વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં ગ્રીન એનર્જી ક્રાંતિ તેજ બની છે, જેમાં ગુજરાત ફરી એકવાર અગ્રેસર સાબિત થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે ’પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ના અમલીકરણમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 5 લાખથી વધુ રહેણાંક મકાનો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેનાથી ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે.
લક્ષ્યાંકની અડધી સફર પૂર્ણ ગુજરાત સરકારે માર્ચ 2027 સુધીમાં કુલ 10 લાખ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપવાનો મહત્વાકાંક્ષી લક્ષ્યાંક રાખ્યો છે. માત્ર ટૂંકા ગાળામાં જ ૫ લાખ સિસ્ટમ સ્થાપીને રાજ્યએ 50 ટકા લક્ષ્ય સિદ્ધ કરી લીધું છે. આ સિદ્ધિના પરિણામે રાજ્યમાં 1,879 મેગાવોટ જેટલી સોલાર ઊર્જા ક્ષમતા પ્રાપ્ત થઈ છે, જે પર્યાવરણ અને ગ્રાહકોના ખિસ્સા બંને માટે ફાયદાકારક છે.
નાગરિકોને મળ્યા કરોડોના લાભ આ યોજના હેઠળ ગુજરાતના નાગરિકોએ અત્યાર સુધીમાં કુલ રૂ. 3,778 કરોડની સબસિડીનો લાભ મેળવ્યો છે. યોજનાને વધુ પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે:
-
6 કિલો વોટ સુધીની સિસ્ટમ માટે રૂ. 2,950ના રેગ્યુલેટરી ચાર્જીસમાં સહાય.
-
નેટવર્ક સ્ટ્રેન્થનિંગ ચાર્જમાં સંપૂર્ણ માફી.
-
નેટ મીટરીંગ એગ્રીમેન્ટની જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ.
શહેરોમાં સોલારનો ક્રેઝ રાજ્યમાં સોલાર રૂફટોપ સ્થાપવામાં સુરત 65,233 જોડાણો સાથે મોખરે છે, ત્યારબાદ અમદાવાદ (59,619), રાજકોટ (56,084), વડોદરા (43,656) અને જૂનાગઢ (22,858) નો સમાવેશ થાય છે.
સરળ પ્રક્રિયા અને આર્થિક ફાયદો રાજ્યમાં રહેણાંક સોલાર માટે લોડની કોઈ મર્યાદા નથી અને વધારાની વીજળી સરકારને વેચવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. સોલાર સિસ્ટમ પર કોઈ બેંકિંગ ચાર્જ લાગુ પડતો નથી. આ યોજના હેઠળ ૨ kW સુધી રૂ. 30,000 પ્રતિ kW અને 3 kWથી વધુ ક્ષમતા માટે મહત્તમ રૂ. 78,000 સુધીની કેન્દ્રીય સબસિડી મળવાપાત્ર છે. ગુજરાતની આ સફળતા પાછળ રાજ્ય સરકારની નીતિ આધારિત આયોજન અને ગ્રાહક-લક્ષી અભિગમ મુખ્ય પરિબળો રહ્યા છે.
