અમદાવાદ: પ્રમુખ સ્વામીના પ્રમુખવરણીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ પર ઈવેન્ટ સેન્ટરમાં 7મી ડિસેમ્બરે ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહેમાનો ઉપસ્થિત રહેશે.
પ્રમુખવરણી અમૃત મહોત્સવ મુખ્ય કાર્યક્રમ – 7 ડિસેમ્બર અને રવિવારે સાંજે 5.30 થી 8.30 સુધી ચાલનાર આ કાર્યક્રમમાં વૈવિધ્યસભર પ્રસ્તુતિઓ દ્વારા પ્રમુખસ્વામી મહારાજના 104 મા જન્મદિને વંદના કરાશે. – પ્રમુખસ્વામીના જીવન, કાર્ય અને ગુણોને દર્શાવતાં 75 અલંકૃત તરતાં ફ્લોટસ નદીમાં દ્રશ્યમાન થશે. – આ કાર્યક્રમમાં બેઠક વ્યવસ્થાની બધી જ ક્ષમતા આરક્ષિત કરવામાં આવી હોવાથી, દેશ-વિદેશના લાખો ભક્તો-ભાવિકો પોતાના ઘરે અથવા મંદિરોના સભાગૃહોમાં જીવંત પ્રસારણ દ્વારા આ કાર્યક્રમને માણશે. – આસ્થા ભજન ચેનલ અને live.baps.org તથા અન્ય પ્રસાર માધ્યમો દ્વારા આપ અભૂતપૂર્વ કાર્યક્રમને ઘરે બેઠાં માણી શકશો. પ્રમુખવરણી અમૃત મહોત્સવ
પ્રમુખ વરણી દિન BAPSના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે વિક્રમ સંવત 2006 (મે 21, 1950) ના જેઠ સુદ 4 ના દિવસે, રવિવારે, અમદાવાદના શાહપુર વિસ્તારમાં આંબલીવાળી પોળમાં આવેલા હરિમંદિરમાં સાંજે 5 વાગ્યે ગુરુ શાસ્ત્રી મહારાજના કૃપાપાત્ર બનેલા નવયુવાન સંત શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજીને, સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના સભ્યોની ઉપસ્થિતિમાં – BAPS સ્વામિનારાયણ સંસ્થાના આજીવન અધ્યક્ષ તરીકે – નિયુક્ત કર્યા હતા. પ્રમુખસ્વામી મહારાજનું દીક્ષિત નામ તો શાસ્ત્રી નારાયણસ્વરૂપદાસજી હતું, પરંતુ શાસ્ત્રી મહારાજે તેમને સંસ્થાના પ્રમુખપદે નિયુક્ત કર્યા ત્યારથી તેઓ ‘પ્રમુખસ્વામી મહારાજ’ના નામથી જાણીતા બન્યા હતા.
‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’
પ્રમુખસ્વામી મહારાજના પ્રમુખવરણીનાં 2025માં 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર વર્ષ દરમિયાન હજારો ભક્તોએ આંબલીવાળી પોળ સુધી પદયાત્રા કરીને, ચાદર ઓઢાડીને વિવિધ રીતે ભક્તિ-અર્ધ્ય અર્પણ કર્યું હતું. પ્રમુખપદ ગ્રહણ કરતી વખતે પ્રમુખસ્વામી મહારાજે લીધેલી પ્રતિજ્ઞાઓને તેમના જીવનના 95 વર્ષ સુધી સાકાર થયેલી લાખો લોકોએ અનુભવી છે. પ્રચંડ પુરુષાર્થ દ્વારા, સમગ્ર વિશ્વમાં સનાતન ધર્મની મહાન પરંપરાઓને વિસ્તારીને તેમણે વિરાટ સ્વરૂપ આપ્યું. પ્રમુખવરણી અમૃત મહોત્સવમાં સૌને સમર્પિત આ ભવ્ય અને દિવ્ય જીવનકાર્યને અનેકવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે.
– આ કાર્યક્રમ માટે છેલ્લા બે મહિનાથી કુલ 20 જેટલા સેવાવિભાગો અને 5500 જેટલા સ્વયંસેવકો સેવારત છે. – વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ સુંદર આયોજન, ટ્રાફિક નિયમન કરવા સ્વયંસેવકો સજ્જ રહેશે. – આશરે 40 હજાર જેટલાં ભક્તો-ભાવિકો બસોના નિર્ધારિત ક્રમ અનુસાર રિવરફ્રન્ટ ઈવેન્ટ સેન્ટર ખાતે પહોંચશે.
