Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations

શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો

વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમને પુન: સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થશે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ

ગુજરાત પોલીસ માનવીય અભિગમ સાથે સારું કામ કરી રહી છે :- શ્રી હર્ષ સંઘવી


અમદાવાદ શહેર પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં બાળકોને બચાવી તેમના માટે સાથે સાનુકૂળ માહોલનું સર્જન કરી ફરી સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશન ખાતે માં ફાઉન્ડેશનના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો છે.

ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે આ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમનું વર્ચ્યુઅલી ઉદ્ધાટન કર્યું હતું.

આ પ્રસંગે ચાઈલ્ડ ફ્રેન્ડલી વિષય પર સ્પેશિયલ ટ્રેનિંગ સેશન કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં ખાસ કરીને બાળકો માટે સુધારાત્મક અને વિકાસશીલ અભિગમ માટેના સાનુકૂળ વાતાવરણનું સર્જન થાય તે માટે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા પાલડી પોલીસ સ્ટેશનમાં ચાઈલ્ડ ફ્રેન્ડલી રૂમ તૈયાર કરાયો તે બદલ સમગ્ર શહેર પોલીસને અભિનંદન. શ્રી હર્ષ સંઘવીએ આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો પણ વિશેષ આભાર માન્યો હતો. ગુજરાત પોલીસ માનવીય અભિગમ સાથે સારું કામ કરી રહી છે, એવું શ્રી હર્ષ સંઘવીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે શ્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની કામગીરી વિશે વાત કરતા કહ્યું હતું કે, રાજ્ય પોલીસ વિભાગ હાલ પાંચ જેટલા વિષય પર ઉત્તમ કામગીરી કરી રહી છે. જેમાં સૌથી પહેલો વિષય ડ્રગ્સ સામેની લડાઈ. આ વિષય પર તેમણે જણાવ્યું કે, ડ્રગ્સનું દૂષણ નાબૂદ કરવા પોલીસ કટિબદ્ધ છે. બીજો વિષય છે મહિલાઓની સુરક્ષા. આ મુદ્દે શ્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ગુજરાત મહિલાઓની સુરક્ષામાં મોખરે છે તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓ વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવા માટે પોલીસે ગુનેગારો સામે ઝડપી કાર્યવાહી કરી સમાજમાં આવી ઘટના ફરી ન બને તે દિશામાં કામગીરી કરી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસે અનેક કિસ્સાઓમાં ખૂબ જ ટૂંકા ગાળામાં ચાર્જશીટો તૈયાર કરી આરોપીઓને સજા અપાવવાનું કામ કર્યું છે, એવું મંત્રી શ્રીએ ઉમેર્યું હતું.

ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ત્રીજો વિષય કે જે સામાન્ય નાગરિકો સાથે ટ્રાફિક પોલીસનું વર્તન. તેના પર વાત કરતા જણાવ્યું કે, રોજગારી મેળવવા જતો નાગરિક જો ભૂલથી લાઇસન્સ કે પીયૂસી ભૂલી ગયો હોય તો તેમની સાથે અયોગ્ય વર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ વિભાગ કામ કરી રહ્યો છે. ચોથો વિષય છે વ્યાજના દૂષણખોરોની નાબૂદી. જેના પર વાત કરતા શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, વ્યાજખોરીના દૂષણને લીધે સામાન્ય પરિવારો બરબાદ થતા હોય છે ત્યારે પોલીસે વ્યાજખોરોને પકડવાનું જ નહીં પરંતુ તેમની પાસેથી પૈસા, મકાન, ઘરેણાં પરિવારોને પાછું અપાવવાનું કામ પોલીસે કર્યું છે. સાથે સાથે બેંકો સાથેના સહયોગથી હજારો નાગરિકોને ઓછા વ્યાજમાં લોનના ચેક અર્પણ કરાયા છે.

વધુમાં શ્રી હર્ષ સંઘવી પાંચમા વિષય કે જે બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવવાનો. જે સંદર્ભે મંત્રીશ્રીએ જણાવ્યું કે, હાલમાં પોલીસ વિભાગ બાળકો વિરુદ્ધ થતા ગુનાઓ અટકાવી તેમના માટે સાનુકૂળ વાતાવરણનું સર્જન કરી તેમની માનસિક પરિસ્થિતિ બદલવાનું કામ કરી રહી છે. આ અંગે હું અમદાવાદ શહેર પોલીસની સમગ્ર ટીમને અભિનંદન આપીશ કે જેમણે ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન તૈયાર કરી નવતર અભિગમ અપનાવ્યો.

શ્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહેલ પોલીસકર્મીઓને સંબોધતા કહ્યું કે, આપણે સૌએ મુશ્કેલ પરિસ્થિતિમાંથી આવેલ બાળકોને બચાવી તેમને પુન: સામાન્ય જીવન ગુજારવામાં મદદરૂપ થવા માટે સંકલ્પબદ્ધ બનીએ. વધુમાં તેમણે કહ્યું કે, પોલીસમિત્રો પાસે અનેક પ્રકારની જ્વાબદારીઓ છે તેમાં બાળક સાથે સંવેદનશીલ બની મૈત્રીપૂર્ણ વ્યવહાર રાખી તેમની માનસિક પરિસ્થિતિમાં બદલાવ લાવવો એ આપણા સૌની જવાબદારી છે.

વધુમાં ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, તાજેતરમાં જ યોજાયેલ રથયાત્રામાં અમદાવાદ શહેર પોલીસ અને CID ક્રાઇમની ખાસ ટીમે 70 થી વધુ ખોવાયેલાં બાળકોનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.

આ પ્રસંગે અમદાવાદ શહેર પોલીસ ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી પ્રેમવીરસિંઘે જણાવ્યું હતું કે, ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્ય પોલીસ વિભાગના સહકારથી શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો. તેમણે વધુમાં કહ્યું હતું કે, બાળક એ રાષ્ટ્રની બહુમૂલ્ય સંપત્તિ છે. જે સમાજ બાળકના ઉછેર પર યોગ્ય ધ્યાન આપે તે સમાજ ઉત્તરોતર પ્રગતિ કરતો હોય છે. સમાજના ઘણા બાળકોને વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો હોય છે. આવી પરિસ્થિતિઓ બાળ માનસ પર નકારાત્મક અસર કરતી હોય છે. ત્યારે આવા કિસ્સામાં ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનો પ્રયાસ એ બાળકો માટે મૈત્રીપૂર્ણ વાતાવરણ તૈયાર કરી તેમની સંભાળ અને સલામતી પૂરી પાડવાનો છે. અમદાવાદ શહેર પોલીસની આ મુહિમમાં ચાઈલ્ડ સાયકોલોજીસ્ટ સ્પેશ્યાલિસ્ટ પણ જોડાશે, એવું તેમણે જણાવ્યું હતું.

આ પ્રસંગે જોઈન્ટ પોલીસ કમિશનર શ્રી અજય ચૌધરી, અમદાવાદ રેન્જ આઈજી શ્રી વી. ચંદ્રશેખર, અમદાવાદ ગ્રામ્ય એસપી શ્રી અમિત વસાવા સહિત શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી કંચનબેન રાદડિયા સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: