**
મેદસ્વિતાને હરાવવાની દિશામાં અમદાવાદ શહેર/જિલ્લો લઈ રહ્યો છે લીડ
**
સરકારી, ખાનગી અને સેવાભાવી સંસ્થાઓ આ ક્ષેત્રે લોકજાગૃતિ સહિત અનેકવિધ રીતે કાર્યરત

**
- અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડીની શરૂઆત
- આઈઆઈએમ(IIM) અમદાવાદ ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત કરવાના ધ્યેય સાથે હાથ ધરશે સંશોધન
- ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિરો થકી મેદસ્વિતા મુક્તિ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અનુરોધ
- શાળાઓમાં યોજાઈ રહ્યા છે જાગૃતિ કાર્યક્રમગુજરાતના આર્થિક, સાંસ્કૃતિક અને આધુનિક વિકાસના પ્રતીક સમાન અમદાવાદ શહેર આજે આરોગ્ય ક્ષેત્રે પણ એક મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. ઝડપી શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને ખોરાકની આદતોને કારણે મેદસ્વિતા (ઓબેસિટી) ધીરે ધીરે એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા બની રહી છે.
આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે અને લોકજાગૃતિ કેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા મેદસ્વિતા મુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત લોકોને મેદસ્વિતા મુક્તિ અને સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અંગે ગંભીરતાપૂર્વક વિચારવા અને અમલ કરવા પ્રેરિત કરવા વિવિધ કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લો પણ આ ક્ષેત્રે લીડ લઈ રહ્યો છે.
અમદાવાદમાં સરકારી, ખાનગી અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા મેદસ્વિતા અંગે જાગૃતિ ફેલાવવા નોંધપાત્ર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખાસ કરીને, સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડીની શરૂઆત અને IIM અમદાવાદ દ્વારા ઓબેસિટી મેનેજમેન્ટ રિસર્ચ એ આ દિશામાં મહત્વના પગલાં છે. અમદાવાદમાં મેદસ્વિતા નિવારણ માટે સરકારી, ખાનગી અને સામાજિક/સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહ્યા છે, જે શહેરને સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી રહ્યા છે.

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયેટિશિયન ઓપીડી
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦બેડની હોસ્પિટલ ખાતે ૧૦ મે ૨૦૨૫ના રોજ એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે એક ‘ડાયટેશિયન ઓપીડી’ની શરૂઆત કરવામાં આવી છે.
મેદસ્વીતા સહિત ડાયાબિટીસ, બ્લડપ્રેશર, હાયપરટેન્શનના દર્દીઓ માટે આ સેન્ટર ઉપયોગી સાબિત થઇ રહ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલના દરેક વિભાગમાં આવતા ઓબેસિટીવાળા દર્દી આ સેન્ટરમાં જઈ શકે એવી વ્યવસ્થા પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ગોઠવવામાં આવી છે. આ સેન્ટરમાં ઓબેસિટીવાળા દર્દીનું બીએમઆઈ ઇન્ડેક્સ નક્કી કરવામાં આવે છે ત્યારબાદ તેને અનુરૂપ એ વ્યક્તિને ડાયેટ પ્લાન આપવામાં આવે છે.
કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ડાયટ પ્લાન લેવો હોય તો તેનો ખૂબ મોટો ખર્ચ થતો હોય છે, ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ સેવા તદ્દન નિ:શુલ્ક આપવામાં આવે છે અને તમામ માટે ખુલ્લી છે. અહીં આવનારા દરેક દર્દીના ખિસ્સામાં કોઇપણ પ્રકારનું વધારાનું ભારણ પડતું નથી.
IIM અમદાવાદ દ્વારા હાથ ધરાશે ઓબેસિટી મેનેજમેન્ટ રિસર્ચ:
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIMA) એ નોવો નોર્ડિસ્ક ઇન્ડિયા સાથે પાંચ વર્ષનો કરાર કર્યો છે, જેનો ઉદ્દેશ ઓબેસિટી કેર ઇકોસિસ્ટમને મજબૂત કરવાનો છે. આ ભાગીદારી હેલ્થ સિસ્ટમ કેપેસિટી બિલ્ડિંગ, પોલિસી એડવોકેસી અને હેલ્થ ઇકોનોમિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. IIMA ઓબેસિટી ક્લિનિક્સ માટે મોડેલ ફ્રેમવર્ક વિકસાવશે, હેલ્થકેર પ્રોફેશનલ્સ માટે શૈક્ષણિક સામગ્રી તૈયાર કરશે અને ટેલિમેડિસિનની ભૂમિકાનું મૂલ્યાંકન કરશે.
મેદસ્વિતા અંગે પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટરમાં કેવા પ્રકારના ક્લિનિક હોવા જોઈએ, તેના ગ્લોબલ સ્ટાન્ડર્ડ કેવા હોવા જોઈએ તથા જરૂરી ‘આઈડિયલ ઓબેસિટી ક્લિનિક’ કેવું હોવી જોઈએ તે અંગેનું રિસર્ચના આધારે ફ્રેમ વર્ક તૈયાર કરશે. આ એમઓયુ હેઠળ પાંચ વર્ષ સુધી કામ કરાશે. જેમાં આઈઆઈએમ એક્સ્પર્ટ સાથે સ્ટુડન્ટ્સને પણ રિસર્ચ માટે જોડવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડની યોગ શિબિરો
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદમાં વિવિધ યોગ શિબિરોનું આયોજન કરવામાં આવે છે, જેમાં સૂર્ય નમસ્કાર, ભૂજંગાસન અને ધનુરાસન જેવા યોગાસનો શીખવવામાં આવે છે. આ શિબિરો જાહેર ઉદ્યાનો, શાળાઓ અને સમુદાય કેન્દ્રોમાં યોજાય છે, જે ખાસ કરીને યુવાનો અને મહિલાઓને શારીરિક તંદુરસ્તી અને માનસિક શાંતિ પ્રદાન કરે છે. આ શિબિરો મેદસ્વિતાને નિયંત્રિત કરવામાં અને તણાવ જેવા મૂળ કારણોને ઘટાડવામાં મદદરૂપ બને છે.
શાળાઓમાં મેદસ્વિતા જાગૃતિ કાર્યક્રમો
શહેર અને જિલ્લામાં સરકારી શાળાઓમાં બાળકોને પૌષ્ટિક આહાર અને શારીરિક પ્રવૃત્તિનું મહત્વ શીખવવામાં આવે છે. ઘણી શાળાઓમાં જંક ફૂડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને રાગી, બાજરી જેવા પૌષ્ટિક અનાજને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પગલાં બાળપણની મેદસ્વિતાને રોકવામાં મદદ કરે છે, જે પુખ્તાવસ્થામાં ગંભીર આરોગ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
આવનારા સમયમાં શાળાઓમાં વિવિધ ખાદ્યપદાર્થોમાં ખાંડ(સુગર)ની માત્રા ધરાવતા સુગરબોર્ડ લગાવવાનું પણ પ્લાનિંગ વિચારણા હેઠળ છે. જેનાથી વિદ્યાર્થીઓને વિવિધ ખાદ્ય પદાર્થોમાં ખાંડની માત્રા વિશે જાણવા મળશે અને તેમની અને તેમના પરિવારની આહાર શૈલી સુધારવામાં આ પહેલ મદદરૂપ થશે.
ખાનગી હોસ્પિટલ્સ
શહેરમાં ઘણી ખાનગી હોસ્પિટલ્સ ઓબેસિટી નિવારણ ક્ષેત્રે વિશિષ્ટ સેવાઓ પૂરી પાડે છે. જેમાં ડાયટ પ્લાનિંગ, મેડીકેશન, વેઈટ લોસ, બેરિયાટ્રિક સર્જરી સહિત તમામ પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ હોસ્પિટલોમાં દર્દીઓને ગેસ્ટ્રિક બાયપાસ, સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી, વ્યક્તિગત આહાર યોજનાઓ અને મનોવૈજ્ઞાનિક સપોર્ટ પણ પૂરો પાડવામાં આવે છે.
NGO અને સેવાભાવી સંસ્થાઓનું યોગદાન
અમદાવાદમાં મેદસ્વિતા નિવારણ માટે ઘણાં NGO અને ટ્રસ્ટ પણ સક્રિયપણે કામ કરી રહ્યા છે, જે સમુદાય આધારિત જાગૃતિ અને આરોગ્ય સેવાઓ દ્વારા યોગદાન આપે છે. ઘણી સંસ્થાઓ સમુદાયોમાં મફત આરોગ્ય શિબિરોનું આયોજન કરે છે, જેમાં મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદયરોગની તપાસ અને સલાહ આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ પોષણ અને તંદુરસ્તી પરત્વે લોકોને જાગૃત કરવા સહિત મેદસ્વિતા નિવારણ માટે સમુદાય આધારિત કાર્યક્રમો પણ ચલાવે છે, જેમાં મફત આહાર સલાહ અને ફિટનેસ શિબિરોનો સમાવેશ થાય છે.
આમ, સરકારી, ખાનગી અને સામાજિક સંસ્થાઓની સહિયારી કામગીરી અમદાવાદમાં મેદસ્વિતા નિવારણ માટે વ્યાપક કામગીરી કરી રહી છે. સરકારી સંસ્થાઓની પોસાય તેવી સેવાઓ, ખાનગી ક્ષેત્રનું નવીન સંશોધન, ઓબેસિટી ક્યોર માટે પ્રાઇવેટ હોસ્પિટલ્સ તથા NGOની સમુદાય આધારિત પહેલો મેદસ્વિતાને માત આપવાની દિશામાં એક સર્વગ્રાહી ઉકેલ પૂરો પાડે છે. આ સંયુક્ત પ્રયાસો દ્વારા, અમદાવાદ માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ રાષ્ટ્રીય સ્તરે મેદસ્વિતા નિવારણનું એક ઉદાહરણ બની શકે છે
