
ગાંધીનગર: રાજ્યમાં વરસેલા અસાધારણ કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા વ્યાપક નુકસાન સામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ઉદારતા દાખવી છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ખેડૂતોને પગભર કરવા માટે જાહેર કરાયેલા રૂ. 10,000 કરોડના ઐતિહાસિક રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં 22.90 લાખથી વધુ લાભાર્થીઓના ખાતામાં રૂ. 6,805 કરોડ સીધા જમા કરી દેવામાં આવ્યા છે.
સહાય પેકેજની મુખ્ય વિગતો:
-
વધારેલી સહાય: રાજ્ય સરકારે હેક્ટર દીઠ સહાય રૂ. ૧૧,૦૦૦ થી વધારીને રૂ. ૨૨,૦૦૦ કરી છે. (મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં રૂ. ૪૪,૦૦૦ સુધીની સહાય).
-
વ્યાપ: રાજ્યના 18 હજાર પૈકી 17 હજાર ગામોના ખેડૂતોને આ પેકેજનો લાભ મળ્યો છે.
-
અરજીઓની સ્થિતિ: કુલ 33 લાખ અરજીઓમાંથી ૨૭ લાખથી વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. બાકીના ખેડૂતોને સહાય ચૂકવવાની કામગીરી પણ ‘યુદ્ધના ધોરણે’ ચાલુ છે.
ટેકાના ભાવે (MSP) રેકોર્ડબ્રેક ખરીદી
ખેતીવાડી ક્ષેત્રે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે સરકારે ચાલુ વર્ષે મગફળી, સોયાબીન, મગ અને અડદની મસમોટી ખરીદી કરી છે:
-
નોંધણી: આ વર્ષે રેકોર્ડબ્રેક 10.11 લાખ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષ કરતા અઢી ગણી વધારે છે.
-
ખરીદીનો આંકડો: અત્યાર સુધીમાં 4.75 લાખ ખેડૂતો પાસેથી રૂ. 7,537 કરોડના મૂલ્યનો 10.49 લાખ મેટ્રિક ટન જથ્થો ખરીદવામાં આવ્યો છે.
-
ચૂકવણી: તે પૈકી 2.18 લાખ ખેડૂતોને રૂ. 3,468 કરોડની ચૂકવણી કરી દેવાઈ છે.
મંત્રીનું નિવેદન: “ટૂંકા ગાળામાં જ રાજ્ય સરકારે ખેડૂતોના ખાતામાં કુલ રૂ. ૮,૭૯૮ કરોડથી વધુની રકમ જમા કરી છે. નુકસાની અને મગફળીના પેકેજ મળીને કુલ રૂ. 26,000 કરોડ જેવી માતબર રકમ ખેડૂતોને ચૂકવવામાં આવશે.”
મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરાયો
ખેડૂતોના હિતમાં લેવાયેલા આ નિર્ણયો બદલ મંત્રી મંડળના સભ્યો, ધારાસભ્યો અને ખેડૂત સંગઠનોના આગેવાનોએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની રૂબરૂ મુલાકાત લઈ તેમનો આભાર માન્યો હતો. આ પ્રસંગે મંત્રી જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
