
ગાંધીનગર સ્થિત ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (GBU)ના વિદ્યાર્થીઓએ તબીબી વિજ્ઞાન ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે. નિઃસંતાન દંપતીઓ માટે આશીર્વાદ સમાન IVF (ઈન વિટ્રો ફર્ટિલાઇઝેશન) પદ્ધતિમાં વારંવાર મળતી નિષ્ફળતા રોકવા માટે વિદ્યાર્થીઓએ mRNA-આધારિત અદ્યતન થેરાપી વિકસાવી છે. આ સંશોધન બદલ અમદાવાદના વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC) દ્વારા ‘યંગ લોરિએટ’ કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર આપવામાં આવ્યો છે.
સંશોધનની મુખ્ય વિગતો:
-
ટીમ ઇમ્મુનોસ્ટેટ: આ વિજેતા ટીમમાં પ્લાન્ટ બાયોટેકનોલોજીના અરિન જૈન, મેડિકલ બાયોટેકનોલોજીની સંસ્કૃતિ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીની શુભાંગી ઝાનો સમાવેશ થાય છે. તેમને ડૉ. રોહિણી આર. નાયર દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
-
સમસ્યાનો ઉકેલ: IVF પ્રક્રિયામાં 40થી 50 ટકા કિસ્સાઓમાં ‘રિકરન્ટ ઇમ્પ્લાન્ટેશન ફેલ્યોર’ (RIF) ને કારણે નિષ્ફળતા મળે છે. જીબીયુની ટીમે તૈયાર કરેલું mRNA કન્સ્ટ્રક્ટ ગર્ભાશયના આંતરિક સ્તરોની સ્થિરતા વધારી ગર્ભધારણની શક્યતાઓને મજબૂત બનાવશે.
-
એવોર્ડ અને સન્માન: ‘સાયન્સ ફોર સોસાયટી’ થીમ હેઠળ આયોજિત સ્પર્ધામાં ટીમને રૂ. ૫૦,૦૦૦ની સ્કોલરશિપ અને ડૉ. રોહિણી નાયરને રૂ. ૧૫,૦૦૦ની ફેલોશિપ એનાયત કરવામાં આવી છે.
વિકસિત ભારત @ 2047 અને BioE3 નીતિ
વિદ્યાર્થીઓની આ સિદ્ધિ ભારત સરકારની નવી BioE3 નીતિ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈના ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ ના વિઝનને વેગ આપે છે. જીબીયુના નાયબ કુલસચિવ વિમલ શાહે જણાવ્યું હતું કે, સંસ્થા વિદ્યાર્થીઓને ઉદ્યોગ અને સમાજલક્ષી સંશોધનો માટે પ્રોત્સાહિત કરે છે. ઉલ્લેખનીય છે કે, જીબીયુ સ્કોટલેન્ડની યુનિવર્સિટી ઓફ એડિનબર્ગના સહયોગથી કાર્યરત વિશ્વની પ્રથમ સમર્પિત બાયોટેકનોલોજી યુનિવર્સિટી છે.
