Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat
  • ગુજરાતમાં બે દિવસ દરમિયાન અત્યંત ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગની આગાહી
  • રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લામાં રેડ અલર્ટ જાહેર
  • મુખ્ય સચિવ પંકજ જોષીએ SEOC-ગાંધીનગર ખાતેથી સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી
  મુખ્ય સચિવશ્રીના જિલ્લા કલેકટરશ્રીઓને આદેશ
  • સંભવિત જોખમને ધ્યાને લઇ જિલ્લા વહીવટી તંત્રએ જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરીને એલર્ટ રહેવું
  • જિલ્લા-તાલુકા વહીવટી તંત્રના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા
  • ગણેશ વિસર્જનમાં નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિસર્જન માટેની વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવી
  • આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવી

ભારતીય હવામાન વિભાગ દ્વારા તા. 6 અને 7 સપ્ટેમ્બર,2025 દરમિયાન ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરીને અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અત્યંત ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇ મુખ્ય સચિવ પંકજ જોષીના અધ્યક્ષ સ્થાને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતી રવિ તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયેલા વિવિધ જિલ્લા કલેકટરઓને મુખ્ય સચિવશ્રીએ આગાહીને ધ્યાને રાખીને સંભવિત જોખમ સામે એલર્ટ રહેવા સૂચન કરીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરાયેલી આગોતરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.

ભારતીય હવામાન વિભાગના અધિકારીશ્રીએ બેઠકમાં જણાવ્યા મુજબ આજે તા. 6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત આવતીકાલ તા. 7 સપ્ટેમ્બરના રોજ પણ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ તથા પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગની આગાહીને આધારે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ આગોતરી તૈયારીઓ કરવા મુખ્ય સચિવશ્રીએ સૂચના આપી હતી. મુખ્ય સચિવશ્રીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવેલા ડેમના જળસ્તર અને તેમાં વરસાદી પાણીની આવક અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ત્યારબાદ જરૂર જણાયે ડેમમાંથી પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોને અગાઉથી જ એલર્ટ કરવા જણાવ્યું હતું.

મુખ્ય સચિવશ્રીએ પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈ જિલ્લા અને તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ખાતે ફરજ પર હાજર રાખવા પણ સૂચના આપી હતી. સાથે જ, રાજ્યના વિવિધ સ્થળો ખાતે ડીપ્લોય કરાયેલી NDRF અને SDRF ટીમોની માહિતી મેળવીને રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં જરૂર જણાયે વધુ ટીમ ડીપ્લોય કરવા તેમણે સૂચના આપી હતી. વધુમાં, આવતીકાલે યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાને રાખીને પરીક્ષા કેન્દ્રો ખાતે પણ તકેદારી રાખવા જિલ્લા કલેકટરઓને સૂચન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં વિવિધ સ્થળોએ આજે યોજાનાર ગણેશ વિસર્જનમાં મોટી સંખ્યામાં નાગરીકો ભેગા થવાની સંભાવના છે. જેને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇ વિસર્જનના સ્થળોએ ભારે વરસાદથી કોઇ અકસ્માત કે હોનારત ન થાય તે અંગે ખાસ તકેદારી રાખવા તેમજ નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિધિવત રીતે ગણેશ વિસર્જન થઇ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા મુખ્ય સચિવશ્રીએ તમામ જિલ્લા કલેકટરશ્રીઓને જણાવ્યું હતું.

આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો. જયંતિ રવી તેમજ રાહત કમિશનર શ્રી અલોકકુમાર પાંડે દ્વારા પશુપાલન, ઊર્જા, કૃષિ, CWC, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, શહેરી વિકાસ, સિંચાઈ, સરદાર સરોવર નિગમ અમે NDRF સહિતના સંબંધિત વિભાગોને તેમજ સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરી, તકેદારી રાખવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં મોસમનું કુલ સરેરાશ વરસાદ 98 ટકા નોંધાયો છે. સંભવિત વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખીને કોઇપણ કટોકટીને પહોંચી વળવા રાજ્યના વિવિધ જિલ્લામાં 12 NDRF અને 20 SDRFની ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. જ્યારે, એક NDRFની ટીમને વડોદરા ખાતે રીઝર્વ રાખવામાં આવી છે.

આ બેઠકમાં રાહત નિયામકશ્રી સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ તેમજ વર્ચ્યુઅલ માધ્યમથી જિલ્લા કલેકટરશ્રી સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: