ગુજરાત વિદ્યાપીઠની ગરિમા અને ગૌરવમાં મોરારજીભાઈ દેસાઈનું સર્વાધિક યોગદાન
કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે ગુજરાત વિદ્યાપીઠ ગાનનું લોકાર્પણ
ગુજરાત વિદ્યાપીઠમાં ૧૫ વર્ષ કુલનાયક તરીકે અને ૩૨ વર્ષ કુલપતિ તરીકે સેવાઓ આપનાર ભારતના પૂર્વ
પ્રધાનમંત્રી અને ગુજરાતના સપૂત સ્વર્ગસ્થ શ્રી મોરારજીભાઈ દેસાઈની જન્મજયંતીએ ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
અને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સ્વ. મોરારજીભાઈ દેસાઈના સમાધિસ્થાન-અભયઘાટ પર પુષ્પાંજલિ
અર્પણ કરી હતી. તત્પશ્ચ્યાત ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપકો, સેવકો અને વિદ્યાર્થીઓને આહ્વાન આપતાં તેમણે
કહ્યું હતું કે, ઉર્જા, આત્મવિશ્વાસ, દ્રઢ ઈચ્છાશક્તિ અને સહિયારા પ્રયત્નોથી પૂજ્ય ગાંધીજી, સરદાર વલ્લભભાઈ
પટેલ અને શ્રી મોરારજીભાઈ દેસાઈએ દાખવેલા મૂલ્યો પર ચાલીને ગુજરાત વિદ્યાપીઠને નવી બુલંદીઓ પર લઈ
જઈએ. અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ તેમના આહ્વાનને હર્ષોલ્લાસપૂર્વક વધાવી લીધું હતું.

ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ અને પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘નિશાન-એ-
પાકિસ્તાન’થી સન્માનિત સ્વ. શ્રી મોરારજીભાઈ દેસાઈની જન્મજયંતીના અવસરે કુલપતિ અને રાજ્યપાલ શ્રી
આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ ગાનનું લોકાર્પણ કર્યું હતું. પોતાના ઉદબોધનમાં તેમણે કહ્યું હતું કે,
નાનપણથી જ ઘરની જવાબદારીઓ સંભાળનાર શ્રી મોરારજીભાઈ દેસાઈ મહેનત અને પરિશ્રમથી ભારતના
પ્રધાનમંત્રી બન્યા. સાદગી અને સાત્વિક જીવનથી આ મહામાનવે ભારતીય જીવન મૂલ્યોના આધારે ૯૯ વર્ષનું
આયુષ્ય ભોગવીને સફળતાના શિખરો સર કર્યા. ગુજરાત વિદ્યાપીઠના વર્તમાન સ્વરૂપ, ભવ્યતા, ગરિમા અને ગૌરવ
વધારવામાં તેમણે સર્વાધિક યોગદાન આપ્યું છે.

શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીજીએ જે આદર્શો અને ઉદ્દેશ્યો સાથે ગુજરાત વિદ્યાપીઠની
સ્થાપના કરી, સ્વ. મોરારજીભાઈ દેસાઈ જેવા મૂલ્યનિષ્ઠ મહાનુભાવોએ જે મૂલ્યોથી ગુજરાત વિદ્યાપીઠનું જતન અને
સંવર્ધન કર્યું એ જ આદર્શો અને ઉદ્દેશોની પૂર્તિ માટે ભારતીય જીવન મૂલ્યો, સંસ્કૃતિ અને સંસ્કારો સાથે ગુજરાત
વિદ્યાપીઠને પુનઃ પૂજ્ય મહાત્મા ગાંધીજીના સપનાંની સંસ્થા બનાવવા સહિયારા પ્રયત્નો કરીએ. ભૌતિક અને
આધ્યાત્મિક રીતે સમૃદ્ધ એવા ઉન્નત સમાજની રચના કરીને આ દેશની કાયાપલટ કરી શકે એવા યુવાનોના નિર્માણ
માટે પ્રતિબદ્ધ બનીએ.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અન્ય શિક્ષણ સંસ્થાઓનો ઉદ્દેશ માત્ર જ્ઞાન આપવા પૂરતો સીમિત હોઈ
શકે, પરંતુ જેમનું જીવન જ ઉપદેશ છે એવા પૂજ્ય ગાંધીજીએ જે ઉદ્દેશ્યો સાથે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી છે
તેને સાકાર કરવાની આપણી નૈતિક જવાબદારી છે. કોઈ જાતનો ડર, ભય, દબાણ, હતાશા કે નિરાશા રાખ્યા વિના
કર્તવ્યભાવનાથી આ માટે કર્મ કરવા તેમણે ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા સૌ કોઈને અનુરોધ કર્યો હતો. જો
આમ નહીં થાય તો તે આત્મહનન હશે, એમ કહીને તેમણે કર્મને જીવનનું પરમ લક્ષ્ય બનાવીને ઈમાનદારીથી કર્મ
કરવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપકોને વિદ્યાર્થીઓના ‘ધર્મના પિતા’ બનીને બાળકોના સર્વાંગી વિકાસ માટે
પ્રતિબદ્ધ બનવાની અપીલ કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને પણ કહ્યું કે, ‘અંતેવાસી’ એટલે
ગુરુની અંદર, ગુરુના અંતરમાં જે નિવાસ કરે તે. ગુરૂજનોના ‘ધર્મના દીકરા’ બનીને, સખત મહેનત કરીને, મૂલ્યનિષ્ઠ
જીવન જીવીને જવાબદાર સંતાન તરીકે રાષ્ટ્રના ઉત્કર્ષ માટે યોગદાન આપવા અને વિદ્યાપીઠનું સન્માન વધે એવા
પ્રયત્નો કરીને સમાજને ઉપયોગી થવા તેમણે અનુરોધ કર્યો હતો.
સ્વયં ને હંમેશા શિક્ષક-આચાર્ય તરીકે જ ઓળખાવતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુરુદક્ષિણામાં
વિદ્યાપીઠના વિદ્યાર્થીઓને કુળનું ગૌરવ વધારવા, ભારતીય મુલ્યો અને આદર્શ સિદ્ધાંતોને અનુરૂપ જીવન જીવવા અને
દેશના ઉત્કર્ષ માટે હંમેશા પ્રયત્નશીલ રહેવાનો સંકલ્પ લેવડાવ્યો હતો. વિધાપીઠના અધ્યાપકો-સેવકો પાસેથી
ગુરુદક્ષિણામાં તેમણે દૃઢ ઈચ્છાશક્તિ, ઉર્જા, આત્મવિશ્વાસ અને જવાબદારીપૂર્વક પોતાનું કર્મ કરવાનો સંકલ્પ
લેવડાવ્યો હતો. તેમણે કહ્યું કે, સાવરણાની એક સળીથી કંઈ નથી થતું, સાવરણો ભલભલી સફાઈ કરી શકે છે. એક-
એક મોતીથી માળા બને છે. બુંદ-બુંદ પાણીથી ગડો ભરાય છે, એમ સહિયારા પ્રયત્નોથી નવી ઉર્જા, નવા
આત્મવિશ્વાસથી કર્તવ્યોનું પાલન કરતાં-કરતાં ગુજરાત વિદ્યાપીઠને પૂજ્ય ગાંધીજી અને શ્રી મોરારજીભાઈ દેસાઈના
આદર્શોને અનુરૂપ ગૌરવ થાય એવી સંસ્થા બનાવીએ.
સમારોહના આરંભે કાર્યકારી કુલનાયક શ્રી ડૉ. ભરતભાઈ જોશીએ સ્વાગત ઉદ્બોધન કર્યું હતું. કાર્યકારી
કુલસચિવ શ્રી ડૉ. નિખિલભાઇ ભટ્ટે આભાર દર્શન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન પ્રો. મહેશ નારાયણ દીક્ષિતે કર્યું હતું.