
સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાએ અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરી
રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ 7.32 કરોડથી વધુ રકમનું ધિરાણ અપાશે
રાજ્યના અનુસૂચિત જાતિના નાગરિકો પોતાનું જીવન ગરિમાપૂર્ણ જીવી નાના વ્યવસાયો થકી સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બને તે હેતુથી અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા સ્વરોજગાર લક્ષી તેમજ થ્રી વ્હીલર યોજના કાર્યરત છે.
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આ યોજનાના લાભાર્થીઓની ગાંધીનગર ખાતેથી કોમ્પ્યુટરાઇઝ ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા લાભાર્થીઓને નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ સમાજના તમામ વર્ગોની ખાસ કરીને અનુસૂચિત જાતિના નાગરિકોના સશક્તિકરણ અને તેમને સમાન તક આપવા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. આજે રાજ્યના 665 લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે રૂ 7.32 કરોડથી વધુ ધિરાણ આપવા માટે પસંદગી કરાઈ છે. આ લાભાર્થીઓ યોજનાઓના માધ્યમથી નજીવા દરે સ્વરોજગારલક્ષી સાધનો ખરીદી નાના વ્યવસાયોમાં રોજગારી મેળવી આત્મનિર્ભર બનશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આજે કુલ 337 લાભાર્થીઓના લક્ષ્યાંક સામે 665 લાભાર્થીઓની ઓનલાઇન ડ્રો દ્વારા સંપૂર્ણ પારદર્શિતાથી પસંદગી કરવામાં આવી છે. પસંદગી પામેલા લાભાર્થીઓ ની તબક્કાવાર ડોકયુમેન્ટ ચકાસણી કરવામાં આવશે, જેમાંથી 337 પાત્ર લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે નજીવા દરે ધિરાણ આપવામાં આવશે.
આ સમગ્ર પ્રક્રિયાનું યુ-ટ્યુબમાં લાઇવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં અનુસૂચિત જાતિ કલ્યાણના નિયામક અને અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનના એમ.ડી શ્રી રચિત રાજ સહિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સંયુક્ત સચિવ શ્રી એન. એચ. ગઢવી, અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અનુસૂચિત જાતિના સ્વરોજગારલક્ષી તેમજ થ્રી વ્હીલર યોજનાના લાભાર્થીઓની આજે ગાંધીનગર ખાતેથી “કોમ્પ્યુટરાઇઝ ડ્રો” દ્વારા પારદર્શી રીતે પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી.
રાજ્યના ૬૬૫ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ માટે ₹૭.૩૨ કરોડથી વધુની રકમનું ધિરાણ આપવા માટે પસંદગી કરવામાં આવી. આ લાભાર્થીઓ… pic.twitter.com/aArgrJWQcO — Bhanuben Babariya (@BhanubenMLA) July 28, 2025