
ખોરાક-ઔષધ નિયમન તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ અને કુકીંગ મીડિયમ સામેલ
રાજ્યના નાગરિકોને શુદ્ધ ખાદ્ય ચીજવસ્તુઓ મળી રહે તે હેતુથી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ચાલુ વર્ષે ઓગસ્ટ માસમાં વિવિધ જિલ્લાઓમાં નિયમિત તપાસ ઉપરાંત 10 જેટલા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન તંત્ર દ્વારા કુલ 28 નમૂનાઓ લઈને અંદાજે રૂ. 1.8 કરોડનો 46 ટન અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ જપ્ત કરવામાં આવેલા જથ્થામાં મુખ્યત્વે ઘી, પામ ઓઈલ, કૂકિંગ મીડિયમ અને ચાંદીના વરખનો સમાવેશ થાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ભેળસેળયુક્ત-ડુપ્લિકેટ ખોરાક બનાવનાર ઇસમો સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં, પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જાહેર જનતાને શુદ્ધ અને સલામત ફરાળી ખાદ્યચીજો મળે તે હેતુથી તંત્ર દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવમાં વિવિધ સ્થળોએથી 774 નમૂનાઓ લઈને અંદાજિત રૂ. 1.77 લાખનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 468 પેઢીઓની રૂબરૂ તપાસ થકી 12 ટન જથ્થો જપ્ત કરવાની સાથે 32 કિલોગ્રામ જથ્થાનો નાશ પણ કરવામાં આવ્યો હતો.
કમિશનરશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના નાગરિકોને શુદ્ધ અને સલામત આહાર મળે તે માટે તંત્ર સતત કાર્યરત છે. જે અન્વયે તંત્ર દ્વારા સમગ્ર માસ દરમિયાન જુદી જુદી ટીમ બનાવીને સુરત, અમદાવાદ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા સહિત વિવિધ જગ્યાએ દરોડા પાડીને કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ અંતર્ગત સુરતના એસ.આર.કે. ડેરી ફાર્મ ખાતેથી ઘીના ત્રણ અને એક બટરનો નમૂનો લેવામાં આવ્યો હતો તેમજ અંદાજે રૂ. 65 લાખનો 10 ટન જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. જે પૈકી ઘીના ત્રણ નમૂનાઓ લેબોરેટરીમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. આ ઉપરાંત તંત્ર દ્વારા સુરતની શ્યામ એન્ટરપ્રાઈઝ ખાતે રૂ. 62 હજારનો 208 કિ.ગ્રા. વેજ ફેટ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો.
તેવી જ રીતે અમદાવાદના ન્યૂ આદિનાથ ડેરી પ્રોડક્ટ્સ ખાતેથી રૂ. 2.75 લાખનો 448 કિ.ગ્રા. ઘીનો જથ્થો તેમજ મહાદેવ ડેરી ખાતેથી અંદાજે રૂ. 10 લાખનો 11 ટન ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જે બાદમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. તદુપરાંત શિવમ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, બાકરોલ-બુજરંગ, તા. દસક્રોઈમાંથી રૂ. 7.48 લાખનો 5 ટન પામ ઓઈલ તેમજ પેઢી કેદાર ટ્રેડિંગ કંપની, દસક્રોઈ ખાતેથી રૂ. 6.5 લાખનો 2.7 ટન પામ ઓઈલ જપ્ત કરવામાં આવ્યો હતો.
વધુમાં, હેપ્પી ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ, છત્રાલ ખાતેથી રૂ. 16 લાખનો 11 ટન આર.બી.ડી. પામ ઓઈલ તેમજ ફૂડ સર્વિસ નેટવર્ક, બિડજ, ખેડા ખાતેથી રૂ. 7 લાખનો 1.7 ટન ટપન કુકીંગ મીડિયમ 1 લિટરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. તદુપરાંત બનાસકાંઠા જિલ્લાની સુરભી ટ્રેડર્સ, વાવ અને તાસ્વી માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડકટસ, ડીસા ખાતેથી રૂ. 5.60 લાખનો 824 કિ.ગ્રા. શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું.
તેવી જ રીતે મહેસાણાના વિજાપુર ખાતે આવેલી મે. ડીવાઇન ફુડમાં રેડ કરીને રૂ. 1.30 લાખનો 649 કિ.ગ્રા. પનીર તેમજ અંદાજે રૂ. 32 હજારથી વધુનો 238 કિ.ગ્રા. રિફાઈન્ડ પામોલીન ઓઈલ જપ્ત કરીને વધુ કાર્યવાહી કરવામાં આવી હતી, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.