોસેસિંગની ક્ષમતા પણ વિકસાવવામાં આવનાર છે. બનાસ ડેરી સંકુલ, દિયોદરમાં સહકારી ક્ષેત્રમાં સૌ પ્રથમવાર બનાસ કોમ્યુનીટી FM રેડીયો 90.4 સ્ટેશન ઉભું કરવામાં આવી રહ્યું છે. જે લોકશિક્ષણ અને પશુપાલનમાં અત્યંત ઉપયોગી થશે તેમ શ્રી ચૌધરી કહે છે.  કોરોનાની કપરી પરિસ્થિતિમાં જ્યારે બધુ જ ઠપ થઈ ગયું હતું ત્યારે પણ બનાસ ડેરીની મહિલા પશુપાલકોના હાથ પશુધનનું દૂધ દોહતી રહી અને શ્વેત વિકાસની ગતિ અવિરત ચાલતી રહી. બનાસ ડેરીએ એકપણ દિવસ મિલ્ક હોલી ડે રાખ્યા સિવાય કોરોનાની કપરી પરિસ્થિતિમાં પણ દૂધ ધારા વહેતી બંધ થવા દીધી નથી અને પશુપાલકોને પુરતા પ્રમાણમાં ભાવ આપ્યા છે. આ ઉપરાંત વર્ષના અંતે ભાવફેર એટલે કે નફો પણ આપવામાં આવે છે જેનાથી પશુપાલકોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દિયોદરમાં વિશાળ મહિલા સંમેલનને સંબોધશે, ત્યારે મોટી સંખ્યામાં મહિલાઓ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સાંભળવા આતુર છે. આ કાર્યક્રમ માટે મહિલાઓએ ગામે-ગામ જઈને કાર્યક્રમનું  આમંત્રણ પાઠવ્યું છે. આ પણ કદાચ દેશમાં બનેલી પ્રથમ ઘટના છે. આ ઉપરાંત મહિલાઓએ ગામે-ગામ જઈને ગરબા રમીને પણ ગામલોકોને કાર્યક્રમ અંગે લોકોને જાણકારી

આપવાનુ ઉલ્લેખનીય કાર્ય કર્યું છે.  બનાસ ડેરીની સાથે જોડાયેલી મહિલા પશુપાલકોનો ડેરીના વિકાસમાં સિંહ ફાળો છે. બનાસકાંઠાની મહિલાઓ ભલે ઓછું અક્ષરજ્ઞાન ધરાવતી હોય પરંતુ તેમની કોઠાસૂઝ અને પશુપાલન વ્યવસાયમાં અથાગ મહેનતને કારણે આજે બનાસ ડેરીએ જગતભરમાં આગવી ઓળખ ઊભી કરી છે. બનાસડેરીની મહિલા પશુપાલકોએ સાબિત કર્યું છે કે, મહિલાઓમાં અપાર શક્તિઓ છે. પોતાના પશુપાલનના વ્યવસાય દ્વારા પોતાના પરિવાર તેમજ બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી મહિલાઓ પોતાના પરિવારને આત્મસન્માનપૂર્વક આગળ ધપાવી રહી છે. સો સો સલામ છે આવી મહિલા પશુપાલકોને કે, જેમણે દેશ અને દુનિયાને ગુજરાતની નારીશક્તિની અનોખી પહેચાન કરાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: