
Indigo Crisis : દેશની સૌથી મોટી એરલાઈન ઈન્ડિગોએ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. એરલાઈને જાહેરાત કરી છે કે તે 3, 4 અને 5 ડિસેમ્બર, 2025ના રોજ ફ્લાઇટ રદ થવા અથવા ભારે વિલંબને કારણે એરપોર્ટ પર ફસાયેલા તમામ મુસાફરોને ₹500 કરોડથી વધુનું વળતર (મુઆવજો) આપશે.
રિફંડ પ્રક્રિયાની શરૂઆત: શુક્રવારે ‘X’ (અગાઉનું ટ્વિટર) પર જારી કરાયેલા એક નિવેદનમાં એરલાઈને જણાવ્યું હતું કે તેમનો હેતુ આ પ્રક્રિયાને શક્ય તેટલી પારદર્શક, સરળ અને મુશ્કેલી-મુક્ત બનાવવાનો છે.
ઈન્ડિગોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ 3, 4 અને 5 ડિસેમ્બરની તમામ અસરગ્રસ્ત ફ્લાઇટ્સની ઓળખ કરી રહ્યા છે, જેમાં મુસાફરોને ભારે હાલાકી પડી હતી. આ ઓળખ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જાન્યુઆરી 2026થી એરલાઈન સીધો મુસાફરોનો સંપર્ક કરીને રિફંડ અને વળતર આપવાનું શરૂ કરશે.
કોને વળતર મળશે? એરલાઈન એવા ગ્રાહકોને વળતર આપશે:
-
જેની ફ્લાઇટ્સ પ્રસ્થાનના 24 કલાકની અંદર રદ કરવામાં આવી હતી.
-
જેઓ એરપોર્ટ પર લાંબા સમય સુધી ફસાયેલા રહ્યા હતા.
ઈન્ડિગોએ જણાવ્યું કે ડિસેમ્બર 2025 સુધીમાં તેમનું પ્રાથમિક ધ્યાન એ સુનિશ્ચિત કરવા પર છે કે અસરગ્રસ્ત ગ્રાહકોના તમામ રિફંડ અત્યંત ઝડપ અને કાર્યક્ષમતા સાથે મોકલી આપવામાં આવે. કંપનીએ ઉમેર્યું કે મોટાભાગના રિફંડ પહેલેથી જ પૂરા થઈ ગયા છે અને બાકીના ટૂંક સમયમાં મોકલી દેવામાં આવશે.
