Breaking News

Sardar Patel an inspiration entire world UN Ambassador Ahmedabad 75 floats on the riverfront will showcase a glimpse of Pramukh Swamis life sardar-at-150-unity-march-reached-bhandra-in-narmada sports festival closing ceremony Home Minister Amitb Shah attend
187th Meeting Of The State Level Bankers Committee

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની 187મી બેઠક યોજાઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી: નાયબ મુખ્યમંત્રી

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
  • દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં ગુજરાતે લીડ લીધી
  • રાજ્યના બેન્કિંગ નેટવર્ક પૈકી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત
  • સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવા કરશે પરિણામલક્ષી કામગીરી
  • ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં બેન્કના સહયોગથી પોલીસે ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરી

શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતા હેઠળ SLBC-સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીની ૧૮૭મી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના બીજા ક્વાર્ટરમાં શ્રેષ્ઠતમ કામગીરી કરનારા રાજ્યના 3 લીડ ડિસ્ટ્રિક્ટ મેનેજરનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ બેઠકમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે, દેશમાં બેન્કિંગ સેવાઓ માત્ર ધનિક અને શહેરી વર્ગ પૂરતી જ સીમિત હતી. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગવા વિઝનથી અમલમાં આવેલી “પ્રધાનમંત્રી જન ધન યોજના”થી ભારતના બેન્કિંગ ક્ષેત્રમાં અભૂતપૂર્વ ક્રાંતિ આવી છે.

દેશમાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણમાં આજે ગુજરાતે લીડ લીધી છે. આજે રાજ્યનું બેન્કિંગ નેટવર્ક ૧૧,૦૦૦ શાખાઓ સુધી પહોંચ્યું છે, જેમાંથી ૫૬ ટકાથી વધુ શાખાઓ ગ્રામીણ વિસ્તારોમાં કાર્યરત છે. આ વિશાળ બેન્કિંગ નેટવર્કના માધ્યમથી ગુજરાતમાં પોણા બે કરોડથી વધુ જન ધન બેન્ક ખાતા ખૂલ્યાં છે. જે સાબિત કરે છે કે, રાજ્યનો ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ આજે સુદ્રઢ બેન્કિંગ સેવાનો લાભ મેળવી રહ્યો છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

હર્ષ સંઘવીએ સાયબર ક્રાઇમને હાલના સમયનો સૌથી મોટો પડકાર ગણાવતા કહ્યું હતું કે, સરકાર અને બેન્કિંગ ક્ષેત્ર સાથે મળીને સાયબર ગુનાઓને અટકાવવાની દિશામાં પરિણામલક્ષી કામગીરી કરી શકે છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું હતું કે, રાજ્યના ૧૯૩૦ હેલ્પલાઈન પર ગઈકાલે નોંધાયેલા તમામ સાયબર ગુનાઓમાં ગુજરાત પોલીસને વિવિધ બેન્કોની સહાયથી ૧૦૦ ટકા રાશિ ફ્રીઝ કરવામાં સફળતા મળી હતી.

ગુજરાત પોલીસના પ્રોએક્ટિવ પ્રયાસોમાં બેન્કોનો પણ સાથ-સહકાર મળે, તો દરેક સાયબર ક્રાઇમની ૧૦૦ ટકા રાશિ બ્લોક કરીને ગુનાઓમાં ઘટાડો લાવવામાં સફળતા મળશે. ૧૯૩૦ પર નોંધાતા સાયબર ગુનાઓ માટે ગૃહ વિભાગ, ગુજરાત પોલીસ અને વિવિધ બેન્કોના નોડલ અધિકારીની એક સંયુક્ત સમિતિ બનાવવા માટે પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ તાકીદ કરી હતી, જેથી સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની મૂળીને સુરક્ષિત કરી શકાય.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના એક જાગૃત બેન્ક મેનેજરનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે, તાજેતરમાં જ અમદાવાદના એક વૃદ્ધ ડિજિટલ અરેસ્ટનો શિકાર બન્યા હતા. આ વૃદ્ધ સાયબર ઠગોથી ડરીને પોતાની જીવનભરની કમાણી રૂ. ૪૫ લાખની ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી અને ત્યારબાદ આ રકમ કોઈ બીજા ખાતામાં RTGS કરવા તેઓ બેંકમાં પહોંચ્યા હતા.

આ બેન્કના સતર્ક મેનેજર શ્રી જયેશ ગાંધીને કઈક અજુગતું લાગતા તેમણે વૃદ્ધ વ્યક્તિ પાસેથી એફ.ડી તોડવા અને આટલી મોટી રકમ તાત્કાલિક બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા પાછળનું કારણ જાણવાના પ્રયાસો કર્યા હતા. વૃદ્ધ સાથે વાત કર્યા બાદ ડિજિટલ એરેસ્ટનો કિસ્સો ધ્યાને આવતા મેનેજરશ્રીએ ડરી ગયેલા વૃદ્ધને સમજાવીને તેમની મદદ કરી હતી અને પોતાનો માનવતા ધર્મ નિભાવ્યો હતો.

રાજ્યની દરેક બેન્કનો દરેક કર્મચારી જો આટલી સતર્કતાથી અને માનવીય અભિગમ સાથે કામ કરશે, તો ચોક્કસપણે ગુજરાતમાં સાયબર ગુનાઓને ઘટાડવામાં રાજ્ય સરકારને સફળતા મળશે, તેમ શ્રી સંઘવીએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે રાજ્યના મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસે કોવિડ મહામારી દરમિયાન આર્થિક સંકળામણમાં નાગરિકોને સહાયરૂપ થયેલી બેન્કોની કામગીરીની સરાહના કરી હતી. આ ઉપરાંત તેમણે સ્વામિત્વ યોજના જેવી વિવિધ મહત્વાકાંક્ષી યોજનાઓને વધુ સાર્થક અને ઝડપી બનાવવા માટે લીડ લઈને જરૂરી સહયોગ આપવા તમામ બેન્કોને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટી-ગુજરાતના ચેરમેન શ્રી દેબદત્ત ચંદ, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી સોનાલી સેન ગુપ્તા, ભારત સરકારના નાણા મંત્રાલયના સંયુક્ત સચિવ શ્રી મનોજ અયપ્પને પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે, બેન્ક ઓફ બરોડાના જનરલ મેનેજર અને સંયોજક શ્રી અશ્વિની કુમારે સમગ્ર બેઠકનું સંચાલન કર્યું હતું.

આ બેઠકમાં ગુજરાતના નાણા વિભાગના અગ્ર સચિવ શ્રી રાજીવ ટોપનો, નાણા વિભાગના ઇકોનોમિક અફેર્સના સચિવ શ્રી આરતી કંવર સહિત રાજ્યના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ રાષ્ટ્રીયકૃત બેંકોના વરિષ્ઠ મેનેજરશ્રીઓ અને અધિકારીઓ સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share Article: