Prasanth Sreekumar Canada | કેનેડા (Canada)થી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. એડમોન્ટન (Edmonton) માં રહેતા 44 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ, પ્રશાંત શ્રીકુમાર (Prashanth Srikumar) નું હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર ન મળવાને કારણે અવસાન થયું છે. આ ઘટનાએ કેનેડાની હેલ્થકેર સિસ્ટમ (Healthcare System) સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 22 ડિસેમ્બરના રોજ પ્રશાંત શ્રીકુમારને કામ દરમિયાન અચાનક છાતીમાં સખત દુખાવો (Chest Pain) ઉપડ્યો હતો. તેમને તાત્કાલિક કેનેડા (Canada)ની એડમોન્ટનની ગ્રે નન્સ કોમ્યુનિટી હોસ્પિટલ (Grey Nuns Community Hospital) ના ઈમરજન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યા હતા. પરિવારના જણાવ્યા અનુસાર, ગંભીર સ્થિતિ હોવા છતાં તેમને 8 કલાક સુધી વેટિંગ રૂમમાં બેસાડી રાખવામાં આવ્યા હતા.
હોસ્પિટલ સ્ટાફની બેદરકારીના આક્ષેપ
પ્રશાંતના પિતા કુમાર શ્રીકુમારે જણાવ્યું કે, હોસ્પિટલ સ્ટાફે તેમનો ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ (ECG) કર્યો હતો, પરંતુ ત્યારબાદ તેમને એમ કહીને વેટિંગ એરિયામાં મોકલી દીધા કે ‘ગભરાવાની કોઈ જરૂર નથી, બધું સામાન્ય છે’.
પ્રશાંત સતત કહી રહ્યા હતા કે તેમને અસહ્ય દુખાવો થઈ રહ્યો છે અને તેમનું બ્લડ પ્રેશર (Blood Pressure) પણ ઘણું વધી ગયું હતું. આખરે જ્યારે 8 કલાક પછી તેમને ટ્રીટમેન્ટ રૂમમાં બોલાવવામાં આવ્યા, ત્યારે ઉભા થતાની સાથે જ તેઓ જમીન પર ઢળી પડ્યા અને તેમનું મૃત્યુ થયું.
પરિવાર પર આભ ફાટ્યું
પ્રશાંત શ્રીકુમાર પોતાના પરિવારના એકમાત્ર કમાતા સભ્ય હતા. તેમના પરિવારમાં પત્ની અને 3 નાના બાળકો (ઉંમર 3, 10 અને 14 વર્ષ) છે. હોસ્પિટલની આ બેદરકારીએ એક હસતા-રમતા પરિવારને વિખેરી નાખ્યો છે.
હોસ્પિટલનું સંચાલન કરતી સંસ્થા ‘કોવેનન્ટ હેલ્થ’ (Covenant Health) એ આ મામલે ખેદ વ્યક્ત કર્યો છે અને સમગ્ર કેસને તપાસ માટે ચીફ મેડિકલ એક્ઝામિનરની ઓફિસમાં મોકલી આપ્યો છે.
