
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ ડિજિટલ બેન્કિંગ ક્ષેત્રે ગ્રાહકોની સુરક્ષા અને અનુભવને બહેતર બનાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. આ નિયમો 1 જાન્યુઆરી, 2026 થી અમલી બનશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બેંકો દ્વારા કરવામાં આવતી બળજબરી અટકાવવાનો અને પારદર્શિતા લાવવાનો છે.
નવા નિયમો લાવવાની જરૂરિયાત કેમ પડી?
ઘણી બેંકો ગ્રાહકોને ઇન્ટરનેટ બેન્કિંગ કે કાર્ડ એક્ટિવેશન જેવી સેવાઓ માટે ફરજિયાતપણે મોબાઈલ એપ ડાઉનલોડ કરવા દબાણ કરતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ ઉપરાંત, બેંકો વિવિધ સેવાઓને એકસાથે ‘બંડલ’ કરીને ગ્રાહકો પર થોપી દેતી હતી. આ પ્રથાઓને રોકવા માટે RBIએ કડક વલણ અપનાવ્યું છે.
મુખ્ય ફેરફારો અને નિયમો:
-
ગ્રાહકની સંમતિ અનિવાર્ય: કોઈપણ ડિજિટલ સેવાનું રજીસ્ટ્રેશન કે કેન્સલેશન કરવા માટે ગ્રાહકની સ્પષ્ટ અને દસ્તાવેજી સંમતિ લેવી હવે બેંકો માટે ફરજિયાત રહેશે.
-
જાહેરાતો પર નિયંત્રણ: એકવાર ગ્રાહક લોગ-ઇન કરી લે, પછી તેની મંજૂરી વિના બેંક કોઈપણ થર્ડ-પાર્ટી પ્રોડક્ટ કે સેવાની જાહેરાત બતાવી શકશે નહીં.
-
ફરજિયાત એલર્ટ્સ: બેંકોએ તમામ પ્રકારના નાણાકીય (Financial) અને બિન-નાણાકીય (Non-financial) વ્યવહારો માટે ગ્રાહકને SMS અથવા ઇમેઇલ દ્વારા જાણ કરવી પડશે.
-
કડક અમલીકરણ: જો કોઈ કિસ્સામાં RBI અને પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર બંનેના નિયમો લાગુ પડતા હોય, તો જે નિયમ વધુ કડક હશે તેનું પાલન કરવાનું રહેશે.
ડિજિટલ બેન્કિંગ ચેનલ એટલે શું?
આમાં ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ એપ્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક પ્લેટફોર્મનો સમાવેશ થાય છે. આ નિયમો માત્ર ફંડ ટ્રાન્સફર કે લોન જેવી સેવાઓ માટે જ નહીં, પરંતુ બેલેન્સ ચેક કરવા કે સ્ટેટમેન્ટ ડાઉનલોડ કરવા જેવી પ્રાથમિક સેવાઓ માટે પણ લાગુ થશે.
