TMKOC Quiz Winners | ભારતના સૌથી લોકપ્રિય અને લાંબો સમય ચાલનાર પારિવારિક મનોરંજન શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (TMKOC) એ તેના 18મા વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે TMKOC ક્લબ હાઉસ એપ પર એક રોમાંચક 18 દિવસીય લાઇવ ક્વિઝ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
1 ઓગસ્ટથી 21 ઓગસ્ટ દરમિયાન યોજાયેલા આ ક્વિઝમાં દેશભરમાંથી લાખો દર્શકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શો તથા ગોકુલધામ સોસાયટી પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો.
આ ક્વિઝ દરમિયાન દર્શકોને શોના પાત્રો અને કથાનક વિશેના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. હવે સોની સબ અને નીલા ફિલ્મ પ્રોડક્શન દ્વારા વિજેતાઓની જાહેરાત શરૂ કરી દેવામાં આવી છે.
ખાસ કરીને મુંબઈમાંથી ડૉ. વિનિત કુમાર, ડૉ. મહાલક્ષ્મી અય્યર, ખુશ્બૂ અમિત ઠક્કર, અને પ્રજ્ઞા સંજય ગણાત્રા સહિતના પરિવારો વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. આ તમામ વિજેતા પરિવારોને પ્રખ્યાત ગોકુલધામ સોસાયટીના અસલી સેટની સ્પોન્સર કરેલી મુલાકાત માણવાનો સુવર્ણ અવસર મળશે.
શોના સર્જક અને પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે, દર્શકોનો આ અપાર પ્રેમ જ અમારું સૌથી મોટું ઇનામ છે.
લોકોના શાનદાર પ્રતિસાદને કારણે મૂળ યોજનાને વિસ્તૃત કરીને હવે 18થી વધુ વિજેતા પરિવારોને ગોકુલધામ સોસાયટીમાં આમંત્રિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોની સબના ચીફ કન્ટેન્ટ ઓફિસર અજય ભાલવંકરે પણ આ માઇલસ્ટોન અને ચાહકોના જોડાણની પ્રશંસા કરી હતી.
ક્વિઝના પરિણામો દરરોજ સોની સબ પર ટેલિકાસ્ટ થતા એપિસોડ દરમિયાન જાહેર કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત, વિજેતાઓની સંપૂર્ણ યાદી ટૂંક સમયમાં જ TMKOC ક્લબ હાઉસ એપ પર પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
TMKOC ટીમ દ્વારા તમામ વિજેતાઓનો વ્યક્તિગત રીતે સંપર્ક સાધીને આગળની ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવશે. આ ઇવેન્ટથી ચાહકોને માત્ર શો જોવાનો જ નહીં, પરંતુ તેના યુનિવર્સ સાથે સીધા જોડાઈને અદ્ભુત ઇનામો જીતવાનો અનોખો અનુભવ મળ્યો છે.
