
15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ ભારત પર્વ દ્વારા પુનઃ જીવિત થવાની છે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
—
:: મુખ્યમંત્રીશ્રી ::
* વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘સ્વ’નો નહીં સમસ્તનો – રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે.
* વડાપ્રધાનશ્રીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે.
* એકતાનગર પ્રકૃતિ, પ્રગતિ અને સાંસ્કૃતિક વારસાના ઉદાહરણ તરીકે સમગ્ર વિશ્વને “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ની ઝાંખી કરાવે છે.
* વડાપ્રધાનશ્રીના “સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ”ના મંત્ર પર ચાલીને આત્મનિર્ભર ભારત, એક ભારત-શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થઈએ.
—-
::ભારત પર્વ – 2025ની વિશેષતાઓ::
* દેશના વિવિધ રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં જોવા મળશે.
* દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે.
* 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.
* 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે.
* ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે. જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે.

—
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલો મંત્ર ‘રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક’ ને આ ભારત પર્વ ચરિતાર્થ કરે છે. “અનેકતામાં એકતા, એ જ આપણી વિશેષતા”નો ભાવ પ્રદર્શિત કરતી સંસ્કૃતિની ઝલક ભારત પર્વમાં લોકોને મળવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વિશ્વનેતા અને યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણ દ્વારા સરદાર સાહેબને ઉત્તમ શ્રદ્ધાંજલિ આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબે ૫૬૨ રજવાડાઓના વિલિનિકરણથી એક ભારતનું નિર્માણ કર્યું અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી વિકાસના માર્ગે શ્રેષ્ઠ ભારતનું નિર્માણ કરી રહ્યાં છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે સૌ સદભાગી છીએ કે, આઝાદીના દશકો બાદ આપણને વડાપ્રધાન તરીકે એક એવું નેતૃત્વ મળ્યું છે જેણે ‘સ્વ’નો નહીં સમસ્તનો – રાષ્ટ્રહિત પ્રથમનો જ વિચાર હૈયે રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, આઝાદી પછી વર્ષો સુધી સરદાર જયંતિ માત્ર પરંપરાગત બિબાઢાળ સરકારી કાર્યક્રમ બની ગઈ હતી, પરંતુ આપણા મોદી સાહેબ એવા વિઝનરી લીડર છે કે, જે કોઈને ના સૂઝે તે તેમને સૂઝે છે. તેમણે સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની એકતા માટે આપેલા બહુમૂલ્ય યોગદાનનું યથોચિત ગૌરવ કર્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સરદાર સાહેબની જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા 2014થી મોદી સાહેબે દેશવાસીઓને આપી છે. તેમણે કહ્યું હતું કે, સરદાર સાહેબના વિરાટ કાર્ય જેટલી જ વિરાટ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આ વનવાસી પ્રદેશ વિશ્વના નકશામાં ચમક્યો છે. એ જ વ્યવસ્થાઓ, એ જ તંત્ર છતાં જો આગવું વિઝન હોય તો સ્થિતિ કેવી બદલી શકાય તે મોદી સાહેબે એસ.ઓ.યુ. અને એકતાનગરના નિર્માણથી પુરવાર કર્યું હોવાનું જણાવ્યું હતું.
ભારત પર્વ અંગે મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, આ પર્વમાં દરરોજ સાંજે બે-બે રાજ્યોની સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ કરવામાં આવશે. 45 ફૂડ સ્ટોલ અને એક લાઇવ સ્ટુડિયો કિચનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની વાનગીઓ પીરસાશે.
આ ઉપરાંત 55 હસ્તકલા અને હેન્ડલૂમ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યાં છે. અહીં ભારત દર્શન પેવેલિયનમાં વિવિધ રાજ્યોના પેવેલિયન બનાવવામાં આવ્યા છે, જેમાં તે રાજ્યોના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળો અને સાંસ્કૃતિક વિશેષતાઓને દર્શાવવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાજીની પણ આ વર્ષે 150મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે તેના ઉપલક્ષ્યમાં એકતાનગર ખાતે 15 નવેમ્બર બિરસા મુંડા જયંતિએ વિશેષ પ્રસ્તુતિ યોજાશે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, એક ભારત-શ્રેષ્ઠ ભારત જેમ જ અનેકતામાં એકતાની ભાવના આપણા ઉત્સવો-તહેવારોમાં પણ સાકાર થાય છે. ગુજરાતના નવરાત્રી – ગરબા, મહારાષ્ટ્રનો ગણપતિ ઉત્સવ, બિહારીઓની છઠ પૂજા કે પશ્ચિમ બંગાળની દૂર્ગા પૂજા ઉત્સવ આ બધા જ ઉત્સવો દેશમાં જ્યા જ્યાં આ રાજ્યોના મૂળ વતની પરિવારો રોજીરોટી માટે આવીને વસ્યાં છે ત્યાં સૌ સાથે મળીને ઉજવે છે.
તેમણે ઉમેર્યુ કે, શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી માધવપૂરનો મેળો રાષ્ટ્રીય એકતાનું પ્રતીક બન્યો છે. આ મેળો પૂર્વોત્તર રાજ્યો અને પશ્ચિમ ભારતને જોડે છે. તેમના માર્ગદર્શનમાં સૌરાષ્ટ્ર-તમિલ સંગમ, કાશી તમીલ સંગમની ઉજવણીથી ભારતની એકતા અને અખંડિતતા વધુ મજબૂત થઈ છે. તેને આ ભારત પર્વ ઉજાગર કરે છે.

એટલું જ નહીં દેશના રાજ્યોના રાજભવનોમાં પણ જુદા જુદા રાજ્યોના સ્થાપના દિવસની લોકોના સંગે ઉજવણીથી એક ભારત – શ્રેષ્ઠ ભારતની ભાવના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરાવી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, હવે આ ભારત પર્વ દ્વારા 15 દિવસ સુધી એકતાનગરમાં સમગ્ર ભારત અને ભારતીય પરંપરાઓ પુનઃ જીવિત થવાની છે. વિકાસ ભી, વિરાસત ભીની વડાપ્રધાનશ્રીની સંકલ્પના સાચા અર્થમાં પાર પડશે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને એકતાનગર વિશ્વ કક્ષાનું પ્રવાસન કેન્દ્ર બને તે માટેનું વિઝન આપ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાની સાથે સાથે અનેક પ્રવાસન આકર્ષણ આયામો જોડ્યાં હોવાનું જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આત્મનિર્ભર ભારતના નિર્માણ માટેનો પણ સંકલ્પ કર્યો છે. આ માટે સરદાર સાહેબના ચીંધ્યા એકતાના માર્ગ પર ચાલીને સ્વદેશીને અપનાવવા આહવાન કર્યું હતુ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ભારત પર્વના વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી.
આ અવસરે સાંસદશ્રી જશુભાઈ રાઠવા, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભીમસિંહ તડવી, એસ.એસ.એન.એલ.ના એમ.ડી.શ્રી મુકેશ પુરી, પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમાર, ટુરિઝમ કોર્પોરેશનના એમ.ડી. શ્રી પ્રભવ જોષી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના સી.ઈ.ઓ.શ્રી અમિત અરોરા, ટ્રાયબલ ડેવલપમેન્ટ કમિશનર શ્રી આશિષકુમાર, જિલ્લા કલેકટરશ્રી એસ. કે.મોદી, ડી.ડી.ઓ.શ્રી આર.બી.વાળા, પોલીસ મહાનિદેશકશ્રી સંદીપ સિંહ, જિલ્લા પોલીસ વડાશ્રી વિશાખા ડબરાલ, SOUના અધિક કલેકટરશ્રી ગોપાલ બામણીયા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં