ગુજરાતે U20ની મેયોરલ સમિટ સહિતની બેઠકોના કરેલા સફળ આયોજનથી પ્રભાવિત થતા ટોકિયો ગવર્નરશ્રી
વાયબ્રન્ટ સમિટની સિરીઝમાં જાપાનની સતત સહભાગીતાથી ગુજરાત-જાપાન સંબંધો વધુ સુદૃઢ બન્યાં
ક્લાયમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સ્પોર્ટ, ગિફ્ટસિટીની પેટર્ન પર જાપાનમાં નિર્માણાધીન સુશી ટેક સીટી અંગે વિશદ પરામર્શ થયો

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ટોકિયોના ગવર્નર સુશ્રી યુરિકો કોઈકેએ ગાંધીનગરમાં લીધી હતી.
ભારતની પ્રેસિડેન્સીમાં યોજાઈ રહેલી G20 સમિટ અંતર્ગત ગુજરાતમાં આયોજિત U20ની મેયોરલ સમિટમાં સહભાગી થવા ટોકિયોના ગવર્નરશ્રી ગુજરાત આવેલા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરેલી મુલાકાત બેઠકમાં તેમણે ગુજરાતે U20 સમિત સહિત G20ની વિવિધ બેઠકોનાં કરેલા સફળ આયોજન માટે અભિનંદન પાઠવ્યાં હતા.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત સમિટની શરૂઆતથી જ જાપાન પાર્ટનર કન્ટ્રી તરીકે સહયોગી રહ્યું છે તેના પરિણામે પારસ્પરિક સંબંધો વધુ દૃઢ બન્યા છે તેનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો.


વાયબ્રન્ટ સમિટની ૨૦૨૪માં યોજાનારી ૧૦મી સીરીઝમાં પણ જાપાન જોડાય તેવી અપેક્ષા મુખ્યમંત્રીશ્રીએ દર્શાવી હતી.
આ મુલાકાત બેઠક દરમિયાન ક્લાઈમેટ ચેન્જ, મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ, રિન્યુએબલ એનર્જી સેક્ટર તથા અર્બન ફોરેસ્ટ્રી અંગે પરસ્પરની બેસ્ટ પ્રેક્ટિસીસ વિશે પણ વિમર્શ થયો હતો.
ગુજરાતમાં ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી-ગિફ્ટ સિટીની પેટર્ન પર જાપાનમાં ટોકિયો નજીક સસ્ટેઈનેબલ હાઈટેક સિટી–SUSHIનું નિર્માણ થઈ રહ્યું છે તેની પણ વિગતો ટોકિયો ગવર્નરશ્રીએ આપી હતી.
આ બેઠકમાં મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, શ્રી એસ. જે. હૈદર, તેમજ વરિષ્ઠ અગ્ર સચિવો જોડાયાં હતાં.