બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં પરોવીને એક ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં રૂપાંતરિત કર્યું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ ‘રાષ્ટ્રીય એકતા દિવસ માર્ચ’ કોઈ સામાન્ય યાત્રા નથી. આ તીર્થયાત્રા છે, એકતાનું તીર્થ છે
રાજપીપલા, ગુરુવાર :- અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિને નિમિત્તે દેશના વિવિધ રાજ્યોમાંથી પદયાત્રીઓ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાઈને એકતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ ઘરેઘર પહોંચાડી રહ્યાં છે.
આ અવસર પર બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને રાજપીપલા ખાતેના અંબુભાઈ પુરાણી ક્રિકેટ મેદાનમાંથી સરદાર ગાથા – ‘સમાજ સુધારક સરદાર’ વિષય પર વ્યાખ્યાન આપતાં સરદાર સાહેબના રાષ્ટ્રીય એકીકરણ, સામાજિક સુધારણા અને રાષ્ટ્રનિર્માણના અમૂલ્ય યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો.
રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને પોતાના હૃદયસ્પર્શી સંબોધનમાં કહ્યું કે, આ રાષ્ટ્રીય એકતા પદયાત્રા કોઈ સામાન્ય યાત્રા નથી. આજે આપણે યુગપુરુષ, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ ઉજવી રહ્યા છીએ. સરદાર સાહેબના આદર્શો અને મૂલ્યોમાં સમાનતા, ન્યાય અને રાષ્ટ્રપ્રેમનો અજોડ સમન્વય હતો.
રાજ્યપાલએ કહ્યું કે, આપની સંસ્કૃતિ આપના આત્માથી પરિભાષિત થાય છે. આપની એકતા જ આપની સૌથી મોટી તાકાત છે. આજથી લગભગ 1200 વર્ષ પહેલાં આદિ શંકરાચાર્યજીએ ભારતમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ચેતનાનો અલૌકિક જાગરણ કર્યું હતું. તેમનું અવસાન ખૂબ જ ઓછી ઉંમરે થયું, પરંતુ તેમણે જે બીજ વાવ્યું તે આજે પણ ફળીભૂત થઈ રહ્યું છે. યુગો પછી સરદાર વલ્લભભાઈ પટેલના સ્વરૂપમાં એ જ ચેતનાએ ભૌતિક અને રાજકીય એકતાનું સ્વરૂપ ધારણ કર્યું. તેમણે 562 દેશી રજવાડાઓને એક સૂત્રમાં પરોવીને એક ભારતના સ્વપ્નને વાસ્તવિકતામાં રૂપાંતરિત કર્યું હતું.
વધુમાં ઉમેર્યું કે, એકતા આપણને સશક્ત અને સક્ષમ બનાવે છે. લોકોના જીવનમાં સાચો સુધારો લાવવાનો મૂળ મંત્ર પણ એકતા જ છે. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એમના માટે પણ એકતા એ જ સૌથી મોટો પર્યાય છે. આ ‘રાષ્ટ્રીય એકતા માર્ચ’ કોઈ સામાન્ય યાત્રા કે રેલી નથી. આ તીર્થયાત્રા છે, એકતાનું તીર્થ છે.
ગુરુવારની સાંજ વેળાએ વરિષ્ઠ નાગરિકો, રમતવીરો, વિવિધતા ક્ષેત્રે સિદ્ધિ બદલ રાજ્યપાલએ સન્માન પત્ર આપીને સન્માનિતોને પ્રોત્સાહિત કર્યા હતાં.
આ ભવ્ય કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરભાઈ પટેલ, કૃષિ રાજ્યમંત્રી રાજેશ કટારા, જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, સાંસદ મનસુખભાઈ વસાવા, પૂર્વ મંત્રી નિર્મલા વાધવાણી, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, રાજપીપલા શહેરના પ્રમુખ ધર્મિષ્ઠાબેન પટેલ, જિલ્લા અગ્રણી નીલ રાવ અને સહકારી ક્ષેત્રના અગ્રણી ઘનશ્યામભાઈ પટેલ, ઇન્ચાર્જ જિલ્લા કલેકટર આર. વી. વાળા, વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મીઓ, દેશભરના પદયાત્રીઓ, યુવાની, મહિલાઓ, બાળકો, સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
