Breaking News

Gujarat has become a role model of development, the credit goes to collective thinking and the will to do good for the people CM Ekta Padyatra reaches Vadodara city Prime Minister Narendra Modi is fulfilling the dream of India seen by Sardar Patel J. P. Nadda Legal awareness seminar on Domestic Violence Act held in Jekada village of Bavla Thakkar Bapa's 156th birth anniversary

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ સંકલ્પને સાકાર કરતા સૌરાષ્ટ્ર તમિલ સંગમનો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યે ભવ્ય પ્રારંભ

૩૦ એપ્રિલ સુધી ગીર સોમનાથ અને દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાશે

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના શુભારંભ સમારોહમાં સંબોધતા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે વિશ્વના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના સાનિધ્યમાં તમિલનાડુ અને ગુજરાત,આ બે પ્રદેશોના મિલનનો આ કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક વૈભવના દર્શન કરાવે છે. ભગવાન સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહના વરદહસ્તે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રિય આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમમ’ કાર્યક્રમનો ભવ્ય શુભારંભ થયો હતો.


વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાર્થક કરવાની દિશામાં આ સૌરાષ્ટ્ર તમિલ સંગમના કાર્યક્રમનું આયોજન થયું છે. જેના થકી અહીં પધારેલ તમિલ લોકોને ભગવાન સોમનાથ અને પોતાની પૈતૃક ભૂમિના દર્શનનો અવસર મળ્યો છે. સંરક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સીમા સુરક્ષા, આર્થિક સુરક્ષા, ખાદ્ય સુરક્ષા, સામાજિક સુરક્ષા, સાયબર સુરક્ષાની સાથે-સાથે આજે દેશમાં સંસ્કૃતિની સુરક્ષા પણ અનિવાર્ય છે. કોઈ પણ રાષ્ટ્રની સરહદ ને સુરક્ષિત રાખવા સીમા સુરક્ષા જરૂરી છે તેવી જ રીતે તેની અસ્મિતાને જાળવી રાખવા માટે સાંસ્કૃતિક સુરક્ષા પણ ખૂબ જ જરૂરી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ દિશામાં અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે. દેશના સાંસ્કૃતિક પુનઃ જાગરણ યુગના આપણે સાક્ષી બન્યા છીએ.


વડાપ્રધાનશ્રીના પ્રયાસોથી અગાઉ કાશી-તમિલ સંગમનું પણ ભવ્ય આયોજન થયું હતું. આ પ્રકારના આયોજનો ભારતની વિવિધ સંસ્કૃતિઓ વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરનારા અને દેશની એકતાને દ્રઢ કરનારા બની રહે છે. ભારત એક વિચાર એક એવી અનુભૂતિ છે કે જેને શબ્દોથી વ્યાખ્યાયિત કરી શકાય તેમ નથી. આ વિચારને સદીઓ સુધી થયેલા વિદેશી આક્રમણો પણ નષ્ટ કરી શક્યા નથી તેમ સૌરાષ્ટ્રની ધરતી પર સમુદ્ર માર્ગે થયેલા અનેક આક્રમણો સૌરાષ્ટ્રના જુસ્સાને તોડી શક્યા નથી. આક્રમણકારો ધન વૈભવને લૂંટીને લઈ ગયા સાથે સાથે મંદિરો, ઘરો, વિદ્યાલયો, પુસ્તકાલયો તોડ્યા અને તેનો નાશ કર્યો હતો પરંતુ એ આક્રમણકારીઓ સૌરાષ્ટ્રવાસીઓના મનોબળને તોડી શક્યા નહિ અને તેઓ વારંવાર બેઠા થતા રહ્યા છે. આવા સૌરાષ્ટ્રવાસીઓ પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા સદીઓ પૂર્વે તામિલનાડુમાં સ્થાયી થયા અને પોતાની મહેનત અને બુદ્ધિથી સમૃદ્ધિ પામ્યા તેમજ તામિલનાડુના વિકાસમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન આપ્યું. દૂધમાં સાકરની માફક એકબીજા સાથે ભળી જવું અને બીજાને અપનાવી લેવા એ ભારતીય સંસ્કૃતિનું વિશિષ્ટ લક્ષણ છે. તમિલ સૌરાષ્ટ્ર સંગમ ‘વસુધૈવ કુટમ્બકમ’નો ઉદ્દાત વિચાર આપનાર દેશે પ્રસ્તુત કરેલું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવા મૂળ સૌરાષ્ટ્રવાસી તમિલો પોતાના મૂળ વતનની મુલાકાતે આવ્યા છે ત્યારે ભારતના પશ્ચિમી સમુદ્રનું જળ પૂર્વ જળ સાથે ભળી જતું હોય એવો આ સંગમ લાગે છે.


“જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાત અપિ ગરિયસી” અર્થાત માતા અને માતૃભૂમિ સ્વર્ગથી પણ ઊંચેરા છે, એ શ્લોકોક્તિ અને ભાવનું જીવંત ઉદાહરણ આજનો પવિત્ર સંગમ બન્યો છે. આ સંગમ એટલે માતૃભૂમિને મળવાનું સૌભાગ્ય છે. આજનો કાર્યક્રમ વર્ષ ૨૦૦૬માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમિલ બાંધવોને આમંત્રણ આપ્યું હતું એ કાર્યક્રમને આગળ ધપાવે છે આ તકે વેંકટરમણ, ત્યાગરાજા ભગવાપાર અને ગુજરાતના નરસિંહ મહેતા જેવા સંતોને યાદ કરતા શ્રી સિંહે જણાવ્યુ હતું કે ભગવાન શ્રી કૃષ્ણની ભજન પરંપરા શ્રદ્ધા રાખનાર મૂળ સૌરાષ્ટ્રીયન તમિલોએ આગળ ધપાવી. એક સમુદ્રના છેડા પર ભગવાન સોમેશ્વર શિવ વસે છે જ્યારે બીજા છેડા પર ભગવાન રામે વસાવેલું રામેશ્વરમ છે. આ સંગમ બંને સંસ્કૃતિને જોડતો અદભુત સંગમ છે. આ સમુદાયનો ઇતિહાસ વિકાસ સાધવાનો છે. કલા સાહિત્ય અને ભાષાના ક્ષેત્રોમાં સૌરાષ્ટ્રના પ્રદાન વિશે વાત કરતા તેમણે ઉમેર્યું હતું કે આ સંગમમાં આ તમામ ક્ષેત્રનો બારીકાઈથી વિચાર કરવામાં આવ્યો છે અને બંને પ્રજા અને રાજ્યોના વિકાસમાં આ સંગમ સીમાચિહ્નરૂપ બની રહશે.


‘જય સોમનાથ’ અને ‘વણક્કમ’ના ઉષ્માપૂર્ણ અભિવાદન સાથે મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર તમિલ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વેને સંબોધન કરતા જણાવ્યુ હતું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ભગવાન સોમનાથના પવિત્ર સાનિધ્યમાં આ ઐતિહાસિક મિલન સર્જાયું છે. તમિલનાડુથી સોમનાથ આવેલા બાંધવોને આવકારતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સદીઓ પહેલા તામિલનાડુ જતા રહેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલોને પોતાના મૂળ વતનની મુલાકાત કરાવવાનું અને એ રીતે બે સંસ્કૃતિઓના સંગમની ઉજવણીનો આ અનોખો કાર્યક્રમ યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સપનાને પૂર્ણ કરવાની દિશામાં અતિ અગત્યનો બની રહેશે. બે વિશિષ્ટ સંસ્કૃતિઓના સંગમનો આ અનોખો કાર્યક્રમ ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક ગૌરવશાળી પ્રકરણ બની રહેશે.


વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાત-જાત કે કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સૌને સમાવી લેતી વિકાસની રાજનીતિનો પ્રારંભ કર્યો છે એમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ તમિલ બાંધવોને વિકાસની આ રાજનીતિનો પાયો જ્યાં નંખાયો તે ગુજરાતની મુલાકાત લેવા અને અન્યોને પણ આ માટે પ્રેરવા અનુરોધ કર્યો હતો.
ભારતમાં અઢળક ભાષા અને જુદા જુદા વ્યવહાર છે પરંતુ સંસ્કૃતિ, ધ્યેય, ભાવના અને લાગણીથી તમામ એકતાંતણે જોડાયેલા છે. કૃષ્ણલાલ શ્રીધરાણી તેમજ શ્રી ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકારો થકી ગુજરાતી સાહિત્ય ઉજળુ બન્યું છે. તો એ જ રીતે તમિલ ભાષામાં એ જ લાગણીઓ વ્યક્ત કરતા કવિ સુબ્રમણીયમ જેવા કવિ રત્નો છે. આ બધી બાબતો આપણને સૌને જોડે છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સંગમના આ ઉત્સવ બાદ તમિલનાડુ અને ગુજરાત વચ્ચે સાહિત્ય, વેપાર, સંસ્કૃતિ અને વાણિજ્યનું આદાનપ્રદાન વધશે. આ ઉત્સવ એ રાષ્ટ્રીય એકતાનો પાયો બનશે. તેમણે આ માધ્યમથી આપણે વધુ ને વધુ નજીક આવાનો સહિયારો પ્રયત્ન કરીએ તેવી અપીલ કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ‘નિક્કા નાંદરી’, ‘જય સોમનાથ’, ‘જય જય ગરવી ગુજરાત’થી સંબોધન સમાપ્ત કર્યુ હતું.


તેલંગાણા અને પુદ્દુચેરીના રાજ્યપાલ શ્રી તમિલસાંઈ સૌંદરરાજને પોતાના ઉદબોધનમાં સૌરાષ્ટ્ર અને તામિલનાડુ વચ્ચેના સંબંધો અને સૌરાષ્ટ્રીયન પ્રજાના પ્રદાન વિશે વાત કરતાં જણાવ્યુ હતું કે વિદેશી આક્રમણોથી વિસ્થાપિત થયેલા સૌરાષ્ટ્રવાસીઓને સ્વીકારનાર શાસક તિરુમલાઈ નાઇક્કર અને રાજકુમારી ગુજરાતી કારીગરો દ્વારા બનેલ સિલ્ક વસ્ત્રો પહેરતા અને પ્રશંસા કરતાં કહેતા કે ચાઇનીઝ અને યુરોપિયન સિલ્કથી પણ શ્રેષ્ઠ તેવું સિલ્ક આપણને પહેરવા ન મળત જો આપણા સૌરાષ્ટ્રના સિલ્ક કારીગર ભાઈઓ અહીં આવ્યા ન હોત. તમિલ સમાજમાં પોતાના સમાજસેવાના કાર્યોથી ખ્યાતિપ્રાપ્ત શ્રી એલ. કે. તુલસીરામને યાદ કરતા તેમણે ઉમેર્યું હતું કે તે મૂળ ગુજરાતી હતા. તેમણે સૌરાષ્ટ્રીયન તમિલોના શિક્ષણ અને વિકાસમાં ખૂબ યોગદાન આપ્યું હતું. તમિલ સંગમ કાર્યક્રમથી તમિલ અને ગુજરાતના લોકો વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ થશે અને વિશ્વબંધુત્વની ‘யாதும் ஊரே யாவரும் கேளிர்’ ભાવના મજબૂત થશે.


કેન્દ્રીય આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સૌરાષ્ટ્ર તમિલ સંગમના શુભારંભ પ્રસંગે તમિલનાડુથી પધારેલા બાંધવોનું હાર્દિક સ્વાગત કરતા કહ્યું હતું કે, પોતાના ધર્મ અને સંસ્કૃતિને બચાવવા દરિયાઈ માર્ગે હિજરત કરીને તમિલનાડુ ગયેલા મૂળ સૌરાષ્ટ્રના તામિલ લોકો ફરીથી પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથની નિશ્રામાં પોતાના વતનની મુલાકાતે આવ્યા છે. ભારતની વિશેષતા વિવિધતામાં એકતા છે પરંતુ આ એકતાને વધુ દ્રઢ કરવા સાંસ્કૃતિક, શૈક્ષણિક, ખાનપાન અને વ્યવસાયિક આદાન-પ્રદાન કરી ‘સૌરાષ્ટ્ર તમિલ સંગમ’ કાર્યક્રમ દ્વારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની સંકલ્પના અને જન સમુદાયને પોતાના મૂળ સાથે જોડવાની પરિકલ્પના મૂર્તિમંત થવા જઈ રહી છે. ભારતના દરેક ક્ષેત્ર, દરેક પ્રાંતના એકબીજાના સાથેના સંબંધો વધુ મજબૂત બને અને એકતા સાથે દેશ શ્રેષ્ઠતા પ્રાપ્ત કરે તે માટે પ્રધાનમંત્રીશ્રી પ્રતિબદ્ધ છે. કેન્દ્રિય મંત્રીશ્રીએ પ્રભાસપાટણના ઈતિહાસ અને ઐતિહાસિક હિજરત વિષે જણાવી તમિલનાડુમાં વસતા સૌરાષ્ટ્રવાસીઓના પ્રદાનને યાદ કર્યા હતા. આ અગાઉ મહાનુભાવો તામિલ – ગુજરાતી કલાકારો દ્વારા બંને રાજ્યોના લોકનૃત્ય અને લોકસંગીતની અદભુત ફયુઝન પ્રસ્તુતિ ‘ સૌરાષ્ટ્ર તમિલ સંગમમ ‘ નિહાળી અભિભૂત થયા હતા.


આ પ્રસંગે નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટિલ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, પ્રવાસનમંત્રી શ્રી મુળુભાઈ બેરા, સાંસદ સર્વ શ્રી રાજેશભાઈ ચુડાસમા, સુશ્રી પૂનમબેન માડમ, શ્રી રામભાઈ મોકરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રામીબેન વાજા, ધારાસભ્ય સર્વશ્રીઓ શ્રી ભગવાનભાઈ બારડ, શ્રી કાળુભાઈ રાઠોડ, શ્રી પ્રદ્યુમનભાઇ વાજા, શ્રી વિમલભાઈ ચુડાસમા, અગ્રણીશ્રી મહેન્દ્રભાઈ પીઠિયા, પ્રવાસન સચિવ શ્રી હારીત શુકલા, યુવા સેવા અને સાંસ્કૃતિક વિભાગના કમિશનરશ્રી હર્ષદકુમાર પટેલ, કલેકટર શ્રી એચ. કે. વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્ર ખટાલે, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ પી. કે. લહેરી, જે. ડી. પરમાર, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનાગઢ, ભાવનગર યુનિવર્સિટી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: