IND vs AFG | ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) અફઘાનિસ્તાન સામે રમાનારી આગામી વનડે સિરીઝ (ODI series) અને એકમાત્ર ટેસ્ટ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. અફઘાનિસ્તાન ટીમ ભારતના પ્રવાસે 6 થી 10 જૂન દરમિયાન ન્યૂ ચંદીગઢ ખાતે ટેસ્ટ મેચ રમશે. ત્યારબાદ 14 જૂનથી 3 મેચોની વનડે સિરીઝ શરૂ થશે.
આ પ્રવાસ માટે ટીમમાં 4 નવા યુવા ખેલાડીઓ પ્રિન્સ યાદવ, હર્ષ દુબે, માનવ સુથાર અને ગુરનૂર બ્રારને પહેલીવાર તક આપવામાં આવી છે. આ યુવા ખેલાડીઓના આગમનથી ભારતના કેટલાક સિનિયર ખેલાડીઓના કરિયર (Career) પર સંકટના વાદળો ઘેરાયા છે.
ઓલરાઉન્ડર હર્ષ દુબે (Harsh Dubey)ને ટેસ્ટ અને વનડે બંને ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે અક્ષર પટેલને ડ્રોપ (Drop) કરવામાં આવ્યો છે. હર્ષ ડાબોડી સ્પિનર અને સારો બેટ્સમેન હોવાથી જો તે સારું પ્રદર્શન કરશે તો અક્ષર પટેલ (Akshar Patel)ની વાપસી મુશ્કેલ બનશે.
આ ઉપરાંત, 37 વર્ષીય રવીન્દ્ર જાડેજા (Ravindra Jadeja)ને આ સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે, પરંતુ માનવ સુથાર (Manav Suthar) અને હર્ષ દુબે ભવિષ્યમાં જાડેજાનું સ્થાન લેવા માટે મજબૂત દાવેદાર તરીકે ઉભરી શકે છે.
બીજી તરફ, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ (Mohammed Siraj)ને ટેસ્ટમાં જગ્યા મળી છે પરંતુ વનડે ટીમમાંથી તે બહાર છે. સ્થાનિક ક્રિકેટમાં (Domestic cricket) શાનદાર પ્રદર્શન કરનાર ગુરનૂર બ્રાર અને પ્રિન્સ યાદવ જો પાવરપ્લે (Powerplay) અને ડેથ ઓવરોમાં પ્રભાવશાળી રહેશે, તો સિરાજની વનડે ટીમમાં વાપસી મુશ્કેલ બનશે અને મોહમ્મદ શમીનું ઇન્ટરનેશનલ કરિયર પણ ખતમ થઈ શકે છે.
IPL 2026માં શાનદાર પ્રદર્શન કરવા છતાં ભુવનેશ્વર કુમારને તક ન મળતા સ્પષ્ટ થાય છે કે બોર્ડ હવે તેમના નામ પર વિચાર નથી કરી રહ્યું. આ સિવાય વિકેટકીપર ઋષભ પંત (Rishabh Pant)ને ટેસ્ટમાં સ્થાન મળ્યું છે, પરંતુ વનડે ટીમમાંથી ડ્રોપ કરાતા તેના ભવિષ્ય પર પણ સવાલો ઉભા થયા છે.
