
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને મહિલા IPS અધિકારી વચ્ચે ફોન પર ઊગ્ર બોલાચાલી થઈ હતી. આ દરમિયાન અજિત પવારે કહ્યું, ‘હું નાયબ મુખ્યમંત્રી છું, કાર્યવાહી બંધ કરો, શું હું તમારી સામે કાર્યવાહી કરું? શું તમારામાં આટલી બધી હિંમત છે?’
મહારાષ્ટ્રના સોલાપુરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને DSP અંજલિ કૃષ્ણા વચ્ચે ઉગ્ર દલીલો જોઈ શકાય છે.
મહારાષ્ટ્રના સોલાપુરમાં કરમાલાના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અંજલિ કૃષ્ણા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે ફોન અને વીડિયો કોલ પર બોલાચાલી થઈ હતી. આઈપીએસ અધિકારી અંજલિ કૃષ્ણાએ ફોન પર નાયબ મુખ્યમંત્રી અજિત પવારને ઓળખ્યા ન હતા. આ દરમિયાન ગુસ્સે ભરાયેલા અજિત પવારે અધિકારીને ઠપકો આપ્યો હતો.
આ ઘટના 31મી ઓગસ્ટે બપોરની છે, જેનો વીડિયો હવે વાઈરલ થઈ રહ્યો છે. આ અંગે નાયબ મુખ્યમંત્રી અજિત પવારની પણ ટીકા થઈ રહી છે. આ ઘટના સમયે સ્થળ પર હાજર અને હંગામો મચાવનારા કેટલાક NCP કાર્યકરો સામે સરકારી કામમાં અવરોધનો કેસ નોંધવામાં આવ્યો છે.
ચોથી સપ્ટેમ્બરે સોલાપુરના માધા તાલુકાના કુર્દુવાડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. મહિલા અધિકારી કેરળની હોવાનું કહેવાય છે, જે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોસ્ટેડ હતી.