
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસના સાંસદ સોનિયા ગાંધીને નોટિસ પાઠવી છે. આ નોટિસ એક અરજી પર આપવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે સોનિયા ગાંધીનું નામ 1980-81ની મતદાર યાદીમાં ખોટી રીતે ઉમેરવામાં આવ્યું હતું.
કોર્ટે આ મામલે રાજ્ય સરકારને પણ નોટિસ પાઠવી છે અને સમગ્ર કેસનો રેકોર્ડ (TCR) મંગાવ્યો છે. હવે આ કેસની આગામી સુનાવણી 6 જાન્યુઆરીના રોજ થશે, જેમાં સોનિયા ગાંધી અને રાજ્ય સરકારે નોટિસનો જવાબ આપવો પડશે.
કેસ શું છે?
- આ અરજી વિકાસ ત્રિપાઠી દ્વારા દાખલ કરવામાં આવી છે.
- અરજદારનો દાવો છે કે 1980ની નવી દિલ્હી વિધાનસભા ક્ષેત્રની મતદાર યાદીમાં સોનિયા ગાંધીનું નામ હતું, જોકે તેમને એપ્રિલ 1983માં ભારતની નાગરિકતા મળી હતી.
- આ અરજીમાં મેજિસ્ટ્રેટના અગાઉના નિર્ણયને પડકારવામાં આવ્યો છે, જેમાં સોનિયા ગાંધી વિરુદ્ધની ફરિયાદને 11 સપ્ટેમ્બરે ફગાવી દેવામાં આવી હતી.
ભાજપના આક્ષેપો:
ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયાએ 13 ઓગસ્ટે દાવો કર્યો હતો કે સોનિયા ગાંધી ભારતીય નાગરિક ન હોવા છતાં તેમનું નામ ભારતની મતદાર યાદીમાં બે વખત સામેલ કરવામાં આવ્યું હતું.
-
પ્રથમ વખત (1980): જ્યારે તેમનું નામ મતદાર યાદીમાં પ્રથમ વખત ઉમેરાયું, ત્યારે તેઓ ઇટાલીના નાગરિક હતા.
-
બીજી વખત (1983): 1982માં વિરોધ પછી તેમનું નામ યાદીમાંથી હટાવી દેવાયું હતું, પરંતુ 1983માં ફરીથી ઉમેરાયું. આ સૂચિ માટેની યોગ્યતાની તારીખ 1 જાન્યુઆરી 1983 હતી, જ્યારે સોનિયા ગાંધીને 30 એપ્રિલ 1983ના રોજ નાગરિકતા મળી હતી.
ભાજપનો આક્ષેપ છે કે નાગરિકતા ન હોવા છતાં એક જ વ્યક્તિનું નામ બે વખત મતદાર યાદીમાં હોવું એ ચૂંટણીની ગેરરીતિ (Electoral Malpractice)નો ગંભીર મામલો છે.
