Indigo Crisis | દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોમાં છેલ્લા 8 દિવસથી ચાલી રહેલા સંકટને પગલે સરકારે કડક કાર્યવાહી કરી છે. સોમવારે સિવિલ એવિએશન મંત્રાલયની ઉચ્ચ સ્તરીય બેઠક દરમિયાન ઇન્ડિગોની 5% ફ્લાઇટ્સમાં કાપ મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ કાપ હાઇ-ડિમાન્ડ, હાઇ-ફ્રિક્વન્સી રૂટ પરની ફ્લાઇટ્સમાં મૂકવામાં આવ્યો છે. ઇન્ડિગોની દૈનિક 2300 ફ્લાઇટ્સ પર તેની અસર પડશે, એટલે કે લગભગ 115 ફ્લાઇટ્સ ઘટશે. એરલાઇનને બુધવારે સાંજે 5 વાગ્યા સુધીમાં DGCAને સુધારેલું શેડ્યૂલ જમા કરાવવા પણ જણાવાયું છે.
સરકારે 10 એરપોર્ટ પર વરિષ્ઠ અધિકારીઓ મોકલ્યા કેન્દ્ર સરકારે હાલની પરિસ્થિતિની તપાસ કરવા અને મુસાફરોને પડતી મુશ્કેલીઓ જાણવા માટે 10 મોટા એરપોર્ટ પર ડેપ્યુટી સેક્રેટરી, ડિરેક્ટર અને જોઈન્ટ સેક્રેટરી સ્તરના વરિષ્ઠ અધિકારીઓને તૈનાત કર્યા છે. આ એરપોર્ટમાં મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, કોલકાતા, ચેન્નાઈ, અમદાવાદ, પુણે, ગુવાહાટી, ગોવા અને તિરુવનંતપુરમનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય મંત્રીએ કરી જવાબદારી નક્કી કરવાની વાત નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિગોની જવાબદારી નક્કી કરવામાં આવશે અને મુસાફરોની સુરક્ષા માટે નિયમો બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે કાપવામાં આવેલા ફ્લાઇટ સ્લોટ્સ અન્ય એરલાઇન્સને આપવામાં આવ્યા છે અને ઇન્ડિગોને તાત્કાલિક રિફંડ આપવા પણ કહેવામાં આવ્યું છે.
આજે પણ 180થી વધુ ફ્લાઇટ્સ રદ ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો મંગળવારે પણ ચાલુ રહ્યો છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં બેંગ્લોર અને હૈદરાબાદથી 180થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ ચૂકી છે. જોકે, ઇન્ડિગોએ સોમવારે દાવો કર્યો હતો કે તે તેના નેટવર્ક પર 1800થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે અને 91% ઓન-ટાઇમ પર્ફોર્મન્સ સાથે તેનું ઓપરેશન સ્થિર થઈ ગયું છે.
