પત્રકારત્વ કૉલેજના ભૂમિપૂજન કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ
લોકતંત્ર, રાષ્ટ્ર અને સમાજના સજાગ પ્રહરી તરીકે રાષ્ટ્રનિર્માણમાં પત્રકારોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ* – *મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ-:મુખ્યમંત્રીશ્રી
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત પત્રકારત્વ કૉલેજના નિર્માણાધીન મકાનના ભૂમિપૂજન પ્રસંગે જણાવ્યું કે પત્રકારત્વ એ લોકશાહીની ઈમારતનો ચોથો સ્તંભ છે. કોઈ પણ ઇમારતના બધા પાયા મજબૂત હોવા જરૂરી છે. ત્યારે લોકશાહીના આ ચોથા સ્તંભની સ્થિરતા અને મજબૂતી અત્યંત આવશ્યક છે. લોકતંત્ર, રાષ્ટ્ર અને સમાજના સજાગ પ્રહરી તરીકે રાષ્ટ્રનિર્માણમાં પત્રકારોની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ છેલ્લાં ૧૬ વર્ષથી કાર્યરત સંસ્થાના વિસ્તરણ અંગે શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે કોઈ પણ સંસ્થા કે સમાજના વિકાસ માટે આયોજનબદ્ધ અને સાતત્યપૂર્ણ પ્રયાસો જરૂરી હોય છે. આ માટે તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું ઉદાહરણ આપતા જણાવ્યું કે આજે વિજયા દશમીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ થયો છે. જે સાતત્યપૂર્ણ પ્રયાસોનું જ પરિણામ છે.
સાંપ્રત સમયમાં પત્રકારત્વનું મહત્ત્વ દર્શાવતાં તેમણે ઉમેર્યું કે આજનનો સમય બ્રેકિંગનો છે, ત્યારે સમાચારોમાં સત્યતા અને સાતત્યતા અંગે તેમણે સત્ય અને યથાર્થના સમન્વય અને વિવેક પર પણ ભાર મૂક્યો હતો. તેમણે NIMCJના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને સાકાર કરવામાં અમૂલ્ય યોગદાન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી પ્રદીપ જૈને વર્ષ 2007માં સ્થાપિત NIMCJ (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ)ના વિકાસ અને વિસ્તરણ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આ સંસ્થા ગુજરાત યુનિવર્સિટી સાથે સંલગ્ન છે તેમજ સંસ્થાને IQAC તેમજ PRSI જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી છે. જ્યારે આગામી વર્ષથી આ નવા કેમ્પસમાં આધુનિક સાધનો અને સુવિધાઓ તેમજ અભ્યાસક્રમો સાથે કૉલેજ કાર્યરત થશે તેમ પત્રકારત્વ વિભાગના વડા શ્રી ડૉ. શિરીષ કાશિકરે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ તેમજ શ્રી બાબુભાઈ પટેલ, અગ્રણી શ્રી સુરેન્દ્રભાઈ પટેલ તથા શ્રી ગોરધનભાઈ ઝડફિયા, શ્રી મુકુંદરાવ દેવભાણકર તેમજ વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ શ્રી હરેશ ઠક્કર, શ્રી ડો.ભરત પટેલ, શ્રી અશ્વિન શાહ, શ્રી બ્રિજેશ ચિનાઈ, શ્રી રિતેશ સરાફ, શ્રી વિજય ચોથાઈવાલે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ******