મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં Tv9 ગુજરાતીનો ગુજરાત ગ્રોથ આઇકોન-2025
કોન્કલેવ યોજાયો
**
શ્રી ભૂપેન્દ્ર પટેલ
આજે રાજ્યમાં જે વિકાસ દેખાઈ રહ્યો છે એ આપણા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે
**
કોઈ આપણને આગળ વધતા રોકી ન શકે તે માટે આત્મનિર્ભર ભારત બનાવવું જ પડશે
**
આપણે ગુજરાતી છીએ તેનું એક ગુજરાતી તરીકે ગૌરવ હોવું જ જોઈએ
***
મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં વિવિધ ક્ષેત્રના 35
જેટલાં લોકોને ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા
**
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અગ્રણી ગુજરાતી ન્યૂઝ ચેનલ Tv9 ગુજરાતીના ગુજરાત ગ્રોથ આઇકોન-2025
કોન્કલેવમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર ઉદ્યોગ સાહસિકોને
મુખ્યમંત્રીશ્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ગુજરાતીઓનું દેશ અને દુનિયામાં ગૌરવ વધાર્યું છે
એવા આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસે તારીખ 7 મી ઓક્ટોબરના રોજ
ગુજરાતનું સુકાન સાંભળ્યું હતું એને આજે 24 વર્ષ પુરા થયા છે ત્યારે તારીખ 7 થી 15 ઓક્ટોબર દરમિયાન
સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ ગુજરાતનું
શાસન સંભાળ્યું એના પહેલાંની પરિસ્થિતિનો આપણને ખ્યાલ હોય તો જ વિકાસનો સાચો આનંદ માણી શકીએ.
તેમણે ઉમેર્યું કે, વર્ષ- 2001 પહેલાં ગુજરાતમાં વીજળી અને પાણી સહિતની કેવી કેવી સમસ્યાઓ હતી, ઉત્તર
ગુજરાતમાં ડાર્કઝોન હોવાથી ખેડૂતોને નવા વીજ કનેકશન મળતાં નહોતા. આજે રાજ્યમાં જે વિકાસ દેખાઈ રહ્યો
છે એ આપણા નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને આભારી છે એમ જણાવી તેમણે શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વ બાદ
ગુજરાતમાં થયેલા અભૂતપૂર્વ વિકાસની ભૂમિકા આપી હતી.
તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસનો લાભ છેવાડાના માનવી સુધી
પહોંચ્યો છે. આજે ભારતનું અર્થતંત્ર વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ
2001માં ગુજરાતનું બજેટ 36,000 કરોડનું હતું આજે 3.70 લાખ કરોડનું બજેટ છે અને એવી જ રીતે MSME
ઉદ્યોગો 66,000 હતા આજે 27 લાખથી વધુ છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈએ વર્ષ-2006માં શરૂ કરાવેલ રણોત્સવથી કચ્છમાં ટુરીઝમ ઉદ્યોગનો
વિકાસ થયો છે. તેમણે ઉમેર્યુ કે, કચ્છનું સફેદ રણ તો વર્ષોથી હતું પરંતુ શ્રી નરેન્દ્રભાઈના વિઝનના લીધે કચ્છનો
વિકાસ થયો છે. તેમણે કહ્યું કે, સ્વચ્છતાના આગ્રહ સાથે આપણે સેમિકન્ડક્ટર ક્ષેત્રનું પણ ધ્યાન રાખ્યું છે. કોઈ
આપણને આગળ વધતા રોકી ન શકે તે માટે આત્મનિર્ભર ભારત બનાવવું જ પડશે. વિકસિત ભારતના નિર્માણ
માટે સ્વદેશી- આત્મનિર્ભર ભારત બનાવવું જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે, ભૂતકાળમાં આપણે તમામ વસ્તુઓની
આયાત કરતા હતા આજે 153 દેશોમાં ભારત રમકડાની નિકાસ કરે છે. વર્ષ -2036 માં રમાનાર ઓલમ્પિક્સ
ગેમ્સની તમામ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દેવામાં આવી છે. તેમણે tv9 અને એવોર્ડ મેળવનાર તમામને
અભિનંદન પાઠવતા જણાવ્યું કે, આપણે ગુજરાતી છીએ તેનું એક ગુજરાતી તરીકે ગૌરવ હોવું જ જોઈએ.
મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ ક્ષેત્રના 35 જેટલાં લોકોને ઉત્કૃષ્ટતા બદલ એવોર્ડ આપી સન્માનિત કરવામાં
આવ્યા હતાં.
ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી કોન્કલેવમાં આયોજિત ચર્ચાસત્રમાં સહભાગી થયા હતા.
આ અવસરે Tv9 ગુજરાતીના ચેનલ હેડ શ્રી કલ્પક કેકરે તેમજ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.


