મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં GRIT આયોજિત ‘વિકસિત ગુજરાત@૨૦૪૭ : હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્કફોર્સ રેડીનેસ કોન્ફરન્સ’નો સમાપન સમારોહ યોજાયો
——–

——–
:: મુખ્યમંત્રીશ્રી ::
• યુવા શક્તિને ભવિષ્યલક્ષી શિક્ષણ સજ્જતાથી સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ અને સમયસરની પહેલ
• વિકસિત ગુજરાત-૨૦૪૭ના રોડમેપને વધુ પરિણામલક્ષી બનાવવા સૌનાં સૂચનો અને સહયોગ આવકાર્ય
——–
વિકસિત ગુજરાતનું નિર્માણ વર્ગખંડો, પ્રયોગશાળાઓ અને શૈક્ષણિક કેમ્પસમાંથી જ થશે: ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા
——–
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડસ્ટ્રી અને એમ્પ્લોયમેન્ટના સેતુ દ્વારા વિકસિત ભારત માટેનો વર્ક ફોર્સ તૈયાર કરવા પર ભાર મૂક્યો છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047ના રોડમેપથી આપણે લીડ લેવાનો સંકલ્પ કર્યો છે તેમાં ટેલેન્ટ પુલ અને યુવાઓના સ્કિલ ડેવલપમેન્ટ પર ફોકસ કરીને આગળ વધવું છે.
મુખ્યમંત્રીશ્રી ‘વિકસિત ગુજરાત 2047 હાયર એજ્યુકેશન ફોર ફ્યુચર વર્ક ફોર્સ રેડીનેસ’ સેમિનારના સમાપન અવસરે સંબોધન કરી રહ્યા હતા. ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મેશન-ગ્રીટ અને રાજ્ય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના ઉપક્રમે અમદાવાદમાં એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા પણ મુખ્યમંત્રીશ્રી સાથે સમાપન સમારોહમાં સહભાગી થયા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ સેમિનારને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપેલા વિકસિત ભારતના ધ્યેયને યુવા શક્તિને ભવિષ્યલક્ષી શિક્ષણ સજ્જતાથી સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ અને સમયસરની પહેલ ગણાવી હતી.
તેમણે ઉમેર્યું કે, વિકસિત ગુજરાત – 2047નો જે રોડમેપ સરકારે તૈયાર કર્યો છે તેમાં રિઝલ્ટ ઓરિએન્ટેડ કામ કરવા ઓપન માઈન્ડથી આગળ વધવું છે. આ રોડમેપ માટે સરકાર ફેક્સિબલ છે અને લોકોના સારા સૂચનો મળે તો તેને અનુરૂપ કાર્યપદ્ધતિ માટે સરકારનું મન ખુલ્લું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજની યુવાશક્તિ 2047ના વિકસિત ભારત – વિકસિત ગુજરાત માટેનું મહત્વનું વર્ક ફોર્સ છે અને તેના સમયાનુરૂપ શિક્ષણ કૌશલ્યવર્ધનયુક્ત વિકાસથી જ આવતી કાલની ગુજરાતની સ્પર્ધાત્મકતા નક્કી થશે.

મુખ્યમંત્રીશ્રીએ એવું પણ સૂચન કર્યું કે, આ પ્રકારના પરિસંવાદો-ચર્ચાસત્રો ત્રણ કે છ માસના સમયાંતરે યોજીને રેગ્યુલર મોનેટરીંગ દ્વારા વિકસિત ગુજરાત માટેની દિશા સ્પષ્ટ થઈ શકશે.
તેમણે એમ પણ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપમાં ભારતે વિશ્વ સમક્ષ શક્તિશાળી અને ઝડપી ગતિએ આગળ વધતું રાષ્ટ્ર બન્યું છે.
હવે સૌએ સાથે મળીને 2047 સુધીમાં વિકસિત ભારત – આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રતિબદ્ધ થવાનું છે. આ હેતુસર યુવાશક્તિના શિક્ષણ કૌશલ્ય વિકાસ માટે ગ્રિટની આ પહેલ ઉપયુક્ત બનશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. આ એક દિવસીય સેમિનારના વિવિધ ચર્ચા સત્રોનો નિષ્કર્ષ સરકારને વિકસિત ભારત – વિકસિત ગુજરાત માટે વધુ તેજ ગતિથી આગળ વધવાનું બળ આપશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડેટા એનાલિટિક્સ, સેમીકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમેશન જેવી ઉભરતી ટેકનોલોજીનો ઉપયોગ તમામ વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ કરી શકે તે માટે ડિજિટલ સાક્ષરતા અને ટેકનોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવું સમયની માંગ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના મલ્ટિડિસિપ્લિનરી અને પ્રાયોગિક શિક્ષણના અભિગમને અનુરૂપ યુનિવર્સિટીઓએ ઉદ્યોગજગત સાથે મળીને અભ્યાસક્રમનું નિયમિત અદ્યતનીકરણ કરવું જોઈએ તેમજ ઇન્ટર્નશિપ અને સંશોધનને પ્રોત્સાહન આપવું જોઈએ. સ્થાનિક અર્થતંત્રની જરૂરિયાતોને અનુરૂપ મેન્યુફેક્ચરિંગ, કૃષિ, મરીન ઇન્ડસ્ટ્રી, પ્રવાસન અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રોમાં યુવાનોને કૌશલ્યબદ્ધ બનાવી તેમની રોજગારક્ષમતા વધારવા સૌના સહિયારા પ્રયાસો આવશ્યક છે.

આ પ્રસંગે નીતિ આયોગનાં પ્રોગ્રામ ડાયરેક્ટર ડૉ. સોનિયા પંતે ‘વિકસિત ભારત માટે ઉચ્ચ શિક્ષણ’ વિષય પર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા, કૌશલ્ય વિકાસ અને રોજગારલક્ષી શિક્ષણનાં વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
આ કોન્ફરન્સમાં વિકસિત ગુજરાત@૨૦૪૭ના વિઝનને સાકાર કરવા ઉચ્ચ શિક્ષણને ભવિષ્યની કાર્યશક્તિની જરૂરિયાતો સાથે સુસંગત બનાવવા, શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગો વચ્ચે સંકલન વધારવા તથા રોજગારલક્ષી કૌશલ્ય વિકાસને પ્રોત્સાહન આપવા અંગે વિસ્તૃત વિચારમંથન કરવામાં આવ્યું હતું.
GRITનાં CEO સુશ્રી એસ. અપર્ણાએ સ્વાગત પ્રવચનમાં વિકસિત ગુજરાત 2047નો રોડમેપ સાકાર કરવામાં રિજિયોનલ ગ્રોથ હબ સહિતના વિવિધ ઇન્ડિકેટર્સની વિસ્તૃત સમજ આપી હતી.
આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર તથા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ કમિશનર દિલીપ રાણા ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)નાં સેક્રેટરી પ્રો. શ્યામા રાથે તથા GRITનાં જોઈન્ટ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રીમતી સ્તુતિ ચારણ તથા શિક્ષણવિદો અને વિવિધ યુનિવર્સિટીઓના તજજ્ઞો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વિદેશમાં વસતા NRI ભાઈઓ-બહેનો માટે ખાસ આમંત્રણ
તમારા પરિવાર, સમાજ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા ખાસ પ્રસંગોને Sacharachar.com મારફતે વિશ્વભરના ગુજરાતી સમાજ સુધી પહોંચાડો.
પારિવારિક પ્રસંગો
લગ્ન, સગાઈ, જન્મદિવસ અને અન્ય ખાસ પ્રસંગો.
સામાજિક અને ધાર્મિક
નવરાત્રી, દિવાળી, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો.
કોમ્યુનિટી સિદ્ધિઓ
શિક્ષણ, રમતગમત, બિઝનેસ અને સામાજિક સિદ્ધિઓ.
તમારે શું મોકલવાનું?
પ્રસંગની ટૂંકી માહિતી અને 2–5 ફોટા મોકલો.
