પ્રવકતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું છે કે, તા. ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭ના
રોજ ભારતની આઝાદી સમયે જોવા મળેલો રાષ્ટ્ર ભક્તિનો જુસ્સો આજે ૭૫ વર્ષ બાદ
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ‘હર ઘર તિરંગા’ અભિયાન થકી ગુજરાત સહિત દેશભરમાં
જોવા મળ્યો તે બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજે મળેલી કેબિનેટ
બેઠકમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતો આભાર પ્રસ્તાવ પસાર કરાયો
છે.
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી શરૂ થયેલાં હર ઘર તિરંગા અભિયાનને
ગુજરાતમાં વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. રાજ્યમાં એક કરોડના લક્ષ્યાંકની સામે ૧.૪૦ કરોડ
તિરંગા લહેરાવીને ગુજરાતે રાષ્ટ્ર ભક્તિમાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે તે બદલ પ્રવક્તા
મંત્રીશ્રીએ રાજ્યની જનતા જનાર્દનનો આભાર માન્યો હતો.
મંત્રીશ્રીએ હર ઘર તિરંગા અભિયાનની વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યના તમામ
૩૩ જિલ્લાઓના તમામ ગામ-શહેરો અને નગર-મહાનગરોમાં સરકારી-ખાનગી કચેરીઓ,
વિવિધ સંસ્થાઓ, વિવિધ ધાર્મિકસ્થાનો, ઐતિહાસિક ઈમારતો, શાળા-કોલેજો, નાના-મોટા
ઉદ્યોગગૃહો, મુખ્ય જળાશયો, જંગલ, દરિયાઈ વિસ્તાર, રણ વિસ્તાર, પર્વત વિસ્તાર, માર્કેટ,
ઝુંપડું કે મકાન તમામ વિસ્તારોમાં તિરંગા લહેરાવવામાં આવ્યા હતા અને દેશપ્રેમના અદ્વિતીય
વાતાવરણનું નિર્માણ થયું હતું.
રાજ્યના તમામ જિલ્લાઓમાં મળી કુલ ૨,૪૦૦થી વધુ તિરંગા યાત્રાઓનું આયોજન
થયું હતું જેમાં નાગરિકો સ્વયંભૂ ઉત્સાહભેર જોડાયા હતા. આ ઉપરાંત રાજ્યભરમાં હર ઘર
તિરંગા કાર્યક્રમ અંતર્ગત ગ્રામસભાઓ, સંકલ્પ પત્રનું વાંચન, શાળામાં વિવિધ સ્પર્ધાઓ,
પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના તમામ વયના નાગરિકોએ ભાગ
લઈને રાષ્ટ્રભક્તિના નારાઓ સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બનાવ્યું હતું તેમ તેમણે
ઉમેર્યું હતું.
……..