
Ahmedabad: શહેરની નામાંકિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેલ મળતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના લોકસભા મતવિસ્તારમાં આવતી શાળાઓને ટાર્ગેટ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ છે. ઈ-મેલમાં અમિત શાહ અને જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની વાત કરવામાં આવી છે.
ધમકીનો ગંભીર સંદેશ: “સાબરમતી જેલ સુધી ધડાકા થશે”
શાળાઓને મળેલા ઈ-મેલમાં બપોરે 1:11 થી 1:30 વાગ્યાની વચ્ચે બ્લાસ્ટ કરવાની ધમકી અપાઈ હતી. મેલમાં લખવામાં આવ્યું છે કે, “અમદાવાદ ધમાકા – બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક”. આ ધમકી પાછળ ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો બદલો લેવાનો ઉલ્લેખ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
તકેદારીના પગલે શાળાઓમાં રજા, પોલીસનો અભેદ્ય કિલ્લો
ધમકી મળતાની સાથે જ અમદાવાદ પોલીસ, બોમ્બ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો એક્શનમાં આવી ગઈ હતી:
-
શાળાઓ ખાલી કરાવાઈ: ઝાયડસ, ઝેબર અને DAV જેવી શાળાઓમાંથી તાત્કાલિક વિદ્યાર્થીઓને રજા આપી સુરક્ષિત રીતે ઘરે મોકલવામાં આવ્યા.
-
સર્ચ ઓપરેશન: પોલીસ દ્વારા સ્કૂલના દરેક ખૂણે ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. રસ્તાઓ સીલ કરી દેવામાં આવ્યા છે.
-
વાલીઓમાં ચિંતા: “બાળકોને તાત્કાલિક લઈ જાવ” તેવો મેસેજ મળતા જ વાલીઓ ઓફિસ કે મીટિંગ છોડીને દોડતા સ્કૂલે પહોંચ્યા હતા.
કઈ કઈ શાળાઓને મળી ધમકી?
અમદાવાદની આ મહત્વની શાળાઓમાં તપાસનો ધમધમાટ શરૂ છે:
ઝેબર સ્કૂલ (થલતેજ), મહારાજા અગ્રસેન (ગુરુકુળ), DAV ઈન્ટરનેશનલ (મકરબા), નિર્માણ સ્કૂલ (વસ્ત્રાપુર), ઝાયડસ સ્કૂલ (વેજલપુર), અમદાવાદ ઈન્ટરનેશનલ સ્કૂલ (વસ્ત્રાપુર) અને ગાંધીનગર આસપાસની અન્ય શાળાઓ.
તંત્ર એક્શનમાં
અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) ની ટીમ પણ મેદાનમાં ઉતરી છે. જે શાળાઓને ધમકી નથી મળી ત્યાં પણ સાવચેતીના ભાગરૂપે બપોરની શિફ્ટમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સાયબર ક્રાઈમની ટીમ ઈ-મેલના લોકેશન અને તેના મૂળ સુધી પહોંચવા તપાસ કરી રહી છે.
