છેલ્લા ૧૯ વર્ષથી સતત ઉજવાતા “ધર્મજ ડે”ના આયોજકો છ ગામ પાટીદાર સમાજ તથા ધરોહર ફાઉન્ડેશન દ્વારા સમાજના અન્ય કાર્યો પણ નિયમિત કરવામાં આવે છે. દર વર્ષે છ ગામ પાટીદાર સમાજ, ધર્મજના ધોરણ ૧ થી ૧૨માં અભ્યાસ કરતાં તેજસ્વી તારલાઓનો સન્માન કાર્યક્રમ આ પરંપરાનો એક ભાગ છે. તાજેતરમાં આ કાર્યક્રમ શ્રી વિરબાઇમાતા સાંસ્કૃતિક કેન્દ્ર, શ્રી જલારામ તીર્થ ખાતે રાખવામાં આવેલ. કાર્યક્રમનું અધ્યક્ષસ્થાન સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ પટેલે શોભાવેલ.
મુખ્ય મહેમાન પદે ચરોતર એજ્યુકેશન સોસાયટી આણંદના ડૉ. આર. પી. ભોઇ તથા અતિથી વિશેષ તરીકે ધર્મજ પીપલ્સ કો-ઓપરેટીવ બેન્કના ચેરમેન બળવંતભાઈ પટેલ ઉપસ્થિત રહેલ. ધરોહર ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશ પટેલે આ અંગે વધુ માહિતી આપતા જણાવેલ કે સમાજની સારાશને બિરદાવવાની સમાજની ફરજના ભાગ રૂપે આ કાર્યક્રમનું આયોજન વર્ષો વર્ષ કરવામાં આવે છે. જેના થકી સમાજને પોતાની પ્રતિભાની ઓળખ થાય અને પ્રતિભાસંપન્ન વ્યક્તિને પ્રોત્સાહન મળે છે.
કાર્યક્રમની શરૂઆત ધર્મજ ગીતથી કરવામાં આવી. ત્યાર પછી વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલ તથા ગામમાં થયેલ મરણ અંગે મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. શાબ્દિક સ્વાગત તથા સંસ્થાના આગામી કાર્યક્રમોની વાત કરતાં રાજેશ પટેલે જણાવેલ કે આગામી જાન્યુઆરીમાં યોજાનાર “૨૦મો ધર્મજ ડે” સરદાર પટેલની શાર્ધ શતાબ્દીને કેન્દ્રમાં રાખી ધરતીપુત્રને પ્રિય ધરતીના રંગ છીંકણી(બ્રાઉન) થીમ સાથે ઉજવવાના છીએ.
આગામી દિવસોમાં ગામની તમામ શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને સરદાર પટેલનું પુસ્તક ભેટ આપવામાં આવશે. તેના આધારે સરદાર સાહેબને કેન્દ્રમાં રાખી વકૃત્વ સ્પર્ધા તથા બુદ્ધિ કસોટીનું આયોજન પણ વિચારેલ છે. દરેક વર્ગખંડમાં સરદાર પટેલ તથા ધર્મજના સપૂત ભૂતપૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી ડૉ. એચ. એમ. પટેલ સાહેબના ચિત્રો લગાવાવાનું પણ આયોજન થશે.
કાર્યક્રમના મુખ્ય મહેમાન ડૉ. આર. પી. ભોઇએ બાળકો તથા વાલીઓને હળવાશ સાથે ઉપયોગી માર્ગદર્શન મળે તેવું પ્રવચન કરેલ. તેમણે જણાવેલ કે શિક્ષણના મુખ્ય ચાર પાયા છે. બાલક, પાલક, સંચાલક અને શિક્ષક. આ વ્યવસ્થામાં ક્યાંક ઉણપ આવેલી જણાય છે. તેના કારણે આજે બાળક ખીલતું નથી કે ખુલતું નથી.
આજના બાળકને જરૂરી હૂંફ મળતી નથી તેના કારણે હતાશામાં ડૂબી આત્મહત્યા જેવા અંતિમ પગલાં ભરે છે. ક્યારેક અનુશાસનનો અતિરેક પણ જોખમી બને છે. જાપાનના બોન્સાઈ વૃક્ષનો દાખલો આપતા કહ્યું કે તેના મુળિયા નીચેથી કાપતા રહેવાથી વૃક્ષ ૧૫૦ વર્ષનું થાય તો પણ તેની ઉંચાઈ દોઢ ફૂટ થતી નથી. આપણા બાળકોની પણ આજે આ સ્થિતિ છે. જેના મુળિયા કપાઈ ગયા છે જેથી મોટા થાય છે પણ જરૂરી ઉંચાઈ હાંસલ કરી શકતા નથી.
દરેક વ્યક્તિ ભગવાનનું સર્જન છે. ભગવાનના સર્જનમાં ક્યારેય નકલ હોતી નથી. તેથી દરેકની પોતાની અલગ પ્રતિભા હોય છે. માણસને માણસ બનાવે તેનું નામ શિક્ષણ એ વાત યાદ રાખી બધી વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. આજનું શિક્ષણ કેટલાક અંશે કારકિર્દી ઘડવામાં સફળ થયું છે પણ ચારિત્ર્ય ઘડતરમાં ઉણું ઉતર્યું છે તે વાત સ્વીકારવી જ રહી. સ્વામી વિવેકાનંદના વિચાર “વ્યક્તિમાં રહેલી પૂર્ણતા પ્રગટ કરવાની વિધિ એટલે શિક્ષણ” એ વાત સાથે તેમણે પ્રવચન પુરું કરેલ.
સન્માનના પ્રતિભાવ આપતા મીનલ પટેલે જણાવેલ કે ક્યારેક આજના વાલીઓ બાળકને વધારે પડતું વહાલ કરી નાના નાના કામ તેની જાતે કામ કરવા દેતા નથી. જેથી તેનામાં આત્મવિશ્વાસ આવતો નથી. બાળકો પણ સન્માન મેળવીને ખુબ ઉત્સાહમાં જણાતા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન માનસી પટેલ તથા આભારવિધી સ્નેહલ પટેલે કરેલ. કાર્યક્રમને સફળ બનાવવામાં રીતેશ પટેલ, નલિન પટેલ, રાજેન્દ્ર પટેલ, વિનોદ પટેલ તથા યુવાનોએ જહેમત ઉઠાવેલ. જલારામ તીર્થ પરિવાર, ગામના દાતાઓ તથા ગામની સહકારી સંસ્થાઓનો ઉમદા સહકાર સાંપડેલ. કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન પછી પ્રીતિભોજન લઇ સૌ છુટા પડેલ.