……….
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે મદદનીશ પ્રાધ્યાપક ઉમેદવારોને હુકમ પત્ર એનાયત
……..
૨૦ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨)ને ગાંધીનગર ખાતે હુકમ પત્ર એનાયત કરાયા
…….
શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની પ્રેરક ઉપસ્થિતિ
…….
રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલના હસ્તે નવનિયુક્ત ૨૦ મદદનીશ પ્રાધ્યાપક(વર્ગ-૨) ને હુકમ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
ગાંધીનગર ખાતે હુકમ વિતરણ કાર્યક્રમમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યની સરકારી કોલેજોના વિવિધ વિદ્યાશાખામા GPSC દ્વારા નિમણૂક પામેલ ૨૦ (વીસ)મદદનીશ પ્રાધ્યાપક (વર્ગ-૨) ને નિમણુંક પત્રો એનાયત કરવામાં આવ્યા છે.
મંત્રી શ્રી ઋષિકેશ પટેલે શિક્ષણ પરિવારમાં જોડાઈ રહેલા તમામ નવનિયુક્ત મદદનીશ પ્રાધ્યાપક ભાઈઓ અને બહેનોને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ક્ષણે તેમણે તમામને હક સાથે પોતાની ફરજો પ્રત્યે પણ પ્રામાણિક રહેવાની શીખ આપી હતી.

શિક્ષણ એ કોઈપણ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું પ્રથમ પગથિયું હોવાનું કહીને મંત્રી શ્રી એ નવનિયુક્ત તમામ શિક્ષકોને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છાઓ આપી હતી.
આ નવનિયુક્ત ૨૦ મદદનીશ પ્રાધ્યાપક માંથી ૧૦ ને પ્રાણીશાસ્ત્ર, ૪ ને સંસ્કૃત, ૨(બે) સમાજશાસ્ત્ર /સામાજિક વિજ્ઞાન , ૩ ગણિત-વિજ્ઞાન અને ૧ ને અર્થશાસ્ત્ર વિભાગમાં ફરજ માટે હુકમ એનાયત થયા છે.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મુકેશ કુમાર, કમિશ્નર શ્રી પરિમલ પંડ્યા , વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા…
