
Dadra Nagar Haveli | સંઘપ્રદેશ સેલવાસના દાદરા વિસ્તારમાં આગ લાગવાની મોટી ઘટના સામે આવી છે. દાદરાના વાગધર રોડ પરના ઔદ્યોગિક શેડ વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેમાં સનલાઇટ, મોનાલિસા અને લિઝા ઇન્ડસ્ટ્રીઝ સહિતની લગભગ 4 ફેક્ટરીઓ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
આગ એટલી વિકરાળ હતી કે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો અને સ્થાનિકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી હતી.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા માટે ‘મેજર કૉલ’ જાહેર કરવામાં આવ્યો છે. આગ દરમિયાન સતત જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાયા હતા, જેના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, રાહતની વાત એ છે કે હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
