Breaking News

Sardar Patel an inspiration entire world UN Ambassador Ahmedabad 75 floats on the riverfront will showcase a glimpse of Pramukh Swamis life sardar-at-150-unity-march-reached-bhandra-in-narmada sports festival closing ceremony Home Minister Amitb Shah attend
gujarat-1-20-lakh-hectares-covered-under-micro-irrigation-system-2024
  • Gujaratમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિના વ્યાપમાં સતત વધારો
  • ગુજરાતમાં છેલ્લા એક વર્ષ દરમિયાન 1.20 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો
  • છેલ્લા બે દાયકામાં રાજ્યના 16.28 લાખથી વધુ ખેડૂતોએ 25.05 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી
  • સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ આ 16.28 લાખ ખેડૂતોને રૂ. 9224.27 કરોડથી વધુની પ્રોત્સાહક સહાય અપાઈ

આજના કૃષિ વૈશ્વિકરણ અને વૈવિધ્યતાના સમયમાં કૃષિને વધુ નફાકારક બનાવવા માટે સિંચાઈમાં પાણીનો અસરકારક ઉપયોગ અને વ્યવસ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ, વર્ષ 2005માં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની (GGRC)ના માધ્યમથી “સૂક્ષ્મ સિંચાઈ યોજના” અમલમાં મૂકી હતી.

ખેડૂતો પાણીના મર્યાદિત ઉપયોગથી વધુમાં વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ શ્રેષ્ઠ વિકલ્પ છે. રાજ્યના મહત્તમ ખેડૂતો ટપક, ફૂવારા, રેઈન-ગન અને પોરસ પાઈપ જેવી અદ્યતન સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકે તે માટે સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ ખેડૂતોને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે.

પાણીના ઓછા સ્ત્રોત વચ્ચે સૂક્ષ્મ સિંચાઈથી આશરે ત્રણ ગણો પિયત વિસ્તાર વધારી શકાય છે. એટલે જ, છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈનો વ્યાપ અને સૂક્ષ્મ સિંચાઈ ક્ષેત્રે દેશમાં ગુજરાતનો દબદબો સતત વધી રહ્યો છે.

વર્ષ 2005થી નવેમ્બર-2025 સુધીમાં ગુજરાતના 16.28 લાખથી વધુ ખેડૂતોએ આશરે 25.05 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે અને આ ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ અત્યાર સુધીમાં કુલ રૂ. 9224.27 કરોડથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેમાં ગુજરાત સરકારનો ફાળો રૂ. 5740.71કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. 3483.56 કરોડ છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ જેવી અદ્યતન પદ્ધતિ અપનાવવાની દિશામાં ગુજરાતે હરણફાળ ભરી છે. વર્ષ 2023-24માં આશરે 1.30 લાખ હેક્ટર વાવેતર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો. જ્યારે, ગત વર્ષ 2024-25માં પણ આશરે 1.20 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો હતો, જે માટે ખેડૂતોને સૂક્ષ્મ સિંચાઈ યોજના હેઠળ કુલ રૂ. 605.42 કરોડની સહાય આપવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારનો ફાળો રૂ. 329.42 કરોડ અને ભારત સરકારનો ફાળો રૂ. 276 કરોડનો છે.

સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયેલા વિસ્તારની દૃષ્ટિએ 4.88 લાખ હેક્ટર વિસ્તાર સાથે બનાસકાંઠા જિલ્લો રાજ્યમાં મોખરે અને ત્યારબાદ, 1.85 લાખ હેક્ટર વિસ્તાર સાથે જૂનાગઢ જિલ્લો દ્વિતીય તેમજ 1.35 લાખ હેક્ટર વિસ્તાર સાથે રાજકોટ જિલ્લો ત્રીજા સ્થાને છે.

આ ઉપરાંત ખેતીમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિને વેગ આપવામાં રાજ્યના મધ્યમ વર્ગના ખેડૂતોનો ફાળો મહત્તમ રહ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યના 8.92 લાખથી વધુ મધ્યમ વર્ગના ખેડૂતોએ 16.42 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવી છે. જ્યારે, રાજ્યના 4.98 લાખથી વધુ નાના ખેડૂતોએ 5.90 લાખ હેક્ટર વિસ્તારમાં, 1.83 લાખથી વધુ સીમાંત ખેડૂતોએ 1.23 લાખ હેક્ટર વિસ્તારમાં અને 55 હજારથી વધુ મોટા ખેડૂતોએ 1.49 લાખ હેક્ટર વિસ્તારમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવીને જળ સંચય અભિયાનને પણ વેગ આપ્યો છે.

ગુજરાતમાં સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાયેલા કુલ 25.05 લાખ હેક્ટર વિસ્તાર પૈકી 20.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખેતી પાકો માટે તેમજ 4.52 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં બાગાયતી પાકો માટે ખેડૂતો દ્વારા સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે. મુખ્ય ખેતી પાકોમાં મગફળી માટે 11.02 લાખ હેક્ટર, કપાસ માટે 7.56 લાખ હેક્ટર અને શેરડી માટે 0.16 લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે. જ્યારે, બાગાયતી પાકોમાં બટાટા પાક હેઠળ 2.20 લાખ હેક્ટર, કેળ પાક હેઠળ 0.34 લાખ હેક્ટર, આંબા પાક હેઠળ 0.18 લાખ હેક્ટર અને શાકભાજી પાકો હેઠળ 0.92 લાખ હેક્ટર વિસ્તાર સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ હેઠળ આવરી લેવાયો છે.

ગુજરાતના ખેડૂતો પોતાના ખેતરમાં સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ ઘરે બેઠા જ પ્રી-રજીસ્ટ્રેશન કરાવીને અપનાવી શકે છે. પ્રી-રજીસ્ટ્રેશન માટે ખેડૂત પોતાનું “પૂરું નામ–જિલ્લો–તાલુકો – ગામ”ના ફોર્મેટમાં લખીને GGRCના મોબાઈલ નંબર 97633-22211 પર SMS કરીને નોંધણી કરી શકે છે. આ ઉપરાંત GGRCની વેબસાઇટ “khedut.ggrc.co.in” ઉપર જઈને ખેડૂતો વિગતો દાખલ કરીને નોંધણી કરી શકે છે. અરજીની પૂર્વ નોંધણી બાદ GGRCના માન્ય સપ્લાયર્સ આગળની કાર્યવાહી કે માર્ગદર્શન માટે ખેડૂતોનો સંપર્ક કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: