ગાંધીનગર, ૩ ડિસેમ્બર, ૨૦૨૫: ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની નોડલ એજન્સી, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (GIDC) દ્વારા રાજકોટ (Rajkot)ના છાપરા ગામમાં ૩૫ હેક્ટર વિસ્તારમાં નવો એગ્રો ફૂડ પાર્ક સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના કૃષિ અને ખાદ્ય પ્રક્રિયા ક્ષેત્રની મૂલ્ય શૃંખલાને મજબૂત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું છે.
GIDC દ્વારા સ્થાપિત થનારો આ પાર્ક સૌરાષ્ટ્રનું નવું લોજિસ્ટિક્સ પાવરહાઉસ બનવાની સંભાવના ધરાવે છે. આ પાર્કમાં રસ્તા, પાણી, વીજળી, વેરહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, તાલીમ કેન્દ્રો અને અદ્યતન ટેસ્ટિંગ લેબોરેટરીઓ સહિતની તમામ આધુનિક માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
વ્યૂહાત્મક સ્થાન અને કનેક્ટિવિટી: છાપરા ખાતેના ફૂડ પાર્કનું સ્થાન ઉદ્યોગો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. સ્ટેટ હાઇવે, રાજકોટ રેલવે સ્ટેશન (Rajkot Railway Staion), હિરાજર એરપોર્ટ અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) ની નિકટતા તેમજ કંડલા બંદરથી માત્ર ૨૦૦ કિ.મી.ના અંતરે હોવાથી નિકાસલક્ષી ઉદ્યોગોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તમ કનેક્ટિવિટી મળશે.
રોકાણ અને રોજગારની સંભાવના: ગુજરાત સરકારની આ પહેલ મુડેથા (બનાસકાંઠા) ખાતેના પ્રોજેક્ટ સાથે મળીને કુલ ₹ ૫૦૦ કરોડનું રોકાણ આકર્ષવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેનાથી આશરે ૩૦,૦૦૦ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીની તકો ઊભી થવાનો અંદાજ છે.
આ પ્રોજેક્ટ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ (VGRC) – રાજકોટ અને કચ્છ દ્વારા મુખ્ય રોકાણોની પૂર્વ સમીક્ષાના ભાગરૂપે જાહેર કરાયો છે, જે ૮ અને ૯ જાન્યુઆરીના રોજ યોજાનાર છે અને ફૂડ પ્રોસેસિંગ ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડશે.
