Pal Singh Selma | અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં સિખ સમુદાયમાં ‘હીલર’ તરીકે જાણીતા 73 વર્ષીય ભારતીય મૂળના વ્યક્તિ પાલ સિંહ (Pal Singh) પર ચાર મહિલા દર્દીઓનું જાતીય શોષણ કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે.
સેલ્મા (Selma) પોલીસ વિભાગે આ મામલે તેમની ધરપકડ કરી છે અને સમગ્ર રાજ્યમાં આ કેસ સંબંધિત અન્ય સંભવિત પીડિતોની તપાસ શરૂ કરી છે.
ઘર પર જ ચલાવતા હતા પ્રેક્ટિસ
ફ્રેસ્નો કાઉન્ટીના સેલ્મા શહેરમાં રહેતા પાલ સિંહ પોતાના ઘરેથી જ એક બિનઅધિકૃત ચાઇરોપ્રેક્ટિક (Chiropractic) ક્લિનિક ચલાવતા હતા.
સેલ્મા પોલીસના જણાવ્યા મુજબ, તેઓ એક્યુપ્રેશર (Acupressure) સારવાર આપતા હતા. સિખ સમુદાયમાં તેઓ જાણીતા હોવાથી કેલિફોર્નિયાના અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો તેમની પાસે સારવાર કરાવવા આવતા હતા.
જૂન 2023 થી જુલાઈ 2025 વચ્ચે તેમની પાસે સારવાર માટે આવેલી ચાર મહિલાઓએ સત્રો દરમિયાન અયોગ્ય સ્પર્શ અને મરજી વિરુદ્ધ જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો. આ ફરિયાદોના આધારે તપાસ કર્યા બાદ પોલીસે 8 સપ્ટેમ્બરના રોજ પાલ સિંહની ધરપકડ કરી હતી.
કોર્ટમાં કેસ અને જામીન
ફ્રેસ્નો કાઉન્ટી કોર્ટના રેકોર્ડ અનુસાર, પાલ સિંહ પર મહિલાઓની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરવાના ચાર અલગ-અલગ ગંભીર ગુનાહિત ગુના (Felony Counts) નોંધવામાં આવ્યા છે. જોકે, પાલ સિંહે કોર્ટમાં પોતાની જાતને નિર્દોષ ગણાવી છે.
ધરપકડના બે દિવસ બાદ, 10 સપ્ટેમ્બરના રોજ રૂ. 1,66,00,000 ($200,000 બામીન રકમ) નો બોન્ડ ભરીને તેઓ જેલમાંથી મુક્ત થયા હતા.
ફ્રેસ્નો કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટોર્ની ઓફિસે એક પ્રોટેક્ટિવ ઓર્ડર જારી કર્યો છે, જેના હેઠળ પાલ સિંહને ચારેય પીડિત મહિલાઓનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કેસની આગામી સુનાવણી 27 ઓક્ટોબરના રોજ નક્કી કરવામાં આવી છે.
અગાઉ સંત અને પૂજારી રહી ચૂક્યા છે
પાલ સિંહના વકીલ એડી રૂઇઝે જણાવ્યું કે તેમના અસીલે ભારતમાં એક્યુપ્રેશરની તાલીમ લીધી હતી અને બાદમાં ઓનલાઈન કોર્સ પણ પૂર્ણ કર્યો હતો. તેમનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી.
ઉપરાંત, કોર્ટમાં રજૂ કરાયેલા દસ્તાવેજો દર્શાવે છે કે તેઓ અગાઉ ભારતમાં પૂજારી હતા અને 2010 થી 2016 દરમિયાન સેલ્માના સિખ સેન્ટર ઓફ ધ પેસિફિક કોસ્ટ ખાતે પૂજારી તરીકે સેવા આપી ચૂક્યા છે.
વધુ પીડિતો હોવાની પોલીસને શંકા
સેલ્મા પોલીસ કમાન્ડર ટિમ કેનનના જણાવ્યા અનુસાર, પાલ સિંહ વિશે છેલ્લા કેટલાક વર્ષોથી અયોગ્ય વર્તનની મૌખિક ફરિયાદો મળી રહી હતી. ઘણા લોકો સોશિયલ મીડિયા જાહેરાતો અને ઓનલાઈન રિવ્યૂ જોઈને કેનેડા સુધીથી પણ તેમની પાસે આવતા હતા.
પોલીસને શંકા છે કે અન્ય ઘણી મહિલાઓ પણ આ શોષણનો ભોગ બની હોઈ શકે છે પરંતુ સામાજિક ડરના કારણે તેઓ સામે આવી રહી નથી. પોલીસે કેલિફોર્નિયામાં રહેતા લોકોને અપીલ કરી છે કે જો તેઓ પણ પાલ સિંહના શોષણનો ભોગ બન્યા હોય, તો પોલીસ વિભાગનો સંપર્ક કરે.
