Breaking News

દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના દિવ્ય કલા મેળાનો અમદાવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે શુભારંભ

અમદાવાદમાં રિવરફ્રન્ટ (વલ્લભ સદન) પર રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દેશના દિવ્યાંગ હસ્તકલા કારીગરો દ્વારા નિર્મિત ચીજ- વસ્તુઓના પ્રદર્શન-કમ-વેચાણ મેળા – દિવ્ય કલા મેળાને ખુલ્લો મુક્યો હતો. ત્રિરંગા ફુગ્ગા ઊંચે આભમાં લહેરાવીને મેળાનું ઉદઘાટન કર્યા પછી તેમણે હસ્તકલા સ્ટૉલ્સની મુલાકાત લઈને દિવ્યાંગ કારીગરો સાથે સંવાદ કર્યો હતો.

ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારના સહયોગથી આયોજિત દિવ્ય કલા મેળાના શુભારંભ અવસરે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત સરકારના વિશેષ પ્રયત્નોથી દિવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ વધ્યો છે. આર્થિક સહાય સહિતના પ્રોત્સાહનોથી દિવ્યાંગો આત્મનિર્ભર થયા છે, એટલું જ નહીં અન્ય લોકોને રોજગારી આપવા સમર્થ બન્યા છે.

દિવ્ય કલા મેળામાં પ્રદર્શિત અને વેચાણ માટે મુકાયેલી ચીજ-વસ્તુઓમાં દિવ્યાંગજનોની પ્રતિભાના દર્શન થયા, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ઈશ્વરે દરેક વ્યક્તિમાં; ભલે તે અશક્ત, નિર્બળ કે અસમર્થ હોય તો પણ, તેમાં કોઈને કોઈ ખૂબી વિશેષતા મૂકી જ છે. દિવ્ય કલા મેળામાં એ વિશેષતા દરેક જગ્યાએ ડોકાય છે. આવા પ્રતિભાવાન દિવ્યાંગ કલાકારો-કારીગરોને આ મેળાથી પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો તો મળ્યો જ છે, માર્કેટ પણ મળ્યું છે. તેમણે ગુજરાતના નાગરિકોને દિવ્ય કલા મેળાની અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કર્યો હતો.

અમદાવાદમાં વલ્લભ સદન પાસે, રિવરફ્રન્ટ પર તા. ૨૫ મી ફેબ્રુઆરી સુધી દરરોજ સવારે ૧૧:૦૦ થી રાત્રિના ૯:૦૦ વાગ્યા સુધી દિવ્ય કલા મેળો ખુલ્લો રહેશે. ૨૦ રાજ્યોના લગભગ ૧૦૦ જેટલા દિવ્યાંગ કલાકારો-કારીગરોના સ્ટોલ્સ આ મેળામાં છે. ભારતમાં વર્ષ-૨૦૨૨ થી વિવિધ રાજ્યો અને શહેરોમાં દિવ્ય કલા મેળા યોજાઇ રહ્યા છે. અમદાવાદમાં આ મેળો સૌપ્રથમ વખત યોજાયો છે. ગુજરાત સરકારના સહયોગથી આયોજિત આ મેળામાં ભાગ લેવા પધારેલા દિવ્યાંગ કલાકારો-કારીગરોને આવવા-જવા, રહેવા-જમવા વગેરેની તમામ વ્યવસ્થા સરકાર તરફથી વિના મૂલ્યે આપવામાં આવી રહી છે. એટલું જ નહીં, જે દિવ્યાંગજનોનું વેચાણ વધુ થાય તેને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવી રહ્યું છે.

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ડૉ. વિરેન્દ્ર કુમારે આ અવસરે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં ‘સબકા સાથ, સબકા વિકાસ’ના નારા સાથે રાષ્ટ્રીય દિવ્યાંગજન આર્થિક વિકાસ નિગમ દ્વારા દિવ્યાંગજનો માટે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દરેક દિવ્યાંગજનો એ દિવ્ય પ્રતિભાઓ છે તેમ તેમણે કહ્યું હતું.

કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. વિરેન્દ્ર કુમારે કહ્યું હતું કે, ભારતભરમાં કુલ ૧૪ જેટલા મેળાનું આયોજન કર્યા બાદ અમદાવાદ ખાતે આ ૧૫ મો દિવ્ય કલા મેળો છે. દિવ્યાંગજનો પ્રત્યે આત્મવિશ્વાસનો ભાવ ઉભો થાય તે રીતે તથા દરેક જનપ્રતિનિધિ તેમની સાથે ઉભો હોય તેવો તેમને વિશ્વાસ અપાવવા માટે સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દરેક રીતે વિવિધ માધ્યમો દ્વારા દિવ્યાંગજનોને કૌશલ્ય વિકાસ સાથે જોડીને તેમના દ્વારા ઉત્પાદિત સામગ્રી વેચવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે. ખૂબ જ ઓછા વ્યાજ દરે દિવ્યાંગજનોને લોન પણ પૂરી પાડવામાં આવે છે, જેથી દિવ્યાંગજનો પૂરી પ્રતિબદ્ધતા સાથે આત્મનિર્ભર બનવાના રસ્તે આગળ વધી શકે. દિવ્યાંગજનોના પરિવારમાં અને સમાજમાં તેમના પ્રત્યે સન્માનની લાગણી ઉદભવે તથા તેઓ આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે આગળ વધે તેવા સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયના પ્રયત્નો છે. આજે આયોજિત આ દિવ્ય કલા મેળામાં દિવ્યાંગજનોના સ્વાવલંબન અને સશક્તિકરણ માટે ખૂબ જ ઉપયોગી બને તેવા સાધનો અને વસ્તુઓનું વિતરણ સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. સબકા સાથ, સબકા વિકાસને સાકાર કરવા માટે વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે દિવ્યાંગજનો સહભાગી થાય તેવો આત્મવિશ્વાસ કેન્દ્રીય મંત્રી શ્રી વિરેન્દ્ર કુમારે વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રીય વિકલાંગજન આર્થિક વિકાસ નિગમના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી નવીન શાહે આવકાર ઉદબોધનમાં કહ્યું હતું કે, દિવ્યાંગજનો જે આપણા સમાજનો એક અનન્ય હિસ્સો છે તેમને સંબોધિત કરવા માટેનો શબ્દ ‘દિવ્યાંગજન’ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યો છે. આજે આયોજિત આ મેળા થકી દિવ્યાંગજનોને સ્વાવલંબી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. દિવ્યાંગજનોની ટ્રેનિંગ, દિવ્યાંગજનો માટે લોનનું આયોજન, તેમને માર્કેટિંગ પ્લેટફોર્મ આપવું વગેરેનું આયોજન નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રકારના દિવ્યાંગ મેળાના કારણે દેવ્યાંગજનોમાં આત્મવિશ્વાસ વધે છે.

શ્રી નવીન શાહે વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં આયોજિત દિવ્ય કલા મેળામાં આજે ૧ કરોડ, ૯૦ લાખની લોનનું વિતરણ ભારત સરકારના સામાજિક અધિકારીતા મંત્રાલય હેઠળ કરવામાં આવ્યું હતું. ૧૧ જેટલા દિવ્યાંગજનોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. દિવ્ય કલા મેળામાં સહભાગી થયેલ પબ્લિક સેક્ટર યુનિટ, એલીમકો દ્વારા દિવ્યાંગજનો માટે ઉપયોગી વસ્તુઓ જેવી કે, મોટર ટ્રાઇસાઇકલ, દિવ્યાંગજનોને ઉપયોગી બની શકે તેવા મોબાઇલ, અને અન્ય ઉપયોગી ચીજ વસ્તુઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ અવસરે ગુજરાત રાજ્યના શ્રી વી.જે. રાજપુત, બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશનના નિયામક શ્રી ડૉ. ભૂષણ પુનાની, સામાજિક સુરક્ષા નિયામક શ્રી વિક્રમસિંહ જાદવ અને વિવિધ સંસ્થાઓના આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: