NEET Exam Paper Leak: સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) એક નવી અરજી દાખલ કરીને NEET-UG પરીક્ષાને તાત્કાલિક કમ્પ્યુટર આધારિત ટેસ્ટ (CBT) મોડમાં બદલવાની માગ કરવામાં આવી છે.
અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વારંવાર થતા પેપર લીક (Paper Leak) અને સુરક્ષાની ખામીઓએ પ્રવર્તમાન પેન-પેપર સિસ્ટમની (Pen-Paper System) પોલ ખોલી દીધી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીની (NTA) આ પદ્ધતિ હવે સુરક્ષિત રહી નથી.
અરજી અનુસાર, 2024 ના વિવાદ બાદ ઇસરો (ISRO) ના પૂર્વ અધ્યક્ષ કે. રાધાકૃષ્ણનની સમિતિએ સુધારાઓની ભલામણ કરી હતી. આમ છતાં 2026 ની પરીક્ષા જૂની પદ્ધતિથી જ લેવામાં આવી. આ પ્રક્રિયામાં પેપરનું પ્રિન્ટિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજમાં ઘણું જોખમ રહેલું છે.
કેન્દ્ર સરકારે પહેલાથી જ 2027થી આ પરીક્ષા કમ્પ્યુટર આધારિત કરવાની જાહેરાત કરી દીધી છે. આનો અર્થ એ થાય છે કે સરકાર પોતે સ્વીકારે છે કે ડિજિટલ સિસ્ટમ (Digital System) વધુ સુરક્ષિત છે. કમ્પ્યુટર આધારિત પરીક્ષામાં પેપર સુરક્ષિત ડિજિટલ કોડ દ્વારા મોકલવામાં આવે છે અને તેમાં બાયોમેટ્રિક (Biometric) તેમજ એઆઈ (AI) આધારિત મોનિટરિંગ હોય છે, જેથી ગેરરીતિની શક્યતા ઘટી જાય છે.
અરજદારોએ માગ કરી છે કે 21 જૂને યોજાનારી રી-ટેસ્ટ (Re-test) પેન-પેપરના બદલે કમ્પ્યુટર પર લેવામાં આવે. આ સાથે જ NTA ને હટાવીને એક નવી સ્વતંત્ર અને પારદર્શક સંસ્થા બનાવવાની માગ પણ કરવામાં આવી છે.
આ સિવાય હાઈ-લેવલ મોનિટરિંગ કમિટી (Committee) બનાવવાની અપીલ કરાઈ છે, જેમાં નિવૃત્ત જજ અને સાયબર નિષ્ણાતો સામેલ હોય. અરજીમાં સીબીઆઈ (CBI) પાસે 2026 ના પેપર લીક કેસમાં 4 સપ્તાહની અંદર સ્ટેટસ રિપોર્ટ (Status Report) માગવામાં આવ્યો છે.
આ સમગ્ર મામલો 3 મે 2026 ના રોજ લેવાયેલી પરીક્ષાનો છે, જેમાં 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. આરોપ છે કે પરીક્ષા પહેલા જ વોટ્સએપ (WhatsApp) અને ટેલિગ્રામ (Telegram) પર પેપર લીક થઈ ગયું હતું, ત્યારબાદ 12 મેના રોજ પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ અરજી આરજેડી (RJD) સાંસદ સુધાકર સિંહ અને અન્ય સામાજિક કાર્યકરો દ્વારા વકીલ સત્યમ સિંહ રાજપૂત માધ્યમથી દાખલ કરવામાં આવી છે.
