
Explainer What is incel | અનૈચ્છિક બ્રહ્મચર્ય (Involuntary Celibacy)ના ટૂંકાક્ષરથી બનેલો શબ્દ ‘ઇન્સેલ’ (Incel) હવે માત્ર એકલતાની વ્યથાનો નહીં, પણ મહિલાઓ પ્રત્યેના ઊંડા રોષ, નફરત અને હિંસક ઉગ્રવાદનો વૈશ્વિક સૂચક બની ગયો છે. જે પુરુષો સ્ત્રીઓ સાથે રોમેન્ટિક કે લૈંગિક સંબંધો સ્થાપિત કરવામાં અસમર્થ હોય છે, તેમના આ ઓનલાઇન સમૂહે હવે વિકૃત અને હિંસક ચળવળનું સ્વરૂપ ધારણ કર્યું છે.
વર્ષ 2025માં આ વિષય અમેરિકાના સીમાડા વટાવીને વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અમેરિકામાં તેની ગંભીરતા એટલી છે કે સરકાર આવા સમુદાયોને ‘ઘરેલુ આતંકવાદ’ ગણવા બાબતે ગંભીરતાથી વિચાર કરી રહી છે.
ઇન્સેલ વિચારધારા અને પરિવર્તન
-
શરૂઆત: 1990ના દાયકામાં આંદોલનની શરૂઆત સકારાત્મક હેતુથી થઈ હતી, જ્યાં સંબંધોમાં મુશ્કેલી અનુભવતા લોકો પોતાના અનુભવો શેર કરી શકતા હતા.
-
હિંસક વળાંક: સમય જતાં આ સમૂહમાં મહિલાઓ પ્રત્યે રોષ અને નફરત ફેલાઈ. ઇન્સેલ પુરુષો માને છે કે મહિલાઓ માત્ર સફળ કે ધનિક પુરુષોને જ પસંદ કરે છે, જેના કારણે સામાન્ય પુરુષો જાતીય સંબંધના “અધિકાર”થી વંચિત રહે છે.
-
અપરાધ: આ વિચારધારાએ હિંસક અપરાધોને પ્રેરિત કર્યા છે, જેમાં 2018નો ટોરોન્ટો વાન હુમલો અને 2014નો ઇસ્લા વિસ્ટા ગોળીબાર જેવી ઘટનાઓ સામેલ છે.
વૈશ્વિક કાનૂની કાર્યવાહી અને અમેરિકાની ચિંતા
હિંસક ઘટનાઓના પગલે વિશ્વભરની સરકારો સજ્જ થઈ છે:
-
તુર્કીયે: ઇન્સેલ ફોરમ્સ અને વેબસાઇટ્સને ‘ખતરનાક સંગઠનો’ ગણાવીને બ્લોક કરવામાં આવ્યા છે.
-
રશિયા: કેટલાક સોશિયલ મીડિયા અને ચેટ પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો છે, આવી સામગ્રીને ‘ઉગ્રવાદી’ ગણાવવામાં આવે છે.
-
અમેરિકા: FBI અને ડિપાર્ટમેન્ટ ઑફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) ઇન્સેલ વિચારધારાને ઘરેલુ આતંકવાદ જેવો ખતરો ગણાવી રહી છે. ઓનલાઇન ફોરમ્સ પર થતા કટ્ટરપંથીકરણ (Radicalization) ને ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. હિંસા ફેલાવવા માટે સંગઠિત થનાર વ્યક્તિ કે જૂથ સામે ‘નફરતનો ગુનો’ ગણવાની શક્યતાઓ પણ વધી રહી છે.
