વડોદરા: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી કચેરીઓને નિશાન બનાવીને મોકલવામાં આવતા ધમકીભર્યા ઈ-મેલનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે વહેલી સવારે વડોદરા કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, ત્રણ કલાકના સઘન ચેકિંગ બાદ કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
‘૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરી દેજો’ કલેક્ટર કચેરીને મળેલા આ ધમકીભર્યા ઈ-મેલમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે, “૧ વાગ્યા સુધીમાં કચેરી ખાલી કરાવી દેજો, નહીં તો બોમ્બથી ઉડાવી દઈશું.” આ ગંભીર મેલ મળતા જ અકોટા પોલીસ, એસ.ઓ.જી., ક્રાઈમ બ્રાન્ચ સહિત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS) અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે સુરક્ષાના કારણોસર અરજદારોનો પ્રવેશ તાત્કાલિક બંધ કરાવી દીધો હતો અને કચેરીના ખૂણેખૂણે તપાસ હાથ ધરી હતી.
સાયબર એક્સપર્ટનું વિશ્લેષણ: ત્રણ અલગ પેટર્ન સાયબર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, હાલમાં બોમ્બ થ્રેટના મેલ ત્રણ અલગ અલગ શૈલીમાં મોકલવામાં આવી રહ્યા છે. જેમાં પ્રથમ ‘રેની જોશિલ્ડા’ પેટર્ન હતી, જે હવે ઓળખાઈ ગઈ છે. વડોદરામાં જે પેટર્નથી મેલ આવ્યો છે, તેવી જ પેટર્નથી અગાઉ અમદાવાદમાં ધમકી મળી હતી, જે હજુ સુધી વણઉકેલાયેલી છે. જ્યારે ત્રીજી અને નવી પેટર્ન ‘ખાલિસ્તાન પેટર્ન’ છે, જેનો ઉપયોગ ગઈકાલે અમદાવાદની ૧૯ શાળાઓને ધમકી આપવા માટે કરવામાં આવ્યો હતો. ડીસીપી મંજિતા વણઝારાએ જણાવ્યું હતું કે, વડોદરાના આ મેલનું અમદાવાદ કનેક્શન છે કે કેમ તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 18 ડિસેમ્બરે અમદાવાદ, ગાંધીનગર અને કલોલની શાળાઓને પણ સમાન રીતે ૧:૧૧ વાગ્યે વિસ્ફોટ કરવાની ધમકી મળી હતી. વડોદરામાં તપાસ પૂર્ણ થયા બાદ હવે જનજીવન અને કચેરીની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થઈ છે, પરંતુ સાયબર ક્રાઈમની ટીમ મેલના આઈપી એડ્રેસ (IP Address) ટ્રેસ કરી આરોપીઓ સુધી પહોંચવા મથી રહી છે.
