US China Taiwan tension impact on markets: ભારતીય શેરબજાર જ્યારે ધીમે-ધીમે રિકવરી તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ઉભી થયેલી નવી ભૌગોલિક-રાજકીય અશાંતિએ ચિંતા વધારી દીધી છે. અમેરિકાએ તાઇવાનને 11 અબજ ડોલરના શસ્ત્રો વેચવાની મંજૂરી આપતા ચીન લાલચોળ થયું છે. બે મહાસત્તાઓ વચ્ચેનો આ ટકરાવ ભારતીય અર્થતંત્ર માટે જોખમી સાબિત થઈ શકે છે.
બારુદના ઢગલા પર તાઇવાન: ચીનની આકરી ચેતવણી
ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી રોષે ભરાયેલા ચીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, અમેરિકાની આ સૈન્ય સહાયે તાઇવાનને ‘બારુદના ઢગલા’ પર બેસાડી દીધું છે. ચીની વિદેશ મંત્રાલયે ચેતવણી આપી છે કે તાઇવાનને હથિયારો આપવાના ગંભીર પરિણામો અમેરિકાએ ભોગવવા પડશે. આ નિવેદન બાદ ચીને પોતાની યુદ્ધની તૈયારીઓ અને સૈન્ય તાલીમ તેજ કરી દીધી છે.
ભારત માટે કેમ ચિંતાનો વિષય?
અમેરિકા અને ચીન વિશ્વની બે સૌથી મોટી આર્થિક શક્તિઓ છે. જો આ બંને દેશો વચ્ચે ટકરાવ વધે અથવા ટ્રેડ-વોર શરૂ થાય, તો તેની સીધી અસર ભારતીય બજાર પર પડશે:
-
બજારમાં અસ્થિરતા: ભૂતકાળમાં પણ જ્યારે યુએસ-ચાઈના વચ્ચે તણાવ વધ્યો ત્યારે ભારતીય શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો.
-
વૈશ્વિક સપ્લાય ચેઈન: બંને દેશો વચ્ચેના વિવાદથી વૈશ્વિક વેપાર ખોરવાઈ શકે છે, જેનાથી મોંઘવારી વધી શકે છે.
સેમીકન્ડક્ટર ચિપનું સંકટ: અનેક સેક્ટરો થશે પ્રભાવિત
જો ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો ભારત માટે સૌથી મોટું સંકટ સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉભું થશે:
-
ઓટોમોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ: ભારત ચિપ માટે તાઇવાન પર નિર્ભર છે. તાઇવાન ચિપ ઉત્પાદનમાં ગ્લોબલ લીડર છે.
-
જૂનો અનુભવ: કોરોના સમયે ચિપ સપ્લાય ખોરવાતા ભારતમાં ગાડીઓનું વેઈટિંગ પિરિયડ વધી ગયું હતું અને સ્માર્ટફોન-લેપટોપ મોંઘા થયા હતા.
-
ઉત્પાદન પર અસર: સ્માર્ટફોનથી લઈને વોશિંગ મશીન અને હાઈ-ટેક લશ્કરી સાધનો સુધી બધે જ આ નાનકડી ચિપનો ઉપયોગ થાય છે.
નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ વધુ વણસશે તો વર્ષ 2026 માટે બજારનું જે પોઝિટિવ આઉટલુક છે તે જોખમમાં મુકાઈ શકે છે.
