Breaking News

Emergency review meeting held at State Emergency Operation Center following rain forecast in Gujarat How Dare You? Ajit Pawar's Heated Exchange With Woman IPS Officer Over Excavation cm-bhupendra-patel-interacted-with-students-on-teachers-day-celebrations

મુન્દ્રાના નાના કપાયા ખાતે અદાણી ફાઉન્ડેશન અને શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનો ખેડૂતો સાથે સંવાદ

પ્રાકૃતિક ખેતીનો વધી રહેલો વ્યાપ એક ક્રાંતિ છે

માનવીના આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી વરદાનરૂપ

માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે પ્રાકૃતિક ખેતી કિસાન પરિસંવાદ યોજાયો

13-10

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ કચ્છના મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે ખાતે અદાણી ફાઉન્ડેશન આયોજિત પ્રાકૃતિક કૃષિ કિસાન પરિસંવાદમાં ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.

રાજ્યપાલશ્રીએ સંબોધનમાં કહ્યું હતું કે, દેશભરમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા સરકાર યુદ્ધના ધોરણે ઝુંબેશરૂપે કામગીરી કરી રહી છે. કચ્છમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીને અપનાવી છે, તે માટે હર્ષની લાગણી વ્યક્ત કરીને તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં આજે ૮.૫ લાખથી વધારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીના વધી રહેલા વ્યાપને રાજ્યપાલશ્રીએ ક્રાંતિ ગણાવી હતી.

રાજ્યપાલશ્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે, દેશભરમાં ખેડૂતો મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરે અને સમૃદ્ધ બનીને દેશના વિકાસમાં સહભાગી બને. આ વિઝનને સાકાર કરવા માટે ગુજરાતમાં ૧૦-૧૦ ગામના ક્લસ્ટર બનાવીને પ્રાકૃતિક ખેતીની તાલીમ માટે માસ્ટર ટ્રેનરની નિમણૂક કરવામાં આવી છે. સંપૂર્ણ પ્રાકૃતિક ખેતીના લક્ષ્યને હાંસલ કરવામાં મહિલાઓ સ્વયંભૂ આગળ આવીને અભિયાનમાં જોડાય એવો અનુરોધ રાજ્યપાલશ્રીએ કર્યો હતો. અદાણી ફાઉન્ડેશન અને શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળી આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં મહિલાઓની મોટી સંખ્યામાં હાજરીને રાજ્યપાલશ્રીએ બિરદાવી હતી.

પ્રાકૃતિક ખેતીના કરવાના લાભ‌ વિશે રાજ્યપાલશ્રીએ હરિયાણા ગુરુકુલ કુરુક્ષેત્રમાં આવેલા પોતાના ફાર્મનો વીડિયો દર્શાવીને ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરવાથી ઉત્પાદનમાં ઘટાડો થાય એ વાતને મિથ્યા ગણાવીને રાજ્યપાલશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે, પ્રાકૃતિક ખેતી એ કલ્યાણકારી ખેતી છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતોને ક્યારેય આર્થિક નુકસાની સહન કરવી પડતી નથી. પર્યાવરણને પ્રાકૃતિક ખેતીથી લાભ થાય છે. માનવીના આરોગ્યપ્રદ જીવન માટે પ્રાકૃતિક ખેતી વરદાન છે. પ્રાકૃતિક નહીં પણ રાસાયણિક ખેતીથી ખેડૂતોને આર્થિક નુકસાન આવે છે અને આરોગ્ય પણ જોખમાય છે. વધુ પડતાં રાસાયણિક ખાતરોના ઉપયોગથી લાંબા ગાળે જમીન બિનઉપજાઉ બની જાય છે. પ્રાકૃતિક ખેતી આર્થિક રીતે લાભદાયી હોવાનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કરીને રાજ્યપાલશ્રીએ સૌ ખેડૂતોને તેનો અમલ કરવા જણાવ્યું હતું.

દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી તેને લઈને રાજ્યપાલશ્રીએ ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જીવામૃત, ઘનજીવામૃત તૈયાર કરવાની વિધી અને તેના ઉપયોગ વિશે રાજ્યપાલશ્રીએ સમજણ આપી હતી. અદાણી ફાઉન્ડેશન અને શ્રી રાજશક્તિ પ્રાકૃતિક ખેતી સહકારી મંડળીની કામગીરી બિરદાવીને રાજ્યપાલશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા. રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને જનઆંદોલન બનાવીને આગળ વધવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ કચ્છ જિલ્લાના પ્રાકૃતિક ખેતીમાં વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરીને અન્યોને પ્રેરણા આપનારા ખેડૂતોનું સન્માનપત્ર એનાયત કરીને બહુમાન કર્યું હતું. પ્રાકૃતિક ખેતીને વેગ મળે તે માટે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પાસેથી પેદાશોની ખરીદી કરવા રાજ્યપાલશ્રીએ સૌને અનુરોધ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં પધારેલા રાજ્યપાલશ્રીનું કચ્છી ભરતકામ, કચ્છી શાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં પ્રાકૃતિક ખેતીમાં વિશિષ્ટ સિધ્ધિઓ હાંસલ કરી હોય એવા ખેડૂતોએ પોતાના અનુભવોને રાજ્યપાલશ્રી સમક્ષ રજૂ કરીને તેમનું માર્ગદર્શન મેળવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશનના કાર્યકારી નિર્દેશક ભૂતપૂર્વ સનદી અધિકારી શ્રી વી. એસ. ગઢવીએ કૃષિ પરિસંવાદને ઐતિહાસિક ગણાવીને જણાવ્યું હતું કે, માનનીય રાજ્યપાલશ્રીના માર્ગદર્શનથી કચ્છમાં પ્રાકૃતિક ખેતીના અભિયાનને નવું પ્રેરકબળ મળશે. અદાણી ફાઉન્ડેશન સીએસઆર હેડ શ્રી પંક્તિ શાહે જણાવ્યું હતું કે, મહત્તમ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાય એ દિશામાં ફાઉન્ડેશન કામગીરી કરી રહ્યું છે. ફાઉન્ડેશન દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ અને જળ સંચયના કામો કરવામાં આવી રહ્યા છે.

આ પ્રસંગે માંડવી-મુંદ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવે, અદાણી પોર્ટ્સ અને એસઈઝેડ લિમિટેડના કાર્યકારી નિર્દેશક શ્રી રક્ષિતભાઈ શાહ, જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી શૈલેષ પ્રજાપતિ, મુન્દ્રા પ્રાંત અધિકારીશ્રી ચેતન મિસણ સહિત માંડવી- મુન્દ્રાના વિસ્તારના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: