Skip to content
sacharachar logo

Sacharachar

Primary Menu
  • Home
  • Gujarat
    • Gujarat Development
  • National
    • India Development
  • World
  • Business
    • Economy
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI

અષ્ટમ બ્રહ્મસત્ર ની ભવ્ય ઉજવણી – ડલાસ ગુરુકુળ

Chief Editor July 28, 2026
29 brahmo1
અષ્ટમ બ્રહ્મસત્ર અને આઠમા પાટોત્સવની ભવ્ય ઉજવણી – ડલાસ ગુરુકુળ

બ્રહ્મસત્ર એટલે આપણે સત્સંગમાં કેટલા આગળ વધ્યા છીએ, જીવનમાં સત્સંગ કેટલો દૃઢ થયો છે અને હજુ કેટલી આધ્યાત્મિક પ્રગતિ કરવી બાકી છે તેનું આત્મમંથન કરવાનો પવિત્ર સેમિનાર. દેશ-વિદેશમાંથી એક રુચિના હરિભક્તો એકત્ર થઈ પરસ્પરમાં આત્મબુદ્ધિ કેળવે, એકબીજાને આધ્યાત્મિક પ્રેરણા આપે અને સહયોગથી સત્સંગના માર્ગે વધુ દૃઢતાપૂર્વક આગળ વધે—તે જ બ્રહ્મસત્રનો મુખ્ય હેતુ છે.

આત્મચિંતન, અંતરખોજ અને બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમ નારાયણમાં જોડાવાની પ્રેરણા આપતો આ દિવ્ય બ્રહ્મ ત્રનો પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે ઈ.સ. ૧૯૬૪માં પ્રારંભ કર્યો હતો. ત્યારથી બ્રહ્મસત્ર અસંખ્ય મુમુક્ષુઓના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ, સત્સંગની દૃઢતા અને ભગવાન તથા સત્પુરુષ પ્રત્યેની અડગ નિષ્ઠાનું શક્તિશાળી માધ્યમ બની રહ્યું છે.

અમેરિકા અને કેનેડાના હરિભક્તો પણ આ અમૂલ્ય આધ્યાત્મિક પરંપરાનો લાભ મેળવી શકે તે હેતુથી વર્ષ ૨૦૧૯થી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન – ડલાસ ખાતે દર વર્ષે નિયમિત અષ્ટદિનાત્મક બ્રહ્મસત્રનું આયોજન કરવામાં આવે છે.

શ્રીજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ ગુરુ મહારાજની આજ્ઞાથી તા. ૧૧ જુલાઈથી ૧૮ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન પૂજ્ય મહંત સ્વામી તથા પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામીના પાવન સાનિધ્યમાં અષ્ટમ બ્રહ્મસત્ર તેમજ આઠમા પાટોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી સંપન્ન થઈ. સમગ્ર અમેરિકા અને કેનેડામાંથી ૧૨૦૦થી વધુ હરિભક્ત પરિવારો આ મહોત્સવમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક લાભથી ધન્ય બન્યા.

દરરોજ સવારના સત્રોમાં અંદાજે ૪૦૦થી ૫૦૦ હરિભક્તો તથા સાંજના કાર્યક્રમોમાં ૯૦૦થી ૧,૦૦૦ હરિભક્તો ઉત્સાહભેર જોડાતા હતા. ષોડશોપચાર પૂજન, શોભાયાત્રા, ભક્તચિંતામણી યજ્ઞ, સત્સંગનો રંગ, કથાવાર્તા, સંતો સાથે ગોષ્ઠિ તથા વિવિધ આધ્યાત્મિક કાર્યક્રમો દ્વારા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની રહેતું હતું. બહારગામથી પધારેલા હરિભક્તોની રહેવાની વ્યવસ્થા સ્થાનિક હરિભક્તોએ પોતાના ઘરોમાં કરીને સંતોનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

દરરોજ સવારના કાર્યક્રમની શરૂઆત શ્રીજી મહારાજના ષોડશોપચાર પૂજનથી થતી. ત્યારબાદ પૂજ્ય સત્યસંકલ્પદાસજી સ્વામી સંતો અને હરિભક્તોના પ્રેરણાદાયી ચરિત્રો દ્વારા મહારાજના આશ્રયને દૃઢ બનાવવાનો અમૂલ્ય લાભ આપતા. ત્યારપછી પૂજ્ય સંતો દ્વારા સત્સંગમાં ઓછા પ્રચલિત મહારાજના સમયના પરમહંસોના દિવ્ય ચરિત્રોનું કથામૃત પીરસાતું. તેમાં પૂજ્ય નીલકંઠચરણદાસજી સ્વામી, પૂજ્ય ભગવતચરણદાસજી સ્વામી, પૂજ્ય મુકુન્દસ્વરૂપદાસજી સ્વામી, પૂજ્ય વેદાંતસ્વરૂપદાસજી સ્વામી તથા પૂજ્ય જગતપ્રકાશદાસજી સ્વામી સહિતના સંતોએ અમૂલ્ય લાભ આપ્યો.

ત્યારબાદ પૂજ્ય મહંત સ્વામી ગીતા-ચિંતન પર પોતાની આગવી, સરળ અને હૃદયસ્પર્શી શૈલીમાં કથાવાર્તા કરતા. “સંતો-ભક્તોની ગોષ્ઠિ” કાર્યક્રમમાં હરિભક્તો પોતાના આધ્યાત્મિક જીવનના પ્રશ્નોનું સંતો સાથે ગોષ્ઠિ દ્વારા સુંદર સમાધાન મેળવતા. ઉપરાંત, સત્સંગના ઉત્કર્ષ માટેના અનુભવો અને વ્યક્તિગત સાધનાઓની પરસ્પર આપ-લે થતી.

સવારના કાર્યક્રમોની સાથે યુવા હરિભક્તો માટે વિશેષ યુથ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પૂજ્ય મંત્રસ્વરૂપદાસજી સ્વામીએ આજની વિદેશમાં વસતી યુવા પેઢીને સત્સંગમાં આવતી મૂંઝવણો અને આધ્યાત્મિક પ્રશ્નો પર અંગ્રેજીમાં પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું. ઉપરાંત, શિવ મંદિર પાસે ભક્તચિંતામણી યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

દરરોજ સાંજના બ્રહ્મસત્ર કાર્યક્રમમાં પૂજ્ય કૃષ્ણચરણદાસજી સ્વામી દ્વારા “ભાગ્ય જગ્યા રે આજ જાણવા” વિષય હેઠળ ઇન્ટરેક્ટિવ સેશન યોજાતું, જેમાં સર્વે હરિભક્તોને જીવનને આધ્યાત્મિક દિશા આપતું માર્ગદર્શન મળતું. બ્રહ્મસત્રના હૃદય સમાન આ સત્રનો સહુ હરિભક્તો અત્યંત ઉત્સાહ અને તલ્લીનતાથી લાભ લેતા.

તે ઉપરાંત પૂજ્ય મહંત સ્વામીએ શ્રીજી મહારાજ તથા સંતો-હરિભક્તો વચ્ચે થયેલા જ્ઞાનમંથનરૂપ વચનામૃતોનું અત્યંત સુંદર અને જીણવટભર્યું નિરૂપણ કરીને સૌને આધ્યાત્મિક અમૃતનો આસ્વાદ કરાવ્યો. “સત્સંગનો રંગ” તથા “મહિલા મંચ” કાર્યક્રમોમાં બાળકો, યુવાનો તેમજ વડીલ પુરુષ અને મહિલા હરિભક્તોએ પોતાની સત્સંગપ્રેમી કળાઓ દ્વારા શ્રી ઘનશ્યામ મહારાજ અને સંતોને રાજી કરવાનો સુંદર પ્રયાસ કર્યો.

તા. ૧૭ જુલાઈ, ૨૦૨૬ના રોજ પૂજ્ય મહંત સ્વામીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા સ્વયંસેવક સેમિનારમાં સમગ્ર અમેરિકા અને કેનેડામાંથી ૬૦૦થી વધુ સ્વયંસેવકો જોડાયા હતા. તેમણે આગામી વર્ષ દરમિયાન સત્સંગના વિકાસ અને વ્યક્તિગત આધ્યાત્મિક પ્રગતિ માટે કરવાના સંકલ્પો સાથે વર્ષભર પાલન કરવા યોગ્ય નિયમોનું અમૂલ્ય ભાથું પ્રાપ્ત કર્યું.

આ ઉપરાંત, સહજાનંદ આરોગ્ય ટીમ દ્વારા તા. ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ વિશાળ હેલ્થ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૮૦થી વધુ પ્રકારના બ્લડ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવ્યા અને બે દિવસમાં તેના પરિણામો સાથે નિષ્ણાત ડૉક્ટરોનું માર્ગદર્શન પણ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. ત્યારબાદ તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ રક્તદાન કેમ્પનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું, જેમાં હરિભક્તોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરીને માનવસેવાનું ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું.

તા. ૧૮ જુલાઈ, ૨૦૨૬ના રોજ લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજના આઠમા પાટોત્સવની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. સવારે શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતારામજી તથા અન્ય સર્વે દેવોની પૂજનવિધિ, ન્યાસવિધિ અને મહાભિષેક વિધિવત્ સંપન્ન થયા. મહાભિષેક બાદ વિવિધ વાનગીઓથી અદભૂત અન્નકૂટ ધરાવવામાં આવ્યો. ૧,૨૦૦થી વધુ હરિભક્ત પરિવારોએ અન્નકૂટ દર્શન અને પાટોત્સવ સભાનો દિવ્ય લાભ લીધો. સાંજની સભામાં વિવિધ સેન્ટરોથી આવેલા હરિભક્તોએ ઘરધણીના શીર્ષક હેઠળ ભાવસભર નાટ્યપ્રસ્તુતિ દ્વારા સૌના હૃદય જીતી લીધા.

આ સમગ્ર મહોત્સવ માત્ર એક ધાર્મિક ઉજવણી પૂરતો મર્યાદિત રહ્યો નહોતો; પરંતુ સહુના જીવનમાં બ્રહ્મવિચારને વધુ દૃઢ બનાવતો, ભક્તિમાં નવી ઉર્જા પ્રગટાવતો, સત્સંગ પ્રત્યે અડગ નિષ્ઠા જગાવતો અને બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમમાં જોડાવાની પ્રેરણા આપતો એક દિવ્ય આધ્યાત્મિક મહાયજ્ઞ બની રહ્યો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે
Next: કેલિફોર્નિયાના નોર્વોક ખાતે  હનુંમાન ચાલીસાના પાઠ
Follow

Recent Posts

  • કેલિફોર્નિયાના નોર્વોક ખાતે  હનુંમાન ચાલીસાના પાઠ
  • અષ્ટમ બ્રહ્મસત્ર ની ભવ્ય ઉજવણી – ડલાસ ગુરુકુળ
  • આજ કી રાત મેરે દિલ કી સલામી લે લે
  • કેલિફોર્નિયામાં ભવ્ય તબીબી અને સંગીતમય કાર્યક્રમ યોજાયો
  • ‘વૈષ્ણવ મિલન ઓફ ટેક્સાસ’ દ્વારા શિક્ષણ કેન્દ્રનો પ્રારંભ
© 2025 Sacharachar | All Rights Reserved.
  • Home
  • Gujarat
  • National
  • World
  • Business
  • Sports
  • Entertainment
  • Tech
  • Religious
  • NRI
  • Facebook
  • Youtube
  • Twitter
  • Instagram
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.