Breaking News

mentally ill woman attempts suicide in bavla police rescue

181 અભયમની મદદથી દિવ્યાંગ મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું દિવ્યાંગ મહિલાને સહી સલામત રીતે પરિવારના માણસોને પરત સોંપવામાં આવ્યાં

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. જે પૈકી બાવળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાવળા-ધોળકા રોડ ઉપર આવેલ સોસાયટી વિસ્તાર તથા રેલવે અન્ડરબ્રિજમાં પણ પાણી ભરાયા હતા.

આ સમયગાળા દરમિયાન પોલીસ ઈન્સ્પેક્ટર, બાવળા પોલીસ સ્ટેશન તથા અન્ય પોલીસ સ્ટાફ દ્વારા બાળવાની રત્નદીપ સોસાયટી અને સ્વાગત રેસિડેન્સી સોસાયટી ખાતે તકેદારી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તે સમય દરમિયાન એક મહિલા કોઈ કારણસર બપોરના આશરે બે વાગ્યાના સમયે આ રેલવે અન્ડરબ્રિજના પંદર ફૂટ ઊંડા પાણીમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતાં હોવાનું ધ્યાને આવ્યું હતું.

આ સમયે બંદોબસ્તમાં ફરજ ઉપર હાજર બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ શ્રી હસમુખભાઈ હેમુભાઈ, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ શ્રી રાજેશભાઈ કાંતિભાઈ, જી.આર.ડી. જવાન શ્રી મનોજભાઈ સોમાભાઈ વાઘેલા અને લોકલ લોકો દ્વારા ત્વરિત કાર્યવાહી કરી સૂઝબૂઝથી પાણીમાં પડેલ મહિલાને બહાર કાઢવામાં આવ્યાં હતાં.

આ મહિલાને મહિલા પોલીસ કર્મચારી સાથે બાવળા પોલીસ સ્ટેશન ખાતે લાવી, ૧૮૧ અભયમની ટીમને બોલાવી મહિલાનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું.

કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું કે, મહિલાના લગ્ન બાદ છૂટાછેડા થયા હતા અને તેઓ પોતાના ભાઈ-ભાભી સાથે રહેતાં હતાં. તેઓ કોઈ કારણસર ઘરના માણસોને જાણકારી આપ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. મહિલા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠેલ હોવાનું કાઉન્સેલિંગમાં જાણવા મળ્યું હતું.

કાઉન્સેલિંગ દરમિયાન મહિલા પાસેથી મેળવેલા સરનામા દ્વારા મહિલાના ઘર પરિવારના માણસોને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને મહિલાને સહી સલામત રીતે તેમને પરત સોંપવામાં આવ્યાં હતાં.

પાણીમાં પડીને આત્મહત્યા કરવા જતી દિવ્યાંગ મહિલાનો જીવ બચાવીને અમદાવાદ ગ્રામ્ય પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.વી. ચૌધરી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ હસમુખભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ અનિલભાઈ ડાભી, બિન હથિયારી હેડ કોન્સ્ટેબલ મહિલા વિજ્યેતાબહેન સોલંકી, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ રાજેશભાઈ ગોહિલ, જી.આર.ડી. જવાન મનોજભાઈ વાઘેલા તથા 181 અભયમ ટીમ ધોળકા દ્વારા આ સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: