
ગ્લોબલ ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ભારતની સફર નોંધપાત્ર રહી છે. પ્રોસેસ્ડ ફૂડના ચોખ્ખા આયાતકારથી લઈને એક મહત્વપૂર્ણ નિકાસકાર તરીકે ઉભરી આવવા સુધી, ભારતે નવીનતા, ટકાઉપણું અને ખાનગી કંપનીઓના અવિરત પ્રયાસો દ્વારા વૈશ્વિક બજારમાં એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે.
પ્રોસેસ્ડ ફૂડ ક્ષેત્રમાં જોવાયેલી પ્રગતિ દર્શાવે છે કે ખાનગી સાહસો ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ ના વિઝન સાથે સંરેખિત થઈને ભારતના કૃષિ અને નિકાસ ક્ષેત્રને કેવી રીતે ફરીથી આકાર આપી રહ્યા છે. છેલ્લા દાયકામાં ભારતના પ્રોસેસ્ડ ફૂડ નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.
એગ્રીકલ્ચર એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી (APEDA) હેઠળની પ્રોડક્ટ્સની નિકાસો નાણાંકીય વર્ષ 2024-25માં 25.14 અબજ યુએસ ડોલર’ સુધી પહોંચી હતી, જે ગત નાણાંકીય વર્ષ કરતાં 12 ટકા વધુ હતી. કુલ કૃષિ પેદાશોની નિકાસોમાં આ પ્રોડક્ટ્સના નિકાસોનો હિસ્સો લગભગ 51 ટકા² હતો. નાણાંકીય વર્ષ 2023-24માં ભારતે ફક્ત ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇસની જ 1,35,877 ટન નિકાસ કરી હતી, જેનું મૂલ્ય રૂ. 1,478.73 કરોડ³ (178.74 મિલિયન યુએસ ડોલર) હતું, જે પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન છે.
આ વૃદ્ધિ બટાકાના ઉત્પાદનમાં વિશ્વના બીજા સૌથી મોટા દેશ તરીકે ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવે છે. ભારતમાં વર્ષે આશરે 60 મિલિયન ટન* બટાકાનું ઉત્પાદન થાય છે. વર્ષ 2023માં ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇસનું બજાર 1.28 અબજ યુએસ ડોલર હતું જે 5.3 ટકાના સીએજીઆરથી વધીને વર્ષ 2034 સુધીમાં 2.25 અબજ યુએસ ડોલર’ સુધી પહોંચવાનો અંદાજ છે.
આ ઉછાળો શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે મેકડોનાલ્ડ્સ, કેએફસી અને બર્ગર કિંગ જેવા ક્વિક-સર્વિસ રેસ્ટોરન્ટ્સ (QSRs) ના વિસ્તરણને કારણે કન્વીનન્સ ફૂડ્સની વધતી જતી વૈશ્વિક માંગને કારણે છે. હાયફન ફૂડ્સ જેવી ગુજરાતની ખાનગી કંપનીઓએ આ તકોનો લાભ લેવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને ભારતને પ્રોસેસ્ડ પોટેટો પ્રોડક્ટ્સ માટે ગ્લોબલ હબ બનાવ્યો છે.
ભારતના પ્રોસેસ્ડ ફૂડ નિકાસની સફળતા, ખાસ કરીને ફ્રોઝન પોટેટો સેગમેન્ટમાં, ખાનગી કંપનીઓની ચપળતા અને નવીનતાને આભારી છે. ખાનગી કંપનીઓ નિકાસલક્ષી પ્રોડક્ટ્સના ઉત્પાદન માટે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ, એડવાન્સ્ડ પ્રોસેસિંગ અને ટકાઉ સપ્લાય ચેઇનને એક કરી રહી છે.
આ સિદ્ધિઓ છતાં, પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગ પડકારોનો સામનો કરી રહ્યો છે, જેમાં અપૂરતી કોલ્ડ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નિયમનકારી જટિલતાઓનો સમાવેશ થાય છે. ભારતની માત્ર 10-15 ટકા કોલ્ડ સ્ટોરેજ સુવિધાઓ સ્થિર ખોરાક માટે યોગ્ય છે, અને વારંવાર વીજળી ખોરવાઈ જવાથી સપ્લાય ચેઇન માટે જોખમ ઊભું થાય છે. ખાનગી કંપનીઓ નવીનતા અને સહયોગ દ્વારા આ અવરોધોનો સામનો કરી રહી છે.
સરકારી પહેલો પણ મહત્વપૂર્ણ રહી છે. પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ (પીએલઆઈ) સ્કીમ અને APEDAના નિકાસ પ્રમોશન કાર્યક્રમો, જેમ કે ફાઇનાન્શિયલ આસિસ્ટન્સ સ્કીમ (એફએસએ), ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અને માર્કેટ ઍક્સેસ માટે મહત્વપૂર્ણ સહાય પૂરી પાડે છે. આ નીતિઓએ ખાનગી ક્ષેત્રની નવીનતા સાથે જોડાઇને ભારતને ચીન, થાઇલેન્ડ અને બ્રાઝિલ જેવા વૈશ્વિક અગ્રણી દેશો સાથે સ્પર્ધા કરવા સક્ષમ બનાવ્યો છે.
ભારતની પ્રોસેસ્ડ ફૂડ નિકાસમાં વધારો દેશના કૃષિ પરિપ્રેક્ષ્યમાં વ્યાપક પરિવર્તનને દર્શાવે છે. ખાનગી કંપનીઓ ટેકનોલોજી, ખેડૂત ભાગીદારી અને બજારની આંતરદ્રષ્ટિનું મિશ્રણ કરીને એક સ્થિતિસ્થાપક ઇકોસિસ્ટમ બનાવી રહી છે. જેમ કે હાયફન ફૂડ્સ વર્ષ 2028 સુધીમાં રૂ. 5,000 કરોડની આવક હાંસલ કરવા માટે તેના ઉત્પાદનને ચાર ગણું કરવાની યોજના પર કામ કરી રહી છે અને પોટેટો પ્રોડક્ટ્સથી આગળ વધીને અન્ય ફ્રોઝન ફૂડ્સ સુધી વિસ્તરણ કરી રહી છે. આ મહત્વાકાંક્ષા વર્ષ 2050 સુધીમાં ભારતને ટોચના ગ્લોબલ પોટેટો એક્સપોર્ટર બનવાના લક્ષ્ય સાથે સુસંગત છે.
ગુજરાત ભારતના પ્રોસેસ્ડ ફૂડ ઉદ્યોગમાં, ખાસ કરીને ફ્રોઝન પોટેટો પ્રોડક્ટ્સ માટે ઝડપથી એક પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે. રાજ્ય વિવિધ વ્યૂહાત્મક ફાયદા ધરાવે છે જેમ કે ફળદ્રુપ જમીન, મજબૂત ઇન્ફાસ્ટ્રક્ચર અને મુન્દ્રા તથા કંડલા જેવા મુખ્ય બંદરોની નિકટતા. આ લાક્ષણિકતાઓ ગુજરાતને ફૂડ પ્રોસેસિંગ અને નિકાસ માટે એક આદર્શ કેન્દ્ર બનાવે છે.
ગુજરાત ભારતના બટાકાના ઉત્પાદનમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. ઉત્તર પ્રદેશ અને પંજાબને પાછળ રાખીને ગુજરાત, ભારતમાં પ્રોસેસ્ડ પોટેટોના ટોચના ઉત્પાદક તરીકે ઊભરી આવ્યું છે. ગુજરાતના કુલ બટાકા ઉત્પાદનમાં પ્રોસેસ્ડ પોટેટો સેગમેન્ટનો હિસ્સો 25 ટકાથી વધુ છે. પ્રોસેસ્ડ બટાકાના ઉત્પાદન પૈકીના લગભગ 60 ટકાનો વેફરના ઉત્પાદન તથા 40 ટકાનો ફ્રેન્ચ ફ્રાઇસના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા બટાકાના ઉત્પાદનમાં મોખરે છે. 2024-25ની સિઝનમાં આ ત્રણેય જિલ્લાઓએ સાથે મળીને 1.19 લાખ હેક્ટરથી વધુની જમીનમાં 38 લાખ ટન’નું ઉત્પાદન કર્યું હતું જેમાં હેક્ટર દીઠ 32.36 ટનની સરેરાશ ઉત્પાદકતા મળી હતી. હાયફન ફૂડ્સ જેવી ખાનગી કંપનીઓએ ગુજરાતમાં મોટાપાયે પ્રોસેસિંગ યુનિટ્સ સ્થાપ્યા છે, જે રાજ્યના સુવિકસિત કોલ્ડ ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ લે છે.
ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ પોલિસી અને મેગા ફૂડ પાર્ક યોજના જેવી સરકારી પહેલો, પ્રોસેસિંગ યુનિટ્સ માટે પ્રોત્સાહનો આપીને અને જાહેર-ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપીને રાજ્યની ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે. આ પરિબળોએ ગુજરાતને ભારતના પ્રોસેસ્ડ ફૂડ નિકાસમાં મુખ્ય ફાળો આપનાર તરીકે સ્થાન આપ્યું છે.
ગુજરાતના ખેડૂતો પ્રોસેસિંગ-ગ્રેડ પાક માટે ખાસ ખેતી પદ્ધતિઓ અપનાવીને ભારતના પ્રોસેસ્ડ ફૂડ નિકાસને આગળ ધપાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. ખાનગી કંપનીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડલ દ્વારા ગુજરાતના ખેડૂતો લેડી રોસેટા અને હર્મેસ જેવી ઉચ્ચ ઉપજ આપતી બટાકાની જાતોનું વાવેતર કરે છે, જે તેમના શ્રેષ્ઠ સ્ટાર્ચ કન્ટેન્ટને કારણે ફ્રેન્ચ ફ્રાઈસ માટે આદર્શ ગણાય છે.
કોન્ટ્રાક્ટ ફાર્મિંગ મોડેલ્સ દ્વારા ખેડૂતોને ગુણવત્તાયુક્ત બીજ, ટપક સિંચાઈ પ્રણાલીઓ અને ટકાઉ પદ્ધતિઓ અંગેની તાલીમ પણ મળે છે જેના પરિણામે પરંપરાગત ખેતીની તુલનામાં સરેરાશ ઉપજમાં 20-25 ટકા વધારો થાય છે. વિવિધ કૃષિ જાગૃતતા કાર્યક્રમોથી ખેડૂતોને સોઇલ હેલ્થ, પેસ્ટ મેનેજમેન્ટ અને ચોકસાઇ કૃષિ અંગેની સમજ મળે છે જેનાથી લણણી પછીનું નુકસાન 5 ટકાથી ઓછું કરવામાં મદદ મળી છે.
2004-05માં પ્રોસેસ્ડ બટાકાનું ઉત્પાદન એક લાખ ટન કરતાં પણ ઓછું હતું અને માત્ર 4,000 હેક્ટર જમીનમાં તેનું વાવેતર થતું હતું. બે દાયકા પછી આજે આ બટાકાનું ઉત્પાદન 10 ગણું વધીને 11.50 લાખ ટન થયું છે જેનું 37,000 હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર થાય છે. ખાનગી કંપનીઓના આ ક્ષેત્રે પ્રયાસો માત્ર નિકાસને વેગ આપતા નથી પરંતુ ગ્રામીણ આજીવિકામાં પણ વધારો કરે છે, જે ભારતના વ્યાપક આર્થિક લક્ષ્યો સાથે સુસંગત છે.