
પહેલગામ હુમલા (Pahalgam attackers)ને અંજામ આપનારા ત્રણ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર માર્યા છે. આ જાહેરાત કેન્દ્રીય ગૃહ મંત્રી (Home minister) અમિત શાહે (Amit Shah) મંગળવારે લોકસભામાં કરી હતી. તેમણે જણાવ્યું કે કેવી રીતે ‘ઓપરેશન મહાદેવ’ (Operation Mahadev) એ આતંકવાદીઓને તેમના અંજામ સુધી પહોંચાડ્યા. સંસદમાં શાહે જણાવ્યું કે સેના, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસે ‘ઓપરેશન મહાદેવ’ દ્વારા ત્રણ આતંકવાદીઓને માર્યા છે, જેમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જીબ્રાનનો સમાવેશ થાય છે.
ગૃહ મંત્રી અમિત શાહે લોકસભામાં જણાવ્યું કે સુલેમાન લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો, જે ગગનગીર આતંકવાદી હુમલામાં સામેલ હતો. તેના બધા પુરાવા એજન્સીઓ પાસે છે. આતંકવાદી અફઘાન અને જીબ્રાન, લશ્કરના ‘એ’ શ્રેણીના આતંકવાદી હતા. અમિત શાહે સ્પષ્ટપણે કહ્યું કે ત્રણેય આતંકવાદીઓ બૈસરન ઘાટી હુમલામાં સામેલ હતા.
‘ઓપરેશન મહાદેવ’નું વિસ્તૃત વર્ણન અમિત શાહે જણાવ્યું કે, પહેલગામ હુમલા પછી 23 એપ્રિલે એક સુરક્ષા મીટિંગ કરવામાં આવી. સૌથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો કે આતંકવાદીઓ દેશ છોડીને પાકિસ્તાન ભાગી ન શકે. આની સંપૂર્ણ પાકી વ્યવસ્થા કરવામાં આવી અને આતંકવાદીઓને ભાગવા દીધા નહીં. 22 મેના રોજ IB પાસે માહિતી આવી હતી.
ડાચીગામ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની જાણકારી મળી હતી. સેના અને IBએ સિગ્નલ કેપ્ચર કરીને 22 આતંકવાદીઓ વિશેની માહિતી પાકી કરી. 22 જુલાઈએ સેન્સર દ્વારા આતંકવાદીઓની હાજરીની પુષ્ટિ થઈ. સેનાના 4 પેરાના જવાન, CRPF અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનોએ એકસાથે આતંકવાદીઓને ઘેરવાનું કામ કર્યું. સોમવારે ઓપરેશન થયું, તેમાં પહેલગામ હુમલાના ત્રણેય આતંકવાદીઓ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા.
ફોરેન્સિક પુરાવા અને પુષ્ટિ અમિત શાહે લોકસભામાં જાણકારી આપી છે કે પહેલગામ હુમલા દરમિયાન મળેલા કારતૂસના ખોખા અને આતંકવાદીઓની રાઇફલના ખોખાનું મેચિંગ થયું છે. આતંકવાદીઓ પાસેથી એક M-9 અમેરિકન અને બે AK-47 રાઇફલ જપ્ત કરવામાં આવી હતી. ગૃહ મંત્રીએ લોકસભામાં જાણકારી આપી કે ચંદીગઢ FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી)ના રિપોર્ટમાં કારતૂસનું મેચિંગ થયું છે. 6 વૈજ્ઞાનિકોએ ક્રોસ ચેક કર્યું છે. વૈજ્ઞાનિકોએ પુષ્ટિ કરી છે કે આ તે જ ગોળીઓ છે જે પહેલગામમાં ચલાવવામાં આવી હતી.