Gold Scam | અમેરિકાના ટેક્સાસ રાજ્યના ફ્રેન્ડ્ઝવુડ વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાને નિશાન બનાવીને 500,000 ડોલર (અંદાજે રૂ. 4.15 કરોડ) ની છેતરપિંડી આચરવાનો સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
નકલી ફેડરલ એજન્ટ બનીને આચરવામાં આવેલા આ ગોલ્ડ સ્કેમ કેસમાં પોલીસે કેલિફોર્નિયાના ત્રણ શખ્સો સામે ગુનાહિત કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આ કૌભાંડના તાર ભારત આધારિત મોટો નેટવર્ક ધરાવતા સાયબર ગેંગ સાથે જોડાયેલા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઠગબાજોએ વૃદ્ધાનો સંપર્ક કરીને પોતાને ફેડરલ એજન્ટ તરીકે ઓળખાવ્યા હતા. તેમણે પીડિતાને ડરાવીને દાવો કર્યો હતો કે તેમનું બેંક એકાઉન્ટ જોખમમાં છે અને નાણાં સુરક્ષિત કરવા માટે તેમણે પોતાની બચતમાંથી સોનું ખરીદીને તિજોરીમાં જમા કરાવવું પડશે. ઠગોના ઝાંસામાં આવીને વૃદ્ધાએ 500,000 ડોલરનું સોનું ખરીદી લીધું હતું.
આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓમાં કેલિફોર્નિયાના રહીશ 22 વર્ષીય હર્ષ પટેલ, 21 વર્ષીય શિવમ પટેલ અને 23 વર્ષીય જય પટેલનો સમાવેશ થાય છે. આ શખ્સો પીડિતાના ઘરેથી ગોલ્ડ બારનું કુરિયર કલેક્શન કરવા આવ્યા હતા ત્યારે પોલીસે જાળ બિછાવીને તેમની રંગેહાથ ધરપકડ કરી હતી.
તપાસકર્તાઓના મતે, આ ત્રણેય આરોપીઓ માત્ર ગ્રાઉન્ડ લેવલના કુરિયર તરીકે કામ કરતા હતા, જ્યારે મુખ્ય સૂત્રધારો ભારતથી ટેલિફોનિક અને ડિજિટલ માધ્યમથી સમગ્ર નેટવર્ક ચલાવી રહ્યા હતા.
અમેરિકામાં વરિષ્ઠ નાગરિકોને લક્ષ્ય બનાવીને આચરવામાં આવતા આવા કૌભાંડો અંગે સ્થાનિક પોલીસ અને FBI દ્વારા લોકોને સતર્ક રહેવાની અપીલ કરવામાં આવી છે. આરોપીઓ વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમના ગુના નોંધવામાં આવ્યા છે.
