
દેશમાં 1 દાયકાથી વધુ સમય સુધી બહુચર્ચિત રહેલા અને રાજકીય રીતે સંવેદનશીલ રહેતા 2008 માલેગાંવ બ્લાસ્ટ (Malegaon Blast Case) કેસમાં 31 જુલાઈ 2025ના રોજ NIAની સ્પેશ્યલ કોર્ટે સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુર અને કર્નલ પુરોહિત સહિતના 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા.
આ ચુકાદાથી ‘ભગવા આતંકવાદ’ નેરેટિવ સેટ કરવા મથી રહેલા લોકોના મોઢે તાળાં લાગી ચૂક્યાં છે અને બીજી તરફ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. જેમાં સામે આવ્યું છે કે તપાસ દરમિયાન ATSના અધિકારીઓને RSSના સરસંઘચાલક મોહન ભાગવતની ધરપકડ (Mohan Bhagwat Arrest) કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
તત્કાલીન ATS અધિકારી મેહબૂબ મુજાવરે તાજેતરમાં દાવો કર્યો છે કે માલેગાંવ બ્લાસ્ટની તપાસ દરમિયાન તેમના તત્કાલીન ઉપરી અધિકારીઓએ તેમને RSSના સરસંઘચાલક મોહન ભગવતની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો.
મુજાવરના જણાવ્યા મુજબ, આ આદેશ રાજકીય દબાણ હેઠળ આપવામાં આવ્યો હતો અને તપાસને ‘હિંદુ આતંકવાદ’ના ખોટા નેરેટિવ તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે આ આદેશ પાછળ કોઈ નક્કર પુરાવો ન હતો એકમાત્ર ઈરાદો રાજકીય હેતુ પાર પાડવાનો હતો.