Sabarmati Jail Escape | અમદાવાદની (Ahmedabad) સાબરમતી સેન્ટ્રલ જેલ (Sabarmati Central Jail)માંથી હત્યા અને પોક્સો (POCSO) જેવા ગંભીર ગુનાનો કેદી પોલીસની નજર ચૂકવીને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે.
આજીવન કેદની સજા કાપી રહેલો કેદી માલદે પરમાર જેલના મુખ્ય દરવાજેથી જ કોઈને પણ ખબર ન પડે તે રીતે બહાર નીકળી ગયો હતો.
ઘટનાની વિગતો: સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે, 11 મે 2026 ના રોજ સવારે આશરે 10:10 વાગ્યે જ્યારે જેલ સ્ટાફની શિફ્ટ બદલાઈ રહી હતી, ત્યારે અરાજકતાનો લાભ લઈને માલદે જેલની બહાર નીકળી ગયો હતો.
મૂળ પોરબંદરનો (Porbandar) રહેવાસી માલદે વર્ષ 2025 થી આજીવન કેદની સજા ભોગવી રહ્યો હતો. તેને સારવાર માટે રાજકોટથી સાબરમતી જેલમાં ખસેડાયો હતો. સાંજે જેલબંધીના સમયે તેની ગેરહાજરી જણાતા જેલ તંત્રમાં દોડધામ મચી હતી.
તપાસ અને સર્ચ ઓપરેશન: આ મામલે રાણીપ પોલીસ મથકમાં (Ranip Police Station) ફરિયાદ નોંધવામાં આવી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) અને સ્થાનિક પોલીસની વિવિધ ટીમો દ્વારા આરોપીને પકડવા માટે ચારેતરફ નાકાબંધી કરવામાં આવી છે. પોલીસ આરોપીના લોકેશનને ટ્રેક કરવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સની પણ મદદ લઈ રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં છેલ્લા 3 દિવસમાં પોલીસ કસ્ટડીમાંથી આરોપી ભાગવાની આ બીજી ઘટના છે. અગાઉ વાડજ પોલીસ સ્ટેશનમાંથી પણ એક આરોપી ફરાર થયો હતો. સાબરમતી જેલ જેવી સુરક્ષિત જગ્યાએથી કેદીનું ભાગવું એ જેલ પ્રશાસનની બેદરકારી સામે મોટા પ્રશ્નાર્થો સર્જે છે.
