THC Trafficking Ring | અમેરિકાના પેન્સિલવેનિયા રાજ્યમાં એક બહુચર્ચિત અને મલ્ટિ-મિલિયન ડોલરના ગેરકાયદેસર ડ્રગ ટ્રાફિકિંગ રેકેટનો પર્દાફાશ થયો છે.
રાજ્યના એટર્ની જનરલ ડેવ સન્ડે દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, આશરે ૧૮.૭ મિલિયન ડોલર (અંદાજે રૂ. ૧૫૫ કરોડ) ના ઉચ્ચ તીવ્રતા ધરાવતા THC (TetraHydroCannabinol) અને ગાંજા (Marijuana) ના ઉત્પાદનોનું ગેરકાયદેસર વિતરણ કરવા બદલ ૧૨ લોકો સામે ગંભીર ગુનાહિત કલમો હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
આ સમગ્ર નેટવર્કમાં ઝડપાયેલા 12 આરોપીઓમાં અલ્બીના કુમાર, દત્તકુમાર પટેલ, ધર્મેશકુમાર પટેલ, માધવ પટેલ, નિરવ પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, કેતનકુમાર પટેલ, નિરવકુમાર વોરા, રોશનીબેન પટેલ, અંકિતકુમાર પટેલ અને મિતુલ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ શખ્સો સામે ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ, મની લોન્ડરિંગ અને ગેરકાયદેસર માદક પદાર્થોની તસ્કરી કરવા બદલ કેસ નોંધવામાં આવ્યા છે.
તપાસ એજન્સીઓના રિપોર્ટ મુજબ, આ ક્રિમિનલ સિન્ડિકેટ પેન્સિલવેનિયાના જુદા જુદા શહેરોમાં આવેલી કન્વિનિયન્સ સ્ટોર્સ અને સ્મોક શોપ્સ દ્વારા બેનંબરી THC પ્રોડક્ટ્સનું વેચાણ કરતી હતી. તેઓ કાયદેસર હેમ્પ (Hemp) ના નામે આ નશીલા પદાર્થો ગ્રાહકોને પધરાવતા હતા.
આ રેકેટ ચલાવવા માટે એલેઘેની, લુઝર્ન અને બક્સ કાઉન્ટીમાં આવેલા ૩ વિશાળ વેરહાઉસનો મુખ્ય ડિસ્ટ્રિબ્યુશન હબ તરીકે ઉપયોગ થતો હતો. દરોડા દરમિયાન પોલીસે ૩ વેરહાઉસમાંથી ૪૦ થી વધુ પેલેટ્સ અને ૧,૫૦,૦૦૦ થી વધુ નશીલી વસ્તુઓ જપ્ત કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ આ ગેરકાયદે કમાણીને કાયદેસર બનાવવા માટે શેલ કંપનીઓ (LLCs) અને અનેક બેંક ખાતાઓનો ઉપયોગ કરીને મની લોન્ડરિંગ કરતા હતા.
વર્ષ ૨૦૨૪ ના અંતમાં શરૂ થયેલી આ તપાસમાં એ વાત પણ સામે આવી હતી કે સામાન્ય ભાડાના મકાનમાં રહેતા આ આરોપીઓ ટૂંકા સમયમાં મોંઘા બંગલા અને વેરહાઉસના માલિક બની ગયા હતા.
આ ઉપરાંત, જપ્ત કરાયેલી કેટલીક પ્રોડક્ટ્સ કન્ડી અને કલરફુલ પેકિંગમાં હોવાથી બાળકો અને યુવાનો સુધી પહોંચવાનો ગંભીર ભય પણ સેવાઈ રહ્યો હતો. હાલમાં આ કેસમાં કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે.
